ETV Bharat / state

ગીર ગઢડાથી દ્રોણ રોડ પર વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો: વન વિભાગની ત્વરિત કામગીરીથી ગ્રામજનોમાં રાહત

આ અંગે વન વિભાગને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગીર ગઢડાથી દ્રોણ રોડ પર વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો: વન વિભાગની ત્વરિત કામગીરીથી ગ્રામજનોમાં રાહત
ગીર ગઢડાથી દ્રોણ રોડ પર વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો: વન વિભાગની ત્વરિત કામગીરીથી ગ્રામજનોમાં રાહત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 9, 2026 at 4:19 PM IST

1 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: ગીર (પૂર્વ) વન વિભાગ હેઠળના ધારી વિભાગની જસાધાર રેન્જના નવાબંદર રાઉન્ડ વિસ્તારમાં ગીરગઢડાથી દ્રોણ ગામે જતા માર્ગ પર, ગીરગઢડા ગામની હદમાં આવેલી હિંમતભાઈ મોહનભાઈ કાનાણીની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવર જવર અને રંજાડના કારણે ખેડૂતો તથા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે વન વિભાગને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફરિયાદ મળતા જ જસાધાર રેન્જનો વન સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની સતત દેખરેખ અને સતર્કતાના પરિણામે આજે સવારે દીપડો પિંજરામાં પુરાયો હતો.

દીપડાને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ તેને આરોગ્ય તપાસ, નિરીક્ષણ અને જરૂરી સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. દીપડો પકડાતા વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતો તેમજ આસપાસના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવર જવરના કારણે લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હતો.

ગીર (પૂર્વ) વન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં દીપડો, સિંહ અથવા અન્ય કોઈ વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે. વન્ય પ્રાણીઓની આસપાસ ભીડ એકત્ર ન કરવી, કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવી તેમજ સુરક્ષિત અંતર જાળવવું, જેથી માનવ જીવન અને વન્ય પ્રાણીઓ બંનેની સુરક્ષા જળવાઈ રહે.