ભારતમાં લગ્ન નોંધણીને લગતા કાયદા કેટલા? કેમ જરૂરી છે રજિસ્ટ્રેશન? જાણો
દેશભરમાં અલગ-અલગ ધર્મો અને પરિસ્થિતિઓ મુજબ વિવિધ કાયદા લાગુ પડે છે

Published : February 27, 2026 at 8:02 PM IST
અમદાવાદ: ભારતમાં લગ્ન માત્ર સામાજિક કે ધાર્મિક વિધિ નથી, પરંતુ કાયદાકીય રીતે માન્ય સંબંધ છે. લગ્નની કાયદેસર માન્યતા, સ્ત્રીના અધિકારોની સુરક્ષા, વારસાગત હક્ક અને સરકારી લાભ મેળવવા માટે લગ્ન નોંધણી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. દેશભરમાં અલગ-અલગ ધર્મો અને પરિસ્થિતિઓ મુજબ વિવિધ કાયદા લાગુ પડે છે.
ભારતમાં હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ સમાજ માટે હિન્દુ મેરેજ એક્ટ 1955 લાગુ પડે છે. આ કાયદા મુજબ પુરુષની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. લગ્ન ધાર્મિક વિધિથી થાય છે, પરંતુ કાયદાકીય પુરાવા માટે તેની નોંધણી કરાવવી જરૂરી ગણાય છે. નોંધણીથી ભવિષ્યમાં કોઈ કાનૂની વિવાદ ઊભો થાય તો દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ રહે છે.
અલગ-અલગ ધર્મના લોકો અથવા ધાર્મિક વિધિ વગર લગ્ન કરવા ઇચ્છુક દંપતી માટે સ્પેશિયલ મેરેજ એક્ટ , 1954 લાગુ પડે છે. આ કાયદા હેઠળ લગ્ન પહેલા નોંધણી કચેરીમાં નોટિસ આપવી પડે છે. 30 દિવસ સુધી જાહેર નોટિસ બાદ કોઈ વાંધો ન હોય તો લગ્ન નોંધણી કરવામાં આવે છે. આ કાયદો સંપૂર્ણપણે ધાર્મિક પરંપરાથી પર છે.
ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, 1872
ખ્રિસ્તી સમાજ માટે ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ , 1872 અમલમાં છે. ચર્ચમાં પાદરીની હાજરીમાં લગ્ન વિધિ થાય છે અને ત્યારબાદ તેની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાદ તે કોર્ટમાં માન્ય દસ્તાવેજ બને છે.
મુસ્લિમ પર્સનલ લૉ 1937
મુસ્લિમ સમાજમાં લગ્ન ‘નિકાહ’ તરીકે ઓળખાય છે અને તે મુસ્લિમ પર્સનલ લો 1937 હેઠળ આવે છે. નિકાહનામું લગ્નનો પુરાવો ગણાય છે. કેટલાક રાજ્યોમાં નિકાહની સરકારી નોંધણી માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી કોર્ટમાં પુરાવા તરીકે મજબૂતી મળે.
પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1936
પારસી સમાજ માટે પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1936 લાગુ પડે છે. પારસી પૂજારી દ્વારા વિધિપૂર્વક થયેલા લગ્નની સત્તાવાર નોંધણી ફરજિયાત છે.
લગ્ન નોંધણી કેમ જરૂરી છે?
નોંધણીથી સ્ત્રીના કાયદાકીય હક્કોની સુરક્ષા થાય છે, વારસાગત અને સંપત્તિ હક્કમાં સ્પષ્ટતા મળે છે, તેમજ પાસપોર્ટ, વિઝા અને બેંકિંગ જેવા કામોમાં કાયદેસર પુરાવો મળે છે. ભવિષ્યમાં વિવાદ કે છૂટાછેડાં સમયે પણ નોંધણી કોર્ટમાં માન્ય દસ્તાવેજ તરીકે કામ આવે છે.સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ રાજ્યોને લગ્ન નોંધણી પ્રોત્સાહિત કરવા સૂચના આપવામાં આવી છે, જેથી બિનનોંધાયેલ લગ્નોથી ઊભા થતા વિવાદોને અટકાવી શકાય અને ખાસ કરીને સ્ત્રીઓના હકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, લગ્ન નોંધણી કરાવવી કાયદાકીય રીતે દંપતી માટે સુરક્ષાકવચ સમાન છે. તેમના કહેવા મુજબ, અનેક કેસોમાં માત્ર ધાર્મિક વિધિથી થયેલા લગ્નનો પુરાવો સાબિત કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. નોંધણી થયેલી હોય તો કોર્ટમાં અધિકારો સાબિત કરવાનું સરળ બને છે, ખાસ કરીને ભરણપોષણ, વારસાગત હક્ક અને ઘરેલુ વિવાદ જેવા મામલાઓમાં. તેઓનું માનવું છે કે લગ્ન નોંધણીને કડક રીતે અમલમાં મૂકવાથી છેતરપિંડી અને બિનકાયદેસર સંબંધોના વિવાદોમાં ઘટાડો આવી શકે છે.ભારતમાં લગ્ન માટે અલગ-અલગ ધર્મ આધારિત કાયદા છે, પરંતુ તમામ કાયદાનો મુખ્ય હેતુ દંપતીને કાયદાકીય સુરક્ષા અને માન્યતા આપવાનો છે. લગ્ન વિધિ ભલે ધાર્મિક રીતે થાય, પરંતુ તેની નોંધણી કરાવવી આજના સમયમાં અનિવાર્ય અને સમજદારીપૂર્ણ પગલું ગણાય છે.લગ્ન માત્ર સંબંધ નથી તે કાયદાકીય જવાબદારી પણ છે અને નોંધણી એ તેની સત્તાવાર માન્યતા છે.
આ પણ વાંચો:

