સુરતના માંગરોળના વડોલીમાં દીપડાનો આતંક: CCTVમાં શ્વાનનો શિકાર કરતો દીપડો કેદ
રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ શ્વાનનો શિકાર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ

Published : July 4, 2026 at 6:39 PM IST
સુરત: માંગરોળ તાલુકાના વડોલી ગામે દીપડાના આતંકને લઈને ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને વડોલીના દરબાર ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની વધતી જતી અવરજવરને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીના પગલે ગામ લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
આ ભયનો સાચો અહેસાસ કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વડોલી ગામના ઉપ-સરપંચ દેવેન્દ્રસિંહ વાંસિયાના ઘરના બારણાં પાસે જ એક દીપડો શિકારની શોધમાં ઘૂસી આવેલો જોવા મળે છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, દીપડો ખૂબ જ ચતુરાઈથી આવીને ઘરમાં સૂતેલા શ્વાન પર હુમલો કરે છે અને તેને ઊંચકીને લઈ જાય છે. આ ઘટનાએ ગામમાં ગમગીની સાથે સાથે લોકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં અવારનવાર દીપડાના પગલાં પણ જોવા મળે છે, જે સાબિત કરે છે કે આ કોઈ એક વખતની ઘટના નથી, પરંતુ દીપડાઓ હવે માનવ વસ્તીની ખૂબ નજીક આવી ગયા છે. પાલતુ પ્રાણીઓનો શિકાર થવાની ઘટનાઓ વધતી જતી હોવાથી ગામમાં ભયનું વાતાવરણ છે. ગ્રામજનોને આશંકા છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોલી ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને તાત્કાલિક લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવે અને દીપડાને પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારમાં દીપડાઓની વસ્તી વધુ છે અને શિકારની શોધમાં તેઓ વારંવાર ખેતીવાડી કે રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે. હાલ તો વડોલીના લોકો વન વિભાગની કામગીરીની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ ભયમુક્ત બનીને જીવી શકે.
માંગરોળ તાલુકા વન વિભાગ ના RFO ઍ જણાવ્યું હતું કે ઉપરોક્ત બાબત ને લઈને માહિતી મળી છે. દીપડા દ્વારા કોઈ માનવ જાત ને નુકશાન પહોંચાડયુ નથી,તેને પકડવા માટે પાંજરાઓ ગોઠવામાં આવશે.
આ પણ વાંચો:

