ETV Bharat / state

પક્ષ પલટો અને વિસાવદર : આ બે ફેક્ટરે જૂનાગઢ જિલ્લામાં AAP માટે ખોલ્યા વિજયના દ્વાર

આમ આદમી પાર્ટીનો આ પ્રથમ અને મોટો વિજય વિસાવદર વિધાનસભા અને પક્ષ પલટાને કારણે સૌથી વધારે અસરકારક સાબિત થયો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનું ઉમદા પ્રદર્શન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનું ઉમદા પ્રદર્શન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 30, 2026 at 9:18 AM IST

|

Updated : April 30, 2026 at 1:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ 07 બેઠક જીતીને પંચાયતમાં વિપક્ષના સ્થાને આવી ગઈ છે. આમ આદમી પાર્ટીનો આ પ્રથમ અને મોટો વિજય વિસાવદર વિધાનસભા અને પક્ષ પલટાને કારણે સૌથી વધારે અસરકારક સાબિત થયો છે. વિસાવદર વિધાનસભામાં આવતી 8 માંથી 6 બેઠક જીતવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી છે.

આપના વિજયમાં પક્ષપલટો અને વિસાવદર મોટા ફેક્ટર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં જુનાગઢ જિલ્લા પંચાયતની સાત બેઠક જીતીને આમ આદમી પાર્ટી એ જુનાગઢ જિલ્લામાં સૌથી મોટો વિજય હાંસલ કર્યો છે, તેની પાછળ વિસાવદર વિધાનસભા અને પક્ષ પલટાના બે સૌથી મોટા કારણો સામે આવી રહ્યા છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા ત્યારથી લઈને, હાલના સામે આવેલા પરિણામ સુધી વિસાવદર વિધાનસભાના મતદારો પક્ષ પલટાને હજુ પણ ભૂલી શક્યા નથી, સાથે સાથે તેમણે વર્તમાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સાથે રહેવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2022માં પણ વિસાવદર વિધાનસભા બેઠક પર મતદારોએ આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીને વિજેતા બનાવ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનું ઉમદા પ્રદર્શન (Etv Bharat Gujarat)

વિસાવદર સિવાય આપની અન્ય તાલુકામાં પકડ નહીવત

વિસાવદર વિધાનસભામાં આવતી જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકો પર નજર દોડાવીએ તો ડુંગરપુર ભેસાણ, વડાલ, ચુડા, કાલસારી અને મોણપરી આ છ જિલ્લા પંચાયતની બેઠકો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યમાં સામેલ કરવામાં આવી છે, પરંતુ તે વિસાવદર વિધાનસભાના મત ક્ષેત્રમાં આવે છે. જેથી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આપને મળેલી સફળતા વિસાવદર વિધાનસભા પૂરતી જ મર્યાદિત અને સીમિત રહી છે. માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભામાં આવતી કણજા બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડા વિજેતા બન્યા છે. માણાવદર વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી એ લોક જાગૃતિ ઇકોઝોન અને ઘેડને લઈને આંદોલન વિસાવદર પછી સૌથી વધારે કર્યા હતા. પરંતુ અહીં તેમને સફળતા મળી નથી.

વિસાવદરને બાદ કરતા આપનો પ્રભાવ એકદમ સામાન્ય
વિસાવદરને બાદ કરતા આપનો પ્રભાવ એકદમ સામાન્ય (Etv Bharat Gujarat)

તાલુકા પંચાયતમાં પણ વિસાવદર જેવી સ્થિતિ

જુનાગઢ જિલ્લા પંચાયતની સાથે 9 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ આમ આદમી પાર્ટીની જે અસર વિસાવદર વિધાનસભા બેઠક પર જોવા મળી હતી, તે જ પ્રકારની અસર તાલુકા પંચાયતના પરિણામોમાં પણ જોવા મળી છે. ભેસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 13 બેઠકો જીતી લીધી છે. જુનાગઢ તાલુકા પંચાયતની 18 બેઠકો માંથી 09 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે. વિસાવદરની 18 તાલુકા પંચાયતની બેઠકો માંથી 11 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા રહ્યા છે. જુનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વિજય વિસાવદર વિધાનસભામાં આવતી તાલુકા પંચાયતની બેઠકોને કારણે થયો છે.

ભેસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી AAPએ 13 બેઠક જીતી
ભેસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી AAPએ 13 બેઠક જીતી (Etv Bharat Gujarat)

વિસાવદરને બાદ કરતા આપનો પ્રભાવ એકદમ સામાન્ય

જુનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા અને તેનો દેખાવ વિસાવદર વિધાનસભા પૂરતો જ મર્યાદિત હોય તેવું ચૂંટણી પરિણામોમાં પણ એકદમ સ્પષ્ટ જોવા મળે છે. વિસાવદરને બાદ કરતા જૂનાગઢ જિલ્લા પંચાયતની અન્ય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોઈ ખાસ પ્રભાવિત જોવા મળ્યા હોય તેવું પરિણામોમાં સામે આવતું નથી. આ સિવાય સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી એક પણ બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા બની નથી. વંથલી તાલુકા પંચાયતની 16 બેઠકો માંથી 05 બેઠક આપે જીતી છે. માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકો માંથી એક માત્ર બેઠક આપે જીતી છે. કેશોદ નગરપાલિકાની 36 બેઠકોમાંથી એક પણ બેઠક જીતવામાં આપને સફળતા મળી નથી, તેવી જ રીતે કેશોદ તાલુકા પંચાયતની 18 બેઠકો માંથી માત્ર એક બેઠક પર આપનો વિજય થયો છે. માળિયા તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 04 બેઠક પર આપનો વિજય થયો છે. તેવી જ રીતે માણાવદર તાલુકા પંચાયતની 16 બેઠક માંથી 04 બેઠક પર આપનો વિજય થયો છે, અને મેંદરડા તાલુકા પંચાયતની 16 બેઠકો માંથી એકમાત્ર બેઠક પર આપનો વિજય થયો છે.

જુનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત AAP એ 7 બેઠક જીતી
જુનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત AAP એ 7 બેઠક જીતી (Etv Bharat Gujarat)

તાલાલા તાલુકા પંચાયતમાં આપનો પ્રભાવ

સોમનાથ જિલ્લાની 28 જિલ્લા પંચાયત બેઠકોમાં આપનો એક પણ ઉમેદવાર વિજેતા રહ્યો નથી, પરંતુ તાલાલા તાલુકા પંચાયતની આબળાશ, આકોલવાડી, બોરવાવ, ચિત્રાવડ, ધાવા અને મંડોરણા આ છ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે, પરંતુ તાલાલા તાલુકામાં સામેલ જિલ્લા પંચાયતની એક પણ બેઠક જીતવામાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સફળ રહ્યો નથી. આ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીને જેટલો વકરો એટલો નફા જેવું પરિણામ પ્રાપ્ત થયું છે, પરંતુ તેમનું આ પરિણામ એક ચોક્કસ અને પ્રભાવિત વિસ્તારોમાં સૌથી વધારે અસરકારક જોવા મળ્યું છે. પાર્ટી અને નેતા તરીકે સાર્વત્રિક રીતે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ અને તેનો પ્રભાવ દરેક જિલ્લા તાલુકા કે નગરપાલિકાની સીટો પર જોવા મળતો નથી.

  1. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ ફરી જીત્યું, કોંગ્રેસને ઇતિહાસમાં પહેલીવાર શૂન્ય બેઠક મળી, AAP વિપક્ષમાં
  2. જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પરિણામોમાં ભાજપ સત્તાની ઉંબરે, આમ આદમી પાર્ટીએ ‘જાયન્ટ કિલર’ની ભૂમિકા ભજવી
Last Updated : April 30, 2026 at 1:10 PM IST