'નથી પીવાના પાણીની સુવિધા કે શૌચાલયની સુવિધા', ગિરનાર પર પ્રાથમિક સુવિધાના અભાવથી પર્યટકો-શ્રદ્ધાળુઓ નારાજ
છેલ્લાં પાંચ વર્ષથી ગિરનાર યાત્રાધામ વિકાસ માટે ઝંખી રહ્યું છે. અહીં દર્શનાર્થે આવતા પ્રવાસીઓને પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા માટે

Published : August 23, 2026 at 2:27 PM IST
જુનાગઢ: ગિરનાર યાત્રાધામ કે જ્યાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. દેશ-વિદેશ માંથી આવતા શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી ગિરનાર પર્વતની પગપાળા યાત્રા કરતા હોય છે. આ યાત્રા દરમિયાન પ્રાથમિક કહી શકાય તેવું પીવાનું પાણી અને જાહેર શૌચાલય જેવી વ્યવસ્થા આજે પણ જોવા મળતી નથી.
ગિરનાર પર યાત્રીકોની સુવિધાને લઈને ઈટીવી ભારતે ગિરનાર પર આવેલા પ્રવાસીઓ પાસેથી ગિરનારની સુવિધાને લઈને તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તમામ પ્રવાસીઓએ પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. તેવો વસવસો વ્યક્ત કર્યો હતો, અને સાથે સાથે પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને સરકાર દ્વારા પીવાનું પાણી અને જાહેર શૌચાલય ની વ્યવસ્થા થવી જોઈએ તેવી માંગ કરી છે.
યાત્રાધામ ગિરનાર પર પ્રાથમિક સુવિધાનો અભાવ
યાત્રાધામ ગિરનાર અહીં સમગ્ર વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રગટ કરવા અને ગુરુદત્ત મહારાજ અને માં અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે. ગિરનાર ની યાત્રાને ખૂબ જ કઠીન યાત્રા પણ માનવામાં આવે છે. 10,000 સીડીઓ ચળીને ગુરુ દત્તાત્રેય મહારાજ સ્વયમની ચરણ પાદુકા સુધી પહોંચવાનું હોય છે. જેમાં અંદાજિત 10 કલાક કરતાં વધારેનો સમય પગપાળા યાત્રામાં જતો હોય છે. ખૂબ જ મુશ્કેલ આ યાત્રામાં ગિરનાર પર આવેલા યાત્રિકો માટે પ્રાથમિક કહી શકાય તેવી પીવાનું પાણી અને જાહેર શૌચાલય અને ખાસ કરીને મહિલાઓ માટેના શૌચાલયનો આજે સદંતર અભાવ જોવા મળ્યો હતો.

ઈટીવી ભારતે ગિરનાર પર્વત પર યાત્રા માટે આવેલા ભારત ભરના પ્રવાસીઓ પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તમામ યાત્રિકોએ ગિરનાર પર પાયાની અને જરૂરી કહી શકાય તેવી પીવાનું પાણી અને જાહેર શૌચાલય જેવી વ્યવસ્થાનો સદંતર અભાવ હોવાનું જણાવીને વ્યવસ્થા તંત્ર સામે ભારે વસવસો પણ વ્યક્ત કર્યો હતો

શું છે યાત્રિકોની માંગ ?
ગિરનાર પર્વત પર શૌચાલય અને પીવાનું પાણી જ એકમાત્ર સમસ્યા નથી, પરંતુ અહીં 24 કલાક યાત્રિકો ગિરનાર પર્વત પર આવન જાવન કરી રહ્યા છે. આવા સમયે અને ખાસ કરીને રાત્રિના સમયે સિંહ જેવા પ્રાણીઓ સામે રક્ષણ મળે તે માટે પૂરતી લાઈટની વ્યવસ્થા પણ હોવી જોઈએ. જે આજે પ્રમાણમાં એકદમ ઓછી છે. સાથે સાથે 10,000 પગથિયાની આ યાત્રા દરમિયાન કોઈપણ યાત્રિકોને તબીબી સવલતો મળી રહે, અને પ્રાથમિક સુવિધાઓ ગિરનાર પર્વત પર મળે તે માટે આરોગ્ય કેન્દ્ર પણ બનાવવું જોઈએ, કે જ્યાં યાત્રિકોને પડેલી સામાન્ય અને નાની નાની મુશ્કેલીઓમાંથી તબીબી સવલતો મળી શકે.

10,000 પગથિયામાં ચોક્કસ અને નિર્ધારિત સ્થળોએ કોઈપણ યાત્રિકો બેસીને પોતાનો થાક દૂર કરી શકે, અથવા તો ગિરનાર પર્વત પર ગરમી અને વરસાદની સ્થિતિમાં રાહત મેળવી શકે આવી કૂટીરો પણ બનાવવી જોઈએ. જેથી યાત્રિકોને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં તે ખૂબ જ મદદરૂપ બની શકે. આ પ્રકારની માંગ ગિરનાર પર્વત પર આવેલા યાત્રીકોએ કરી હતી.

132 કરોડના વિકાસ કામો માત્ર કાગળ પર
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર પર્વત પર યાત્રિકોની સુવિધા અને ગિરનારની સીડીઓ પહોળી કરવા માટે કુલ 132 કરોડ 35 લાખ 76 હજાર અને 60 રૂપિયાનું ફંડ પાછલા પાંચ વર્ષથી કાગળ પર તૈયાર રાખીને બનાવ્યું છે. જેમાં 91 કરોડ 21 લાખ 15 હજાર અને 100 રૂપિયા સીડીને પહોળી કરવા માટે 02 કરોડ 62 લાખ 86 હજાર 918 ગિરનાર પર્વત પર મહિલા અને પુરુષ માટે ટોયલેટ બ્લોક બનાવવા માટે અને 1 કરોડ 28 લાખ 59 હજાર 200 રૂપિયા ગિરનાર પર્વત પર વિવિધ અને નિર્ધારિત સ્થળો પર વિશ્રામ ગૃહ બનાવવા માટે ખર્ચ થશે.

ગિરનાર પર્વત પર પ્રાથમિક કહી શકાય તેવી પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે 01 કરોડ 58 લાખ 82 હજાર 919 રુપિયાનો ખર્ચ થશે. આવું આજથી પાંચ વર્ષ સુધી આયોજન કરીને રાખ્યું છે, પરંતુ તેનો અમલ ગિરનાર પર્વત પર ક્યારે થશે તેને લઈને ગિરનાર પર આવતા યાત્રિકો સવાલો કરી રહ્યા છે.
આ પણ વાંચો

