ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: જામનગર શહેરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, લોકોમાં આક્રોશ

વિસ્તારમાં ઠેર-ઠેર "મતદાનનો બહિષ્કાર" કરતા પોસ્ટરો લાગતા તંત્ર અને રાજકીય નેતાઓમાં દોડધામ મચી ગઈ છે.

જામનગર શહેરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
જામનગર શહેરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 16, 2026 at 8:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

જામનગર : ગુજરાતમાં આગામી ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જામનગરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 10માં આવતા ગોમતીપુર વિસ્તારના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે આક્રોશ વ્યક્ત કરી આગામી મતદાનનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિસ્તારમાં ઠેર-ઠેર "મતદાનનો બહિષ્કાર" કરતા પોસ્ટરો લાગતા તંત્ર અને રાજકીય નેતાઓમાં દોડધામ મચી ગઈ છે.

​વર્ષો જૂની સમસ્યાઓ અને સ્થાનિકોનો રોષ

​ગોમતીપુર વિસ્તારના લોકોનો મુખ્ય આક્ષેપ છે કે તેઓ વર્ષોથી રોડ, ગટર અને સાફ-સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ​ગટરની લાઈનો વારંવાર ઉભરાવવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. ​ખરાબ રસ્તાઓને કારણે વાહન ચલાવવું તો ઠીક, ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ​નિયમિત સાફ-સફાઈના અભાવે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.

જામનગર શહેરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા (ETV Bharat Gujarat)

"ચૂંટણી જીત્યા પછી નેતાઓ ગાયબ"

​સ્થાનિક રહીશોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે નેતાઓ બે હાથ જોડીને મતોની ભીખ માંગવા આવે છે. પરંતુ એકવાર ચૂંટાઈ ગયા પછી, કોઈપણ કોર્પોરેટર કે પ્રતિનિધિ આ વિસ્તારની મુલાકાત લેવા પણ તસ્દી લેતા નથી. લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોઈ તૈયાર નથી, જેને કારણે હવે જનતાએ "આરપારની લડાઈ" લડવાનું નક્કી કર્યું છે.

​"અમે વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છીએ. ચૂંટણી સમયે નેતાઓ મીઠી વાતો કરીને મતો લઈ જાય છે, પણ જીત્યા પછી કોઈ ડોકાતું પણ નથી. આ વખતે અમે નક્કી કર્યું છે કે જો કામ નહીં થાય તો અમે મતદાન પણ નહીં કરીએ." - ભારતી હરીશ ચાવડા, સ્થાનિક રહેવાસી, જામનગર

​સમગ્ર ગોમતીપુર વિસ્તારના લોકોએ એકસૂરે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ પક્ષના ઉમેદવારને વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને કોઈ મતદાન પણ કરશે નહીં. જનતાનો આ મિજાજ આગામી સમયમાં ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.

​હવે જોવાનું એ રહે છે કે આ પોસ્ટર વોર અને બહિષ્કારના એલાન બાદ તંત્ર જાગે છે કે પછી જનતાનો રોષ મતદાનના દિવસે પરિણામો પર અસર કરે છે.

આ પણ વાંચો...

  1. અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી 2026: શાહીબાગ વોર્ડમાં વિકાસના કેટલા કામો થયા?, લોકોનો મિજાજ શું છે?
  2. મહેસાણા ભાજપમાં મોટો ભડકો: પક્ષ વિરોધી કામગીરી કરનારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 6 નેતાઓ સસ્પેન્ડ