ETV Bharat / state

રાજકોટમાં લીવ-ઈનમાં રહેતા વ્યક્તિનું 12મા માળેથી પડતા મોત: પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી, ન્યાયની માંગ

12મા માળેથી પડી જતા 42 વર્ષીય નિમેશભાઈ ભંડેરીના મોતને તેના પરિવારજનોએ શંકાસ્પદ ગણાવ્યું છે.

રાજકોટમાં લીવ-ઈનમાં રહેતા વ્યક્તિનું 12મા માળેથી પડતા મોત
રાજકોટમાં લીવ-ઈનમાં રહેતા વ્યક્તિનું 12મા માળેથી પડતા મોત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 5:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: શહેરના પોશ વિસ્તાર ગણાતા ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સ ફ્લેટમાં બનેલી ઘટનાએ નવો વળાંક લીધો છે. 12મા માળેથી પડી જતા 42 વર્ષીય નિમેશભાઈ ભંડેરીના મોતને તેના પરિવારજનોએ શંકાસ્પદ ગણાવ્યું છે અને આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ ઉઠાવી છે.

આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ નિમેશભાઈ ભંડેરી પામ યુનિવર્સ ફ્લેટમાં લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. રાત્રીના સમયે તેઓ 12મા માળેથી નીચે પટકાયા હતા, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃતકના બનેવી પરેશભાઈ સંખવડાએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નિમેશભાઈના મોતમાં કંઈક ગરબડ છે. આટલી ઊંચાઈએથી કોઈ વ્યક્તિ સામાન્ય રીતે પડી ન જાય. પરિવારનું કહેવું છે કે નિમેશભાઈને આત્મહત્યા કરવાનું કોઈ કારણ નહોતું. તેઓ માનસિક રીતે સ્વસ્થ હતા અને તેમના કોઈની સાથે અણબનાવ પણ નહોતો.

રાજકોટમાં લીવ-ઈનમાં રહેતા વ્યક્તિનું 12મા માળેથી પડતા મોત (ETV Bharat Gujarat)

તેમણે કહ્યું કે, અમને આ મોત શંકાસ્પદ લાગી રહ્યું છે. આ હત્યા છે કે આત્મહત્યા તેની યોગ્ય તપાસ થવી જોઈએ. અમે પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે કે આ મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવે. સાથે રહેતી વ્યક્તિની પણ પૂછપરછ થવી જોઈએ અને ફ્લેટના સીસીટીવી ફૂટેજની તપાસ કરવી જોઈએ.

સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, પરિવારની શંકાને ધ્યાને લઈને તપાસ કરવામાં આવશે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસે સાથે રહેતા લીવ-ઈન પાર્ટનરના નિવેદનો નોંધ્યા છે અને તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSL રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. જો હત્યાનું કોઈ પાસું સામે આવશે તો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં પોલીસે મોબાઈલ ફોન, કોલ ડિટેલ્સ અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.

આ ઘટનાને પગલે ગંગોત્રી પાર્ક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા વ્યક્તિના શંકાસ્પદ મોતને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

આ પણ વાંચો:

  1. રાજકોટ મહાનગરપાલિકાનો હાઈટેક પ્રયોગ: મચ્છરોના નાશ માટે AI ડ્રોન ટેકનોલોજીનો કર્યો ઉપયોગ
  2. રાજકોટના મેટોડા GIDCમાં 7 વર્ષની માસૂમનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ; પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો