સુરતમાં પતંગ ચગાવતી વખતે 9 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાયો, સારવાર દરમિયાન મોત
બાળકનું નામ મીર પટેલ હતું અને ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. બાળકના આકસ્મિક મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

Published : January 5, 2026 at 9:15 AM IST
સુરત: સુરત શહેરમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળક સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં પતંગ ચગાવતી વખતે ચોથા માળેથી પટકાયેલા 9 વર્ષના બાળક મીર પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના ઉધના વિસ્તારમાં બની હતી, જ્યાં 2 જાન્યુઆરીના રોજ તે પતંગ ચગાવી રહ્યો હતો.
મૂળ મહેસાણાના ઊંઝાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગર પાસેના રાધા-કૃષ્ણ આવાસમાં રહેતા પ્રેમલભાઈ પટેલનો પુત્ર મીર 2 જાન્યુઆરીના બપોરે પોતાના બિલિ્ડંગના ચોથા માળે અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મીરને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમે તેને બચાવવાના સતત પ્રયાસો કર્યા, પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
મૃતક મીર ઉધના વિસ્તારની સરકારી શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. તેને એક મોટો ભાઈ છે. તેના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં શોકની મોજું ફરી વળ્યું છે.
દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ પકડવા કે ચગાવવાની લ્હાયમાં અનેક બાળકો જીવ ગુમાવતા હોય છે કે, પછી કોઈ અણધારી ઘટનાનો ભોગ બનતા હોય છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે સાવચેતીનો સંદેશ આપ્યો છે.

