ભાવનગરમાં દારૂની હેરાફેરી, બે અલગ-અલગ બનાવમાં 6 લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર LCBએ વલભીપુર હાઇવે ઉપરથી એક કારમાંથી અને એક દુકાનમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

Published : July 2, 2026 at 2:16 PM IST
ભાવનગર: ભાવનગર એલસીબી પોલીસે બે અલગ-અલગ બનાવમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે વલભીપુર હાઇવે ઉપરથી એક કાર અને પાયલોટિંગ કરતી કાર મળીને બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે બીજા બનાવવામાં ભાવનગર શહેરમાં દુકાનમાંથી દારૂ ઝડપીને એક શખ્સને ઝડપી લીધો છે. આમ પોલીસે બે અલગ-અલગ કાર્યવાહીમાં દારૂનો મસમોટો જથ્થો અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
પહેલા બનાવમાં દારૂને મુદ્દામાલ
ભાવનગરની LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, ભાવનગર વલભીપુર હાઇવે ઉપરથી એક દારૂ ભરેલી કાર પસાર થવાની છે, જેને પગલે ક્રિષ્ના હોટલ પાસે વોચમાં રહેતા બાતમી વાળી કાર આવતા અને તેને રોકીને તપાસ કરતા કારમાંથી 1806 દારુની બોટલ અને બીયરના 380 ટીન મળી આવ્યા હતાં, જેની કિંમત 3,25,522 રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ધોરણસરનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલભીપુર હાઇવે ઉપરથી કાર સાથે બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. જેમાં હરેશ ઉર્ફે મુન્નાભાઈ રમકુભાઇ માલા અને હિતેશભાઈ બાબુભાઈ ધાંધલ ઝડપાઈ ગયા હતા.જ્યારે ભોળાભાઈ નામના શખ્સની સંડોવડી જણાતા તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. આમ પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ દારૂના જથ્થા સાથે કુલ 11,05,522 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી આગળ ધપાવી છે.

દુકાનમાંથી ઝડપાયો દારૂ
ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાંથી હતી, ત્યારે બાતમી મળી હતી કે, ભાવનગર શહેરમાં શેલારસા ચોકમાં આવેસા સિપાહી જમાતખાનાના બીજા માળે આવેલી દુકાન નંબર 27 માં વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે. જેથી સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા પોલીસને ત્યાંથી દારૂની બોટલ 811 અને બિયર 48 ટીન 48 મળી આવ્યા હતાં જેની કિંમત 3,82,375 આંકવામાં આવી રહી છે.

જ્યારે આ દુકાન ધારક દીપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઈ વાઘેલાને ઝડપીને કુલ મુદ્દામાલ 3,82,375 કબજે કર્યો છે. પોલીસે આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.
આ પણ વાંચો

