ચીખલીના ખાંભળામાં ખેડૂત પર દીપડાનો હિંસક હુમલો, વન્યજીવને પાંજરે પુરવા માંગ
નવસારીના ચીખલીના ખાંભળા ગામમાં 73 વર્ષીય વૃદ્ધા પર ખેતરમાં કામ કરતી વખતે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા.

Published : February 26, 2026 at 10:25 PM IST
નવસારી: નવસારીના ચીખલીના ખાંભળા ગામમાં 73 વર્ષીય વૃદ્ધા પર ખેતરમાં કામ કરતી વખતે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા. દીપડાના હુમલાના પગલે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ગ્રામજનોએ દીપડાને તાત્કાલીક પાંજરે પુરવા માટે વન વિભાગને રજૂઆત કરી છે.
દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો
નવસારીના ચીખલીના ખાંભળા ગામના કણબીવાડ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નટુભાઇ પટેલ પોતાના ખેતરમાં નિયમિત કામ કરતા હતા. આ દરમિયાન અચાનક ઝાડીમાંથી બહાર આવેલા દીપડાએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધના પેટ અને થાપાના ભાગે પંજો મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
વૃદ્ધની બુમાબુમ સાંભળી આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા જેના પગલે દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં નટુભાઇને તાત્કાલિક સારવાર માટે ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી છે. ગામમાં દીપડાના હુમલાના પગલે દહેશત ફેલાઇ છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. ચીખલી વનવિભાગના ફોરેસ્ટર કિશોર પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ચીખલી વિસ્તારમાં દીપડા દેખાવાની અનેક ફરિયાદો મળી રહી હતી જેને ધ્યાનમાં રાખીને બોળવાંક, રૂમલા, ખેરગામ અને ખાંભળા સહિત ચાર જેટલી જગ્યાઓએ દીપડાને પકડવા માટે પાંજરાં મુકવામાં આવ્યા છે. આજે બનેલી ઘટનાને પગલે જે ખેતરમાં હુમલો થયો હતો ત્યાં મારણ સાથે વિશેષ પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

વન વિભાગ દ્વારા ઘાયલ ખેડૂતને સરકાર તરફથી મળતી વળતર સહાયની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગ્રામજનોની માંગ છે કે દીપડાને વહેલી તકે પાંજરે પુરવામાં આવે અને વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓને રોકી શકાય.
આ પણ વાંચો:

