ભાવનગરમાંથી ફરી દારૂ ભરેલી કાર ઝડપાઈ, LCBએ 1ને દબોચ્યો
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી છે, આ દરમિયાન દારૂની હેરાફેરી અને ઘુષણખોરી વધી જાય છે. જે અંતર્ગત ભાવનગરમાંથી પણ દારૂ ઝડપાવવાની ઘટનામાં વધારો થયો છે.

Published : December 15, 2025 at 1:26 PM IST
ભાવનગર: ભાવનગર શહેરમાંથી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સીદસર રોડ ઉપર પોલીસે હોટલ પાસે ઉભેલી એક કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે 1 શખ્સને પણ પકડી પાડ્યો છે, આ મામલે સુરતના એક શખ્સની સંડોવણ સામે આવી છે, જેની સામે પાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર LCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સીદસર વિસ્તારમાંથી એક કારને દારૂ અને બિયર સાથે ઝડપી પાડી છે. કારચાલકને ઝડપીને સમગ્ર મુદ્દામાલ કબ્જે લઇ LCB પોલીસે વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.

ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે, એક ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરેલો છે. આ કાર ભાવનગરના સીદસર નવાપરા વિસ્તારમાં રાંદલ હોટલની બાજુમાં જાહેર રોડ ઉપર પડી છે. જેથી એલસીબી પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી અને આ કાર મળી આવતા તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.
એલસીબી પોલીસે સીદસર ભાવનગર રોડ ઉપર ઉભેલીનો કારની તપાસ કરી ત્યારે તેમાંથી દારૂની બોટલો 240 અને બીયર ટીન 20 જેટલા મળી આવ્યા હતા. આ સાથે એક શખ્સ પણ જડપાઈ ગયો હતો. આથી પોલીસે કુલ 5,53,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો અને વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.
LCB પોલીસે સમગ્ર દારૂનો જથ્થો, કાર ઉપરાંત વિજય દિલીપભાઈ વેગડ નામના ઈસમની અટકાયત કરી છે. આ ઈસમ ભાવનગરના સીદસર ગોકુલનગરનો રહેવાસી હોવાનું જણાયું છે, તેની વધુ પુછપરછ કરતા સુરતના પંકજભાઈ ડોડીયા નામના ઈસમનું નામ ખુલ્યું છે. જેથી એલસીબી પોલીસે વરતેજ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કર્યો હતો.

