ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સુરતમાં કોઝવે ઓવરફ્લો, NDRFની 6 ટીમો તૈનાત

Published : July 4, 2026 at 11:36 AM IST
|Updated : July 4, 2026 at 11:01 PM IST
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં માંગરોળમાં 22.20 ઈંચ, માળિયા હાટિનામાં 14.09 ઈંચ, ડાંગના વઘઈમાં 13.31, સુરતના અંબિકામાં 13.19 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કયા 7 જિલ્લામાં રેડ એલર્ટ
ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર
કેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા
LIVE FEED
ઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શહેરથી ગ્રામ્ય વિસ્તાર સુધી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં શનિવારે સાંજથી મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ શરૂ કરી છે. ઉના શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનો સારો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉના શહેરની વિવિધ સોસાયટીઓ, નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની તીવ્રતા વધતા કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા.
બીજી તરફ તાલુકાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણીની આવક થઈ છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવેતર કરેલા પાક માટે આ વરસાદ લાભદાયી સાબિત થશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા સારા વરસાદથી ખેતીને નવી રાહત મળી છે.
હાલ સમગ્ર ઉના પંથકમાં વરસાદી માહોલ યથાવત છે. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયેલા હોવાથી આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા અચાનક પલટાને પગલે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વરસાદ દરમિયાન જરૂરી તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ કે દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. 7 દિવસ ભારે વરસાદ રહેશે. આજે સુરત,ડાંગ,નવસારી,ભરૂચ, સુરત અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદરમાં અતિભારે વરસાદ રહેશે. 40 થી 50 કિમિ ઝડપે પવન ફૂંકાશે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી છે. માંગરોળમાં અતિભારે વરસાદ રહેશે. તમામ જિલ્લા કલેકટરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને વરસાદના કારણે 24 કલાક કંટ્રોલરૂમ કાર્યક્રમ માટે સૂચના આપવામાં આવી છે.
સુરતમાં ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા NDRFની 6 ટીમૌ તૈનાત
સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત પુર કે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં વડોદરા બટાલિયન-6 ની NDRFની એક ખાસ ટુકડીને સુરતના ઓલપાડ ખાતે તૈનાત કરવામાં આવી છે. NDRFના ઇન્સ્પેક્ટર આર.પી. ભાટીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય ઘટના સમયે બચાવ અને રાહત કામગીરી માટે ટુકડી સંપૂર્ણપણે તૈયાર છે. આ ટીમના વિશેષ પાસાઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
કર્મચારીઓની વિશેષતા: 30 જવાનોની સાથે બે મહિલા રેસ્ક્યુઅર પણ ટીમમાં સામેલ છે. બચાવ કામગીરીને વધુ સચોટ બનાવવા માટે 'રૂબી' નામની એક તાલીમ બદ્ધ ડોગની મદદ લેવામાં આવશે, જે કાટમાળમાં દબાયેલા વ્યક્તિઓને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઇન્સ્પેક્ટર આર.પી. ભાટીએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, "હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું. ખાસ કરીને જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું અને પુર કે જળ ભરાવની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં જવું નહીં. કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર કે NDRF નો સંપર્ક કરવો."
સુરત વિયર-કમ-કોઝવે ઓવરફલો: મેઘમહેરના મનમોહક દ્રશ્યો વચ્ચે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની કૃપા દ્રષ્ટિ યથાવત છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદનું જોર વધતા જળસ્ત્રોતોમાં નવા નીરનું આગમન થયું છે. આ મેઘમહેરની સીધી અસર સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર જોવા મળી રહી છે. તાપીના ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે સુરત શહેરના રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતો વિયર-કમ-કોઝવે ઓવરફલો થયો છે.
કોઝવે ઓવરફલો થતા કુદરતનું અદભૂત સૌંદર્ય જોવા મળ્યું છે. તાપી નદીના પાણી જ્યારે કોઝવેની ઉપરથી પસાર થાય છે, ત્યારે તે દ્રશ્ય ખરેખર મનમોહક હોય છે. જોકે, આ સુંદરતાની સાથે જોખમ પણ જોડાયેલું છે. આજે બપોરે 12 વાગ્યે કોઝવેની સપાટી 6.84 મીટરે નોંધાઈ હતી, જે તેની ભયજનક સપાટી 6 મીટર કરતા ઘણી વધારે છે.
સ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા તુરંત જ કોઝવેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કોઝવેના બંને છેડા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટપણે નાગરિકોને અપીલ કરી છે કે, "આ નયનરમ્ય દ્રશ્યો માણવાના લોભમાં નદી કિનારે કે કોઝવેની નજીક જવું નહીં, તેમજ સેલ્ફી લેવાના પ્રયાસો કરવા નહીં." લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને તંત્રએ કિનારાથી દૂર રહેવા કડક સૂચના આપી છે.
રાંદેર અને કતારગામ-વેડરોડને જોડતો આ કોઝવે સુરતનો સૌથી ટૂંકો અને વ્યસ્ત માર્ગ છે. રોજિંદા ધોરણે હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરીને પોતાના કામકાજ માટે અવરજવર કરે છે. કોઝવે બંધ થવાથી હવે વાહનચાલકોએ લાંબુ અંતર કાપવું પડશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકોને હવે ચંદ્રશેખર આઝાદ બ્રીજ અને ડભોલી-જહાંગીરપુરા બ્રીજનો ઉપયોગ કરવો પડશે. આ રૂટ બદલાવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.
ગત વર્ષની સરખામણી અને વર્તમાન સ્થિતિ
કોઝવેના બંધ થવાની ઘટના પર નજર કરીએ તો, ગત વર્ષના ચોમાસામાં કોઝવે 23 જૂનના રોજ પ્રથમ વખત બંધ કરવામાં આવ્યો હતો, જે લાંબા સમય સુધી બંધ રહ્યો હતો. ગત વર્ષે કુલ 146 દિવસ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો, જેમાં પ્રથમ તબક્કો 23 જૂનથી 11 ઓગસ્ટ અને બીજો તબક્કો 18 ઓગસ્ટથી 21 નવેમ્બર સુધી ચાલ્યો હતો.
ચાલુ વર્ષે ચોમાસું મોડું શરૂ થવાને કારણે કોઝવે 3 જુલાઈના રોજ બંધ કરવાની ફરજ પડી છે. જો વરસાદનું જોર આમ જ જળવાઈ રહેશે, તો આ વર્ષે પણ કોઝવે વાહનચાલકો માટે લાંબા સમય સુધી બંધ રહી શકે છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ચાલુ રહેશે તો કોઝવેની સપાટીમાં વધુ વધારો થવાની પણ પૂરી શક્યતા છે.
રેડ એલર્ટને લઈ જાફરાબાદના દરિયા કિનારે 800 બોટો લાંગરી દેવાઈ
ચોમાસાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આ કડક ચેતવણીને પગલે અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાની આ ભયાવહ સ્થિતિને જોતા જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
જાફરાબાદના દરિયામાં અત્યારે જોરદાર કરંટ છે અને મોજા ઉછળી રહ્યા છે. આ અતિ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોની સુરક્ષા માટે જાફરાબાદ બંદર પર 700થી વધુ બોટોને કિનારે લાવીને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેથી સંભવિત વાવાઝોડા કે દરિયાના તોફાનથી કોઈ મોટું નુકસાન ન થાય.
સરકાર દ્વારા હાલમાં મોન્સૂન ફિશિંગ બેન હોવા છતાં, દરિયાની વર્તમાન રફ સ્થિતિને લીધે વહીવટી તંત્ર વધુ એલર્ટ બન્યું છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારે રહેલા સ્થાનિક લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આહવા: ચોમાસાની એન્ટ્રી સાથે ડાંગની હરિયાળી બની મનમોહક
આહવા: દક્ષિણ ગુજરાતના વનાચ્છાદિત અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ ડાંગ જિલ્લામાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થતાં સમગ્ર જિલ્લો હરિયાળીની લીલી ચાદર ઓઢી બેઠો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાભરમાં આવેલા નાના-મોટા ઝરણાં જીવંત બન્યા છે. રોડની બાજુમાં વહેતા ધોધ, લીલાછમ ડુંગરો, જંગલ વિસ્તાર અને વહેતા નાળા ડાંગની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ડાંગ ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ગીરા ધોધનું મનમોહક રૂપ પ્રવાસીઓને ખેંચી રહ્યું છે
વઘઈ નજીક અંબિકા નદી પર આવેલો પ્રસિદ્ધ ગીરા ધોધ વરસાદ શરૂ થતાં જ ધસમસતો વહેવા લાગ્યો છે. વરસાદી પાણીનો પ્રવાહ વધતાં ગીરા ધોધનું મનમોહક દૃશ્ય જોવા મળી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી પણ પ્રવાસીઓ ગીરા ધોધની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. ધોધનો ગર્જનાભર્યો અવાજ અને આસપાસનું લીલાછમ વાતાવરણ પ્રવાસીઓને કુદરતના સાનિધ્યનો અનોખો અનુભવ કરાવી રહ્યું છે.
રસ્તાની બાજુમાં વહેતા ઝરણાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
ડાંગ જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાની બાજુમાં જ નાના-મોટા ઝરણાં વહેતા જોવા મળી રહ્યા છે. ડુંગરોની ઊંચાઈ પરથી પડતું પાણી અને તેની વચ્ચે છવાયેલું ધુમ્મસ કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યું છે. વાહનચાલકો અને પ્રવાસીઓ આવા સ્થળોએ થોડો વિરામ લઈને કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે. ચોમાસામાં ડાંગના આ દૃશ્યો ફોટોગ્રાફી અને પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ
વ્યાપક વરસાદના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. હાલ ડાંગર અને નાગલી (રાગી)ની વાવણીનો સમય ચાલી રહ્યો છે. સમયસર અને સારો વરસાદ પડતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોએ ખેતરોમાં વાવણીની કામગીરી શરૂ કરી દીધી છે. વરસાદના કારણે જમીનમાં પૂરતો ભેજ મળતાં આ વર્ષે સારા પાકની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રકૃતિની ગોદમાં વસેલો ડાંગ ચોમાસામાં બને છે સ્વર્ગ સમાન
ડાંગ જિલ્લો વર્ષભર કુદરતી સૌંદર્ય માટે ઓળખાય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં અહીંનું સૌંદર્ય અનેકગણું વધી જાય છે. ગાઢ જંગલો, ઊંચા ડુંગરો, વહેતી નદીઓ, ખળખળ વહેતા નાળા અને અસંખ્ય ઝરણાં સમગ્ર વિસ્તારને સ્વર્ગ સમાન બનાવી દે છે. વરસાદ બાદ સર્જાતું ધુમ્મસભર્યું વાતાવરણ અને લીલાછમ પ્રકૃતિ દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે.
પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા
ચોમાસાની શરૂઆત સાથે જ ડાંગના ગીરા ધોધ સહિતના કુદરતી સ્થળોએ પ્રવાસીઓની અવરજવર વધવા લાગી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વચ્ચે સપ્તાહના અંતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ પહોંચે તેવી શક્યતા છે. સ્થાનિક વેપારીઓ અને પર્યટન સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સીઝન રોજગારીની નવી તકો લઈને આવી છે.
વહીવટી તંત્રે સાવચેતી રાખવા કરી અપીલ
જિલ્લા વહીવટી તંત્રે પ્રવાસીઓને કુદરતી સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. નદી, નાળા અને જળધોધમાં ઉતરવું નહીં, જોખમી સ્થળોએ સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરવી તેમજ વરસાદી પાણી ભરાયેલા માર્ગો અને કોઝવે પરથી પસાર ન થવું તેવી અપીલ કરવામાં આવી છે. તંત્રે જણાવ્યું છે કે થોડી સાવચેતી રાખવાથી ચોમાસાની મોજ સુરક્ષિત રીતે માણી શકાય છે
ડાંગ ફરી બન્યો ચોમાસાના પર્યટનનું હોટસ્પોટ
મેઘમહેર બાદ હરિયાળીથી છલકાતો ડાંગ જિલ્લો ફરી એકવાર ચોમાસાના પર્યટન માટેનું હોટસ્પોટ બન્યો છે. ગીરા ધોધ સહિત અનેક નાના-મોટા ઝરણાં, લીલાછમ ડુંગરો અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આમ, ચોમાસાની શરૂઆત સાથે ડાંગમાં પ્રકૃતિ અને ખેતી બંનેમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
ભરૂચ: વાલિયામાં 3.46 ઇંચ વરસાદથી સિલુડી ગામ બેટમાં ફેરવાયું, 50 લોકોનું સ્થળાંતર; ઘરોમાં પાણી ઘૂસતાં અફરાતફરી
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગત રોજ પડેલા ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. જિલ્લામાં સૌથી વધુ 3.46 ઇંચ વરસાદ વાલિયા પંથકમાં નોંધાતા સિલુડી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામમાંથી પસાર થતા કોતરમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં 10થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. જેના કારણે ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને અનેક પરિવારોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.
માહિતી અનુસાર બપોરના સમયે પડેલા ધોધમાર વરસાદના કારણે કોતરના પાણી ગામમાં ફરી વળ્યા હતા. થોડા જ સમયમાં પાણીનું સ્તર ઝડપથી વધતાં સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ઘરવખરી બચાવવાનો પણ પૂરતો સમય મળ્યો ન હતો. અનેક પરિવારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ભારે વરસાદની અસરથી ગામના એક મકાનમાં ભૂવો પડ્યો હતો, જ્યારે શાળા ફળિયામાં આવેલા બે મકાનોની દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. દિવ્યાંગ વૃદ્ધ સહિત કુલ સાત લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં ગામના તલાટી સહિત સ્થાનિક વહીવટી તંત્ર અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગામના અંદાજે 50 જેટલા લોકોને સુરક્ષિત રીતે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સ્થાનિક રહીશ જાનુબેન વસાવાએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઘરોમાં અચાનક પાણી ઘૂસી આવતાં પરિવારજનો જીવ બચાવી બહાર નીકળ્યા હતા. ઘરવખરી અને દૈનિક ઉપયોગનો સામાન પણ પાણીમાં બગડી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગામના આગેવાન અશરફ વડિયાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિએ સમગ્ર ગામને અસર કરી છે. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સરકારી સહાય, નુકસાનનું સર્વેક્ષણ અને પુનર્વસનની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલ વરસાદનું પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે, પરંતુ ગામમાં નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ ગ્રામજનોએ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી આયોજન કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.
ભરૂચ: અંકલેશ્વરમાં બે કલાકમાં 2.72 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, આમલા ખાડી બે કાંઠે, અનેક વિસ્તારો જળબંબાકાર
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. જિલ્લામાં સરેરાશ 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વાલિયામાં સૌથી વધુ 3.46 ઇંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરમાં માત્ર બે કલાકમાં 2.72 ઇંચ વરસાદ ખાબકતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા, વાહનવ્યવહાર ખોરવાયો અને અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જિલ્લાના વરસાદી આંકડાઓ મુજબ અંકલેશ્વરમાં 2.72 ઇંચ, હાંસોટમાં 2.68 ઇંચ, નેત્રંગમાં 2.09 ઇંચ અને વાગરામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઝઘડિયામાં 16 મિમી, જંબુસરમાં 17 મિમી, આમોદમાં 9 મિમી અને ભરૂચ શહેરમાં 4 મિમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક પણ વધી છે.
અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદના કારણે GIDC નોટિફાઇડ વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. કાપોદ્રા પાટિયાથી લઈને સરદાર પાર્ક સુધીના માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા ટ્રાફિક પર અસર થઈ હતી.
ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે ભારે અસર પહોંચાડી હતી. અંકલેશ્વરના ખરોડ અને ભાદી ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. માર્ગ બંધ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી.
બીજી તરફ, બે કલાકમાં 63 મિમી એટલે કે અંદાજે 2.48 ઇંચ વરસાદ પડતાં આમલા ખાડી બે કાંઠે વહેતી થઈ હતી. ખાડીનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાડી કિનારે રોજગારી મેળવતા લારી-ગલ્લા ચલાવતા વેપારીઓને પોતાની દુકાનો તાત્કાલિક ખાલી કરવાની ફરજ પડી હતી. પાણીનું સ્તર સતત વધતાં બ્રિજના અંડરપાસને પણ બંધ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
અંકલેશ્વરના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની હતી. વોર્ડ નંબર-1ના જલારામ નગરમાં ઘરોની બહાર અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રહેવાસીઓ પરેશાન બન્યા હતા. જ્યારે પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડ નંબર-4ના સંજયનગરમાં દર વર્ષની જેમ ફરી ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાયેલા રસ્તાઓમાં નાના બાળકો રમતા નજરે પડતાં સ્થાનિકોએ અકસ્માતની આશંકા વ્યક્ત કરી હતી અને પાલિકાની ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
દિવંગત અહેમદ પટેલના વતન પીરામણ ગામની રોશન સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોઠણસમા પાણી ભરાઈ જતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા યથાવત છે, છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી. વરસાદી પાણીમાં બાળકો રમતા જોવા મળ્યા હતા, જ્યારે ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક રહીશો સલીમભાઈ અને આબીદ કુરેશીએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદ પડતાં આ જ સ્થિતિ સર્જાય છે, પરંતુ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક આયોજન કરવામાં આવતું નથી. તેમણે વહેલી તકે ડ્રેનેજ વ્યવસ્થા સુધારી વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.
સતત વરસી રહેલા વરસાદને પગલે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો આગામી કલાકોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: કડીમાં જોટાણામાં 4-4 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
મહેસાણા: ગુજરાતમાં ચોમાસાની જામતી જતી ઇનિંગ વચ્ચે મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. જિલ્લા રાહત પોર્ટલ અને કન્ટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૪૮ મીમી એટલે કે આશરે ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને પગલે ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે અને લાંબા સમયના બફારા બાદ લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.
કડી અને જોટાણામાં મેઘરાજા
જિલ્લામાં સૌથી વધુ વરસાદ કડી તાલુકામાં નોંધાયો છે, જ્યાં ૨૪ કલાકમાં ૧૦૬ મીમી (૪ ઇંચથી વધુ) વરસાદ પડ્યો છે. કડીમાં સાંજના ૪ વાગ્યાથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રિના ૧૦ થી ૨ વાગ્યાના ગાળામાં જ ભારે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ, જોટાણા તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ૯૯ મીમી (આશરે ૪ ઇંચ) વરસાદ વરસાવી દીધો છે. જોટાણામાં રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યાના માત્ર બે કલાકમાં જ ૬૬ મીમી વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.
સતલાસણા અને ઊંઝામાં પણ વરસાદ
ઉત્તર ગુજરાતના સતલાસણા પંથકમાં પણ મેઘ મહેર જોવા મળી છે. સતલાસણામાં કુલ ૫૨ મીમી વરસાદ નોંધાયો છે, જેમાં સાંજે ૬ થી ૮ વાગ્યાના ગાળામાં જ ૩૯ મીમી વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ઊંઝા તાલુકામાં ૪૯ મીમી વરસાદ નોંધાયો છે, જ્યાં વહેલી સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ૨૫ મીમી વરસાદ ખાબક્યો હતો. ખેરાલુમાં ૪૨ મીમી અને બેચરાજીમાં ૩૮ મીમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વિસનગર અને વડનગરમાં ધીમી ધારે વરસાદ
જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો વિજાપુરમાં ૩૬ મીમી અને મહેસાણા તાલુકામાં ૨૬ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે વિસનગરમાં ૨૧ મીમી અને વડનગર તાલુકામાં સૌથી ઓછો ૧૧ મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે જિલ્લાનો ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ હવે ૧૦૨.૮ મીમી પર પહોંચી ગયો છે. જેમાં કડી તાલુકો ૪૧૦ મીમીના કુલ વરસાદ સાથે જિલ્લામાં મોખરે છે.
વરસાદના કારણે વાવણી લાયક માળખું તૈયાર થતાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. જો કે, કડી અને જોટાણા જેવા ભારે વરસાદ વાળા વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને કન્ટ્રોલ રૂમ દ્વારા પળેપળની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને મેઘરજ તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં જનજીવનને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ પડેલા સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
મેઘરજ શહેર ઉપરાંત રેલ્લાવાડા, જીતપુર, ઇસરી, બેડઝ, રેલ્યો, વાસણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. ભારે પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ હલતી જોવા મળી હતી, જ્યારે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા હતા.
વરસાદને કારણે ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલનો વરસાદ ખરીફ પાકની વાવણી તેમજ ઉભા પાક માટે લાભદાયી સાબિત થશે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદને લઈને ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું હોવાનું જોવા મળ્યું છે. સત્તાવાર વરસાદના આંકડા મુજબ ભિલોડામાં 2 મિ.મી., મેઘરજમાં સૌથી વધુ 31 મિ.મી., મોડાસામાં 18 મિ.મી., ધનસૂરામાં 20 મિ.મી., માલપુરમાં 10 મિ.મી., બાયડમાં 15 મિ.મી., શામળાજીમાં 10 મિ.મી. તેમજ સાઠંબામાં 28 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે સમગ્ર અરવલ્લી જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ખેડૂતો આશાવાદી બન્યા છે, જ્યારે સામાન્ય નાગરિકોએ પણ ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો છે.

