ETV Bharat / state

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો: સુરતમાં મુખ્યમંત્રીની અસરગ્રસ્તોને કેશડોલ અને ખાડી ડેવલપમેન્ટ માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત

CMએ સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી
CMએ સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી (X/@harshsanghvi)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 9, 2026 at 9:43 AM IST

|

Updated : July 9, 2026 at 5:32 PM IST

Choose ETV Bharat

અમદાવાદ: મોડેથી ગુજરાત પહોંચેલા મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યા છે. જેના પગલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અનેક જગ્યાઓએ જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. જોકે છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ ક્યાંય પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો નથી. સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાએલ પૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સુરતમાં ખાડી ડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

LIVE FEED

5:28 PM, 9 Jul 2026 (IST)

સુરતમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલની જાહેરાત

સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી સર્જાએલ પૂરની સ્થિતિ અંગે અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવ્યુ બેઠક યોજીને તંત્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ, નાગરિકોની સલામતી, પાણી ઓસર્યા બાદ સાફસફાઈ તેમજ રોગ નિયંત્રણના પગલા અંગેની વિગતો મેળવીને જનજીવન પૂર્વવત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવાના દિશાનિર્દેશો પણ તંત્રવાહકોને આપ્યા.

સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાનું આયોજન કરીને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂ. 500 કરોડની ફાળવણી રાજ્ય સરકાર કરશે. તંત્રના તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને પોતાની કામગીરી સુનિશ્ચિત કરે અને ભવિષ્યના આયોજન માટે ખાડી પૂર અટકાવવાનું નક્કર આયોજન કરે તે માટેની સૂચના અધિકારીઓને આપી. ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સુરત જિલ્લા વહીવટી તંત્રની સાથે છે, અને નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

2:34 PM, 9 Jul 2026 (IST)

સુરતમાં પૂરની સ્થિતિનું CMએ નિરીક્ષણ કર્યું

સુરત શહેરમાં ખાડીપુરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત પાલિકાના 'સ્માર્ટ સિટી' કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચીને સ્થિતિનું તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ પાલિકાના કંટ્રોલ રૂમમાં ગોઠવાયેલા 4 હજારથી વધુ સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોનું લાઈવ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ખાડીપુરના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં પાણીની સ્થિતિ અને બચાવ કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓ અને ધારાસભ્યો સાથે ઉચ્ચસ્તરીય બેઠક
સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા કંટ્રોલ રૂમમાં જ ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ, સુરત શહેરના ધારાસભ્યો સાથે બેઠક યોજી પૂરગ્રસ્ત વિસ્તારોની ગંભીરતા અને નાગરિકોની જરૂરિયાતો અંગે વિગતવાર ચિતાર મેળવવામાં આવશે.

11:22 AM, 9 Jul 2026 (IST)

સુરતમાં પૂરની સ્થિતિ બાદ રોગચાળાનો ભય, આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાના મુશળધાર મહેરબાન થતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જે હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. પૂર જેવી સ્થિતિ બાદ હવે તંત્ર માટે સૌથી મોટો પડકાર રોગચાળાને ફેલાતો અટકાવવાનો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ અત્યંત સતર્ક બન્યો છે. પાણીજન્ય રોગો જેવા કે કોલેરા, ટાઈફોઈડ કે અન્ય ચેપી બીમારીઓનો પ્રસાર ન થાય તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.

રાજ્યભરના તમામ તાલુકાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્રો (PHC અને CHC) ને સતર્ક કરી દેવામાં આવ્યા છે. જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં ખાસ સર્વેલન્સ અને મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. ગાંધીનગરથી રાજ્યસ્તરેથી આ સમગ્ર કામગીરીનું સીધું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ વિસ્તારમાં ક્ષતિ ન રહે.

તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ જગ્યાએ પૂરતા પ્રમાણમાં દવાઓનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા એ છે કે પૂર બાદ કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાય નહીં. તમામ સરકારી હોસ્પિટલોમાં પણ જરૂરી સાધન-સામગ્રી સાથે તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સરકારનું સ્પષ્ટ લક્ષ્ય છે કે નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ ઝડપથી અને સમયસર મળે.

ઉલ્લેખનીય છે સુરત જિલ્લા માં ખાબકેલા ધોધમાર વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાવો થયો છે. લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા (ETV Bharat Gujarat)

9:41 AM, 9 Jul 2026 (IST)

દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું યેલો એલર્ટ

ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે.

9:39 AM, 9 Jul 2026 (IST)

છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડના નાનાપોંઢામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કપરાડામાં 1.34 ઈંચ, ડાંગ-આહવામાં 0.94 ઈંચ, વાંસદામાં 0.91 ઈંચ, ઉમરપાડામાં 0.63 ઈંચ, ધરમપુર અને ખેરગામમાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Last Updated : July 9, 2026 at 5:32 PM IST