જમીનની અંદર ધરબાયેલી આસ્થા અને ઈતિહાસ, અસારવાની માતર ભવાનીની વાવ
સોલંકી યુગ સાથે જોડાયેલી માનવામાં આવતી માતર ભવાનીની વાવ એ સમયની અદભૂત જળ વ્યવસ્થા અને શિલ્પકલાનું અનોખું ઉદાહરણ છે.

Published : July 9, 2026 at 12:54 PM IST
અમદાવાદ: અસારવા વિસ્તારમાં આવેલી માતર ભવાનીની વાવ માત્ર એક ઐતિહાસિક વાવ નથી, પરંતુ આસ્થા, પરંપરા અને સદીઓ જૂના ઇતિહાસનું જીવંત પ્રતિક છે. શહેરના ગહન ભાગમાં આવેલી આ પ્રાચીન વાવ આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
સોલંકી યુગ સાથે જોડાયેલી માનવામાં આવતી આ વાવ એ સમયની અદભૂત જળ વ્યવસ્થા અને શિલ્પકલાનું અનોખું ઉદાહરણ છે. જમીનની અંદર ઊંડે ઉતરતી પથ્થરની સીડીઓ, મજબૂત થાંભલા અને શાંત વાતાવરણ આજેય મુલાકાતીઓને સદીઓ વિતેલા સમયમાં લઈ જાય છે.
ઐતિહાસિક ધરોહર સાથે આસ્થાનું કેેન્દ્ર
માતર ભવાનીની વાવની સૌથી વિશેષ વાત એ છે કે, અહીં આવેલું માતર ભવાની માતાજીનું પ્રાચીન મંદિર આજે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકોમાં માન્યતા છે કે માતાજીની કૃપાથી આ સ્થળ સદીઓથી પવિત્ર રહ્યું છે. ઉપરાંત અસારવા ગામના ગામ ટોરડાના માતાજી છે,જેથી દરેક ઘરે મંગળ પ્રસંગ ત્યારે તેઓ અહીંયા આવી દર્શન કરે છે. મંદિર સાથે એક અનોખી પરંપરા પણ જોડાયેલી છે. છેલ્લી 6 પેઢીથી એક જ પરિવાર અહીં માતાજીની સેવા અને પૂજા અર્ચના કરી રહ્યો છે. સમય બદલાયો, શહેર બદલાયું, પરંતુ માતાજીની સેવા કરતી આ પરંપરા આજે પણ અવિરત રીતે ચાલી રહી છે.

પેઢીઓથી એક પરિવાર દ્વારા માતાજીની સેવા
મંદિરના પૂજારી પંકજભાઈ ભટ્ટ એ ઈટીવી સાથે વાતચીત કરતા જણાવે છે કે, તેમના પરિવાર દ્વારા પેઢીઓથી માતાજીની સેવા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે બાળપણથી જ તેઓએ આ મંદિર અને વાવ સાથે ગાઢ લાગણી અનુભવી છે. આ મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, પરંતુ અમારા પરિવારની ઓળખ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અમારા પૂર્વજો પણ અહીં સેવા કરતા હતા અને આજે અમે એ પરંપરાને આગળ વધારી રહ્યા છીએ.

જમીનની અંદર ધરબાયેલી આસ્થા અને ઈતિહાસ
પંકજભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ અહીં રોજ માતાજીની આરતી અને પૂજા કરવામાં આવે છે. નવરાત્રી અને ખાસ ધાર્મિક પ્રસંગોમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે માતર ભવાનીની વાવ માત્ર ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ આસ્થા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે. અહીં આવતા ઘણા લોકો વાવના સ્થાપત્યને જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. વાવના સ્થાપત્યની વાત કરીએ તો તે સમયના કારીગરોની અદભૂત કળા અહીં જોવા મળે છે. પથ્થરો પરની કોતરણી, જમીનની અંદર ઠંડક જાળવી રાખતી રચના અને પાણી સુધી પહોંચવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા એ સમયની વિકસિત ઈજનેરી દર્શાવે છે.

સમય જતાં વાવનો મોટો ભાગ જમીનમાં દટાઈ ગયો હતો, પરંતુ બાદમાં તેની સફાઈ અને સંરક્ષણ કામગીરી હાથ ધરાતા આજે ફરી લોકો આ ઐતિહાસિક ધરોહરને નજીકથી જોઈ શકે છે. આજે પણ માતર ભવાનીની વાવ માં ગુંજતી આરતી, સદીઓ જૂના પથ્થરો અને અહીંની શાંતિ એ વાતનો અનુભવ કરાવે છે કે ઇતિહાસ અને આસ્થા અહીં હજુ પણ જીવંત છે.

ઈતિહાસકારની નજરે માતર ભવાનીની વાવ
વાવના ઇતિહાસ અંગે અમદાવાદના ઈતિહાસકાર ફાલ્ગુનીબેન પુરોહિતે જણાવ્યું હતું કે, વાવ સ્થાપત્ય વિશિષ્ટતાઓ વાત કરવી જોઈએ વાવ એટલે અંગ્રેજીમાં સ્ટેપ વેલ કહેવાય છે. ઘણીવાર ઇતિહાસમાં લોકો એટલું જ સમજે છે. વાવ સાથે જોડાયેલા વિચારને સમજવાની જરૂર છે. પ્રાચીન સમયથી વાવ જોવા મળે. વાવ એ વટેમાર્ગુ, સાધુ, સંતો માટે નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યાં પાણી મળી શકતું હતું. શાસકનું કામ મોટા કિલ્લા બાંધવાનું યુદ્ધ કરવાનું નહીં. પરંતુ નાગરિકોના હિત માટે કામ કરવામાં આવતું હતું.

આ પ્રકારના સ્થાપત્ય બાંધવા સામાન્ય માણસનું કામ નથી. પહેલાના સમયમાં રાજા મહારાજા સિવાય ધનિકો હતા તેઓ પુતધર્મ એટલે કે પૂર્વજોની યાદગીરીમાં બાંધતા હતા. પ્રજા કલ્યાણની વાત આવતી ત્યારે છૂટા હાથે પૈસા વાપરતા હતા. સામાન્ય માણસની જરૂરિયાત પૂર્તિ કરવા આ પ્રકારની વાવનું બાંધકામ થતું હતું.વાવ એ જળસંચયની એક ટેકનીક હતી.વોટર મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે સમયે સારી રીતે જાણતા હતા. ઘણી બધી વાવ સાથે મહિલાઓનો ઇતિહાસ જોડાયેલો છે. 'રાણીની વાવ' હોય કે 'રૂડા બાઈ'ની વાવ ઉપરાંત 'દાદા હરિની વાવ' તેની પાછળ મહિલાઓ જોડાયેલી છે. તે સમયમાં આ પ્રકારના બાંધકામમાં મહિલાઓનો સિંહ ફાળો જોવા મળે છે.

માતર ભવાની વાવની સ્થાપત્ય શૈલી
માતર ભવાની વાવ અમદાવાદ શહેરની સૌથી જૂની વાવ છે. આ વાવ 11મી સદીમાં બંધાયેલી હતી. તે સમયે સોલંકી વંશ હતો તે સમયે વાવનું બાંધકામ થયું હોવાનું પણ માનવામાં આવ્યું છે. માતર ભવાનીની વાવ માં અંબાના નામ પરથી વાવ બંધાઈ હતી. કેટલાક સ્મારક રક્ષિત સ્મારક હોય છે. આજે પણ અસારવામાં આસપાસના લોકો દર્શન કરવા આવે છે. આ વાવમાં સીધો ઢાળ છે અને કાટખૂણે પગથિયા કરવામાં આવ્યા હતા. માતર ભવાની વાવ નંદા પ્રકારની વાવ છે. સ્થાપત્ય શૈલીમાં ચાર પ્રકારના પ્રવેશ દ્વાર થી વાવ ઓળખાય છે. નંદા ,ભદ્રા, જયા અને વિજયા .એક દ્વાર હોય તો નંદા કહેવાય બે દ્વાર હોય તો ભદ્રા કહેવાય ત્રણ દ્વાર હોય તો જયા કહેવાય અને ચાર હોય તો વિજયા દ્વાર કહેવાય છે. આ વાવની રચનામાં એક કુંડની પણ જોવા મળે છે. સ્થાપત્યની બારીકાઇ સાથે માણવાની જરૂર છે, લોકો આ વાવ જોવા જાય તે જરૂરી છે.

