Explainer: દીકરીઓના દુશ્મન સામે કાયદાનું 'શસ્ત્ર' ગર્ભલિંગ તપાસ વિરોધી ધારો, જાણો શું છે આ કાયદો?
ગર્ભમાં બાળકનું લિંગ જાણવા માટે થતી ગેરકાયદેસર તપાસ દેશ માટે ગંભીર સામાજિક ચિંતા બની છે. આવા કિસ્સાઓ રોકવા કાયદો શું કહે છે, કલ્પીન ત્રિવેદીનો અહેવાલ..

Published : May 25, 2026 at 5:03 PM IST
|Updated : May 26, 2026 at 7:18 PM IST
અમદાવાદ: ભારતમાં ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી તેના દુરુપયોગના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ગર્ભમાં બાળકનું લિંગ જાણવા માટે થતી ગેરકાયદેસર તપાસ દેશ માટે ગંભીર સામાજિક ચિંતા બની છે. ત્યારે કાયદો શું કહે છે આવો જાણીએ...
કેવી રીતે અમલમાં આવ્યો ગર્ભલિંગ તપાસ વિરોધ કાયદો?
દીકરો જ જોઈએ… દીકરી નહીં, જેવી માનસિકતાએ વર્ષો સુધી હજારો નિર્દોષ દીકરીઓને જન્મ પહેલાં જ મોતના મુખમાં ધકેલી દીધી. આ જ ભયાનક પરિસ્થિતિને રોકવા માટે કેન્દ્ર સરકારે ગર્ભલિંગ તપાસ વિરોધી કાયદો અમલમાં મૂક્યો.
MTP એક્ટ (Medical Termination of Pregnancy Act): સૌપ્રથમ 1971 માં અમલમાં આવ્યો અને ત્યારબાદ તેમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા, તે ગર્ભાવસ્થાને કાયદેસર રીતે સમાપ્ત કરી શકાય તેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરે છે.
PCPNDT એક્ટ (1994): આ કાયદાનું સંપૂર્ણ નામ ગર્ભધારણ પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન નિદાન પદ્ધતિ દ્વારા લિંગ પસંદગી પ્રતિબંધ કાયદો છે. આ કાયદો વર્ષ 1994માં અમલમાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2003માં તેમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા.
શરૂઆતમાં આ કાયદો માત્ર ગર્ભ દરમિયાન થતી લિંગ તપાસ અટકાવવા માટે હતો. પરંતુ બાદમાં ખબર પડી કે કેટલીક જગ્યાએ ગર્ભ રહે તે પહેલાં જ બાળકનું લિંગ પસંદ કરવાની પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. તેથી 2003ના સુધારા બાદ ગર્ભ રહે તે પહેલાં થતી લિંગ પસંદગીની પદ્ધતિઓને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવી. હવે સૌથી મહત્વની વાત આ કાયદા હેઠળ શું ગુનો ગણાય? જો કોઈ વ્યક્તિ ગર્ભમાં બાળકનું લિંગ પૂછે કોઈ તબીબ અથવા સોનોગ્રાફી કેન્દ્ર લિંગ જણાવે, કોઈ વચેટિયો આવી વ્યવસ્થા કરાવે અથવા અહીં દીકરો કે દીકરી જાણી શકાય એવી જાહેરાત પણ કરે તો આ કાયદેસર ગુનો ગણાય છે.
એડવોકેટ જયશ્રી આચાર્યએ ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કાયદો એટલો કડક છે કે માત્ર તબીબ જ નહીં, પરંતુ દર્દી, પરિવાર, વચેટિયો, પ્રયોગશાળા ચલાવનાર અથવા મદદગાર વ્યક્તિ પણ આરોપી બની શકે છે. ઘણા લોકો માને છે કે “ફક્ત પૂછવાથી શું થાય?” પરંતુ કાયદા મુજબ લિંગ જાણવા માટે પૂછવું પણ ગુનાની શ્રેણીમાં આવે છે. આ કાયદા હેઠળ દેશભરના તમામ સોનોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ કેન્દ્રોને ફરજિયાત નોંધણી કરાવવી પડે છે. દરેક તપાસનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે. ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી શા માટે કરવામાં આવી તેની વિગત ખાસ નોંધપોથીમાં લખવાની હોય છે. જો કોઈ કેન્દ્ર રેકોર્ડમાં ગડબડ કરે, નોંધ અધૂરી રાખે અથવા યોગ્ય દસ્તાવેજો વગર તપાસ કરે તો પણ કાર્યવાહી થઈ શકે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5, 2019-21)ના 5મા અહેવાલ મુજબ, સમગ્ર દેશમાં કુલ વસ્તીનું જાતિ પ્રમાણ (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓ) 1020 છે, જેમાં ગ્રામીણમાં જાતિ પ્રમાણ 1037 અને શહેરીમાં 985 છે.

જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો તે ગ્રામિણ વિસ્તારમાં વર્ષ 2017થી 2019 દરમિયાન 1000 પુરુષોએ 863 સ્ત્રીનું જાતિ પ્રમાણ રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારમાં આ જ સમય દરમિયાન જાતિ પ્રમાણ 1000 પુરુષોએ 881 સ્ત્રીનું રહ્યું છે. ગ્રામિણ અને શહેરી વિસ્તાર મળીને આ દર 1000 પુરુષોની સરખામણીએ 870 છે.
જ્યારે 2011ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જોઈએ તો શહેરી વિસ્તારમાં તે 880 હતો અને ગ્રામિણ વિસ્તારમાં 947 હતો અને બંને મળીને 1000 પુરુષો સામે 918 ગુણોત્તર હતો. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે 1961માં જાતિ પ્રમાણ 940 હતું, જે ધીમે ધીમે ઘટતું ગયું. 1971માં તે 934 હતો, 1981માં 942, 1991માં 934, 2001માં 920 અને 2011માં 918 નોંધાયો હતો.
ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર છેલ્લી વસ્તીગણતરી સુધીના જાતિ પ્રમાણ પર નજર કરીએ
| વર્ષ | જાતિ પ્રમાણ |
| 1961 | 940 |
| 1971 | 934 |
| 1981 | 942 |
| 1991 | 934 |
| 2001 | 920 |
| 2011 | 918 |
ગર્ભ પરીક્ષણ કરાવવા પર થઈ શકે સજા અને દંડ
કાયદા મુજબ સત્તાધિકારીઓને વિશેષ સત્તા આપવામાં આવી છે. તેઓ દરોડા પાડી શકે છે, મશીનો સીલ કરી શકે છે, દસ્તાવેજો જપ્ત કરી શકે છે અને સીધી ફરિયાદ નોંધાવી શકે છે. ઘણા કેસોમાં ડમી કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેમાં સગર્ભા મહિલાને ગ્રાહક તરીકે મોકલી ગેરકાયદેસર રીતે લિંગ તપાસ કરાવતા કેન્દ્રોનો પર્દાફાશ કરવામાં આવે છે. હવે સજાની વાત કરીએ તો પ્રથમ ગુનામાં 3 વર્ષ સુધીની જેલ અને ₹10 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જો ફરી ગુનો થાય તો 5 વર્ષ સુધીની જેલ અને ₹50 હજારથી ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
સાથે જ તબીબનું તબીબી પરવાનું સ્થગિત અથવા કાયમી રદ થઈ શકે છે. કેન્દ્રનું નોંધણી પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવે છે.આ ગુનો પોલીસ સીધી કાર્યવાહી કરી શકે એવો અને સહેલાઈથી જામીન ન મળે એવો ગણાય છે. એટલે કે પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે.
અમદાવાદ શહેરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના આંકડાઓ એક ચોંકાવનારી હકીકત સામે લાવી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદાજે 80 લાખની વસ્તી છે અને શહેરને સાબરમતી નદી પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગોમાં વહેંચે છે. સામાન્ય માન્યતા એવી છે કે પશ્ચિમ અમદાવાદમાં વધુ શિક્ષિત, સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકો વસે છે જ્યારે પૂર્વ વિસ્તારમાં મધ્યમ અને ગરીબ વર્ગનો વસવાટ છે. પરંતુ આરોગ્ય વિભાગના આંકડાઓ આ માન્યતાથી એકદમ વિપરીત ચિત્ર રજૂ કરે છે.

વર્ષ 2018થી અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ 110 ગેરકાયદે ગર્ભ પરીક્ષણ સંબંધિત કેસોમાં સોનોગ્રાફી મશીનો સીલ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ કાર્યવાહી પશ્ચિમ અમદાવાદમાં નોંધાઈ છે. પશ્ચિમ ઝોનમાં 33 અને નવા પશ્ચિમ ઝોનમાં 25 મશીન સીલ કરાયા છે. જ્યારે પૂર્વ ઝોનમાં માત્ર 8 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની કાર્યવાહી
- પશ્ચિમ ઝોનમાં 33 મશીન સીલ
- નવા પશ્ચિમ ઝોનમાં 25 કેસ
- પૂર્વ ઝોનમાં 8 કેસ
- સેન્ટ્રલ ઝોનમાં 10 કેસ
- નોર્થ ઝોનમાં 18 કેસ
- દક્ષિણ ઝોનમાં 16 કેસ
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ ગણાતા વિસ્તારોમાં જ ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું પ્રમાણ વધારે છે. બીજી તરફ, આર્થિક રીતે નબળા વર્ગમાં દીકરીને સ્વીકારવાની માનસિકતા વધુ જોવા મળી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો આર.બી કાપડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગર્ભ પરીક્ષણના કેસ સામે આવ્યા છે, પરંતુ શહેરની સરખામણીએ તેની સંખ્યા ઓછી છે. વર્ષ 2018થી અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 27 કેસ નોંધાયા છે. જોકે ચિંતાની વાત એ છે કે અમદાવાદ શહેરમાં દર 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા વર્ષ 2024માં 898 હતી, જે ઘટીને 890 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકો ગેરકાયદે રીતે ગર્ભમાં બાળકનું લિંગ જાણવા માટે મોટી રકમ ચૂકવતા હોય છે. અને જો ગર્ભમાં દીકરી હોવાનું સામે આવે તો ગર્ભપાત કરાવી દેવાની ઘટનાઓ પણ સામે આવે છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ડમી દર્દી મોકલી સોનોગ્રાફી સેન્ટરોમાં ચકાસણી કરવામાં આવે છે. અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી આ સ્થિતિમાં હવે બદલાવ આવવો જરૂરી બની ગયો છે. માત્ર કાર્યવાહી પૂરતી નથી, પરંતુ વધુ કડક અમલ અને સમાજમાં માનસિક પરિવર્તન બંને જરૂરી છે. કારણ કે દીકરી માત્ર પરિવારનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય છે. જો આજે પણ ગર્ભમાં દીકરીઓને જીવવાનો અધિકાર નહીં મળે તો સમાજની પ્રગતિના તમામ દાવા ખોખલા સાબિત થશે.
ભારતમાં શા માટે જરૂરી છે આ કાયદો?
ભારતમાં આ કાયદો એટલા માટે અત્યંત મહત્વનો છે કારણ કે વર્ષો સુધી મહિલા ભ્રૂણહત્યાના કારણે દેશના ઘણા રાજ્યોમાં દીકરા-દીકરીનો પ્રમાણ ગંભીર રીતે બગડ્યો હતો. કેટલીક જગ્યાએ 1000 દીકરાઓ સામે દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. સરકારનું માનવું છે કે જો ગર્ભમાં બાળકનું લિંગ જાણી શકાશે તો તેનો સીધો અસર મહિલા ભ્રૂણહત્યામાં થશે. તેથી ટેક્નોલોજીનો ઉપયોગ સારવાર માટે થાય, પસંદગી માટે નહીં એ જ આ કાયદાનો મૂળ હેતુ છે.
જાણીતા શિક્ષણવિદ પંકજ શ્રીમાળી એ ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજના સાંપ્રત સમયમાં આ પ્રકારનો વિષય ખૂબ ગંભીર સ્થિતિ કહેવાય એમાં પણ અમદાવાદના પશ્ચિમ વિભાગ સૌથી વધારે લોકો ગર્ભ પરિક્ષણ કરાવે છે, તેની પાછળ અનેક કારણો છે જે પૈકી એ મહત્વનું કારણ પુત્રની ઈચ્છા. ઉપરાંત ન્યાય અને સમાનતાની વાતો વચ્ચે લોકોમાં પુત્રનો મોહ વધારે જોવા મળે છે. માત્ર કાગળ પર બંધારણીય સત્તા સ્ત્રીઓને મળી છે, પરંતુ હકીકત કંઈક બીજું જ છે. આજે એ સમય આવ્યો છે જેમાં પુરુષ માનસકિતા બદલવાની જરૂર છે.
તાજેતરના વર્ષોમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ કાયદા હેઠળ મોટા પાયે કાર્યવાહી થઈ છે. અનેક સોનોગ્રાફી કેન્દ્રો સીલ કરાયા છે, તબીબો સામે કેસ નોંધાયા છે અને મશીનો જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કાયદો માત્ર કાનૂની કાર્યવાહી માટે નથી. પરંતુ સમાજને એક સંદેશ આપવા માટે છે દીકરી ભાર નથી અધિકાર છે. કારણ કે ગર્ભમાં જીવતું બાળક માત્ર એક લિંગ નથી એ એક જીવન છે.
આ પણ વાંચો:

