અપહરણ અને બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ MLA નલિન કોટડિયાને હાઈકોર્ટથી જામીન
આજીવન કેદની સજા સામે અપીલ પેન્ડિંગ હોય ત્યારે હાઈકોર્ટે કોટડિયાને રૂ. 50 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

Published : January 8, 2026 at 1:13 PM IST
અમદાવાદ: બિટકોઇન ખંડણી કેસમાં બીજેપીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આજીવન કેદની સજા સામે અપીલ પેન્ડિંગ હોય ત્યારે હાઈકોર્ટે કોટડિયાને રૂ. 50 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.
આ સમગ્ર કેસ સુરતના જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણ અને ખંડણી સાથે સંકળાયેલો છે. વર્ષ 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી 176 બીટકોઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. સાથે સાથે આરોપીઓ દ્વારા રૂ. 32 કરોડની ખંડણીની પણ માંગ કરવામાં આવી હતી.
આ કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયા, તત્કાલિન એસપી સહિત કુલ 14 આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોની સ્પેશિયલ ACB કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ACB કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેને લઈને રાજ્યભરમાં ભારે ચર્ચા ઊભી થઈ હતી.
આજીવન કેદની સજા સામે નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન લાંબા સમયથી જેલવાસ, અપીલ પેન્ડિંગ હોવી અને આ જ કેસમાં અગાઉ સહ-આરોપીઓને જામીન મળ્યા હોવાની દલીલો રજૂ કરવામાં આવી હતી.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે નલિન કોટડિયાને જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા જામીન સાથે કેટલીક કડક શરતો પણ મૂકવામાં આવી છે અને તમામ નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ જ બીટકોઇન ખંડણી કેસમાં અગાઉ 9 પોલીસ કોન્સ્ટેબલોને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.
બીટકોઇન ખંડણી કેસમાં હાઈકોર્ટનો આ નિર્ણય કાનૂની તેમજ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાલ મુખ્ય કેસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે અને અંતિમ ચુકાદા પર સૌની નજર છે.
આ પણ વાંચો:

