કચ્છના મુંદ્રામાં 4 હજારની ચોરી કરતાં સિક્યોરિટી ગાર્ડને ધોકા વડે માર મારીને કરી ઘાતકી હત્યા
પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામા, પુરાવા સંકલન તથા વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.

Published : January 4, 2026 at 6:04 PM IST
કચ્છ : મુંદ્રા તાલુકામાં માનવતા ઝંખવી પડે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર હજાર રૂપિયાની ચોરીના મામલે એક યુવાન સિક્યોરિટી ગાર્ડને નિર્દયતાથી માર મારી તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ મુંદ્રા સહિત સમગ્ર કચ્છ વિસ્તારમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાવી દીધી છે.
મળતી માહિતી અનુસાર, મુંદ્રામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો 22 વર્ષીય વિશાલ સંદીપકુમાર મીણા મૂળ રાજસ્થાનના માધોપુર નજીક આવેલા ગંભીરા ગામનો વતની હતો, તે છેલ્લા લગભગ દોઢ મહિનાથી મુંદ્રાના મોટા કપાયા વિસ્તારમાં હોન્ડા શોરૂમ પાછળ સ્થિત જય દુર્ગા સિક્યોરિટી સર્વિસ કંપનીમાં નોકરી કરતો હતો. વિશાલ પોતાના પિતરાઈ ભાઈ સહિત ગામના અન્ય યુવકો સાથે અહીં રહેતો હતો.
વિગતો મુજબ, 1 જાન્યુઆરી 2026ના રોજ ગુરુવારે વિશાલને એક્ટિવ કાર્ગો નામની પેઢીના એક પોઈન્ટ પર ફરજ સોંપવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રક ડ્રાઈવરના ચાર હજાર રૂપિયા ગુમ થતાં વિશાલ પર શંકા ઉઠી હતી. બાદમાં તે રંગેહાથ ઝડપાઈ ગયો હતો અને પોતાની ભૂલ સ્વીકારી રૂપિયા પરત કરી દીધા હતા.
ઘટનાની જાણ થતાં સિક્યોરિટી કંપનીના ફિલ્ડ ઓફિસર દિનેશ નાથુલાલ મીણાએ વિશાલને નોકરીના સ્થળેથી તેના રહેણાંક રૂમ પર બોલાવ્યો હતો. વિશાલ રૂમ પર પહોંચતા જ દિનેશે હાથમાં લાકડાનો ભારે ધોકો લઈને તેની પૂછપરછ શરૂ કરી હતી. ચોરીના મુદ્દે ઉશ્કેરાયેલા દિનેશે કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ જાતે જ સજા કરવાનો માર્ગ અપનાવ્યો હતો.

આ બનાવમાં સાક્ષી બનેલા વિશાલના ગામના સાથી કર્મચારીઓ રામલખન અને પપ્પુલાલના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન દિનેશે વિશાલને વારંવાર ધોકાથી માર માર્યો હતો. ખાસ કરીને માથાના ભાગે જોરદાર ઘા વાગતાં લોહી વહેવા લાગ્યું હતું. આસપાસ હાજર લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ મારઝુડ ચાલુ રાખવામાં આવી હતી.
ભારે માર બાદ રાત્રે લગભગ 11 વાગ્યાના સમયે વિશાલ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો હતો, પરંતુ બીજા દિવસે વહેલી સવારે જ્યારે સહકર્મીઓએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે જાગ્યો નહી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને મુંદ્રાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ વિશાલના પિતા તથા પરિવારજનો રાજસ્થાનથી મુંદ્રા પહોંચ્યા હતા. મૃતદેહ પર માથા અને કાન નજીક સૂકાઈ ગયેલું લોહી, હાથ-પગ પર ગંભીર ઈજાના નિશાન તેમજ એક આંગળીમાં ફ્રેક્ચર જોવા મળતાં પરિવારજનો સ્તબ્ધ રહી ગયા હતા. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ મારઝુડના કારણે જ વિશાલનું મોત થયું હતું.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી દિનેશ મીણા મૃતક વિશાલનો નજીકનો સગો, એટલે કે કૌટુંબિક કાકા છે. વિશાલને આ સિક્યોરિટી કંપનીમાં નોકરી પણ તેમણે જ અપાવી હતી. સંબંધોની આડમાં થયેલી આ નિર્દય હરકતથી સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે.
મુંદ્રા પોલીસે આરોપી દિનેશ મીણા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાવી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુંમર, પીએસઆઈ વી.એમ. ડામોર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામા, પુરાવા સંકલન તથા વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.
આ ઘટનાએ ફરી એક વખત પ્રશ્ન ઊભો કર્યો છે કે નાના ગુનામાં કાયદો હાથમાં લેવાની વૃત્તિ કેવી રીતે નિર્દોષ જીવન છીનવી લે છે. મુંદ્રામાં બનેલી આ ઘટના માત્ર એક હત્યા નથી, પરંતુ માનવતા અને કાયદા વ્યવસ્થાને પડકાર આપતી ગંભીર ચેતવણી સમાન બની છે.
આ પણ વાંચો...

