ETV Bharat / state

વિકાસની વાતો વચ્ચે ખેડબ્રહ્માના અંતરિયાળ ગામમાં પીવાના પાણીના ફાંફાં, 43 ડિગ્રી ગરમીમાં 5 કિમી રઝળપાટ

સાબરકાંઠાના ખેડબ્રહ્માના ચીખલામાં 42-43 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવતીઓએ 2થી 5 કિલોમીટર દૂર પાણી ભરવા માટે ભટકવું પડે છે.

વિકાસની વાતો વચ્ચે ખેડબ્રહ્માના અંતરિયાળ ગામમાં પીવાના પાણીના ફાંફાં
વિકાસની વાતો વચ્ચે ખેડબ્રહ્માના અંતરિયાળ ગામમાં પીવાના પાણીના ફાંફાં (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2026 at 7:18 AM IST

|

Updated : May 15, 2026 at 9:29 AM IST

3 Min Read
Choose ETV Bharat

સાબરકાંઠા: એક તરફ રાજ્ય સરકાર 'નળ સે જલ' યોજના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ચીખલા ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. 21મી સદીની ટેકનોલોજી અને વિકાસની વાતો વચ્ચે આ ગામ આજે પણ પાયાની જરૂરિયાત એવા પીવાના પાણી માટે વલખાં મારી રહ્યું છે.

વર્ષ 2020-21માં લાખોના ખર્ચે નળ જોડાણ અને ટાંકીઓ તો બની ગઈ, પણ પાંચ વર્ષ વીતવા છતાં ગ્રામજનોના નળ હજુ સુધી 'જળ'ની રાહ જોઈ રહ્યા છે. 43 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ગામની મહિલાઓ અને વૃદ્ધોને 2 થી 5 કિલોમીટર દૂર ખેતરોના બોર કે ડંકી પર પાણી માટે ભટકવું પડે છે. વિકાસથી વંચિત ખેડબ્રહ્માના ચીખલા ગામથી ETV ભારતનો સ્પેશ્યલ રિપોર્ટ...

એક તરફ ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થઇ રહી છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલા ચીખલા ગામમાં આજે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકોએ વલખાં મારવા પડે છે. વર્ષ 2020-21માં કેન્દ્ર અને રાજ્ય સરકારની હર ઘર નળ સે જલ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી, સંપ અને ઘરઘર નળ જોડાણોનું કામ પૂર્ણ કરાયું હોવાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ પાંચ વર્ષ પછી પણ ગામના નળ સૂકા પડ્યા છે. શરૂઆતમાં ટેસ્ટિંગ દરમિયાન નળમાં પાણી આવતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો પરંતુ ત્યારબાદ આજદિન સુધી એક ટીપું પાણી પણ નળમાંથી આવ્યું નથી. 42-43 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવતીઓએ 2થી 5 કિલોમીટર દૂર પાણી ભરવા માટે ભટકવું પડે છે.

ખેડબ્રહ્માના અંતરિયાળ ગામમાં પીવાના પાણીના ફાંફાં (ETV Bharat Gujarat)

સ્થાનિકોનું માનવું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાં પાણી લોકો સુધી પહોચ્યું નથી અને યોજના કેટલાક કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ માટે માત્ર આર્થિક લાભનું સાધન બની ગઇ છે.

"કરોડો રૂપિયાનો ખર્ચ થયો, પણ પાણીનું એક ટીપું પણ નથી આવ્યું. આ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી ગઇ છે." લક્ષ્મણ કટારીયા, સ્થાનિક

વારંવાર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાણી માટે કામધંધા છોડીને દિવસભર રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને “સક્ષમ ગુજરાત”ના દાવાઓ વચ્ચે આજે પણ આ ગામોના લોકો પાણી વિના જીવન જીવવા મજબૂર બન્યા છે.

"પાણીના સંપમાં પૂરતું પાણી પહોંચતુ જ નથી. અમે વારંવાર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરી છે પણ કોઇ ઉકેલ આવ્યો નથી. આ યોજના કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે આર્થિક લાભનું સાધન બની ગઇ છે." અમીભાઇ કટારીયા, સ્થાનિક આગેવાન

બીજી તરફ ગામમાં પાણીની વિકટ સમસ્યાને કારણે ઘરની મહિલાઓએ કામ ધંધો છોડીને પાણી ભરવા માટે 2થી 5 કિલોમીટર દૂર સુધી ભટકવું પડે છે.

"દરરોજ કામધંધો છોડીને પાણી માટે રઝળપાટ કરવી પડે છે. ખેડૂતોના બોર પર લાંબી લાઇનોમાં ઊભા રહીને પાણી ભરવું પડે છે. પશુઓ માટે પણ પાણીની તંગી છે." પિનકાબેન કટારીયા, સ્થાનિક

ગામમાં ડંકી અને હવાડા પરથી પાણી ભરવું એ જાણે ચીખલા ગામની રોજિંદી વાત બની ગઇ છે. સક્ષમ ગુજરાતના સ્લોગન વચ્ચે આ ગામોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

"ગામમાં રસ્તા ખખડધજ છે, સ્ટ્રીટ લાઇટ્સ નથી. ખેડવા ડેમની કેનાલ પણ સુક્કી પડી છે. ક્યારેય પાણી આવ્યું જ નથી. નાના-મોટા તળાવો અને જળાશયો પણ ખાલી છે." નીતિન કટારીયા, સ્થાનિક

ETV ભારતે આ સમગ્ર મામલે સ્થાનિકથી લઇને જિલ્લા લેવલ સુધી અધિકારીઓ કે વહીવટીતંત્રનો સંપર્ક કરતા મૌન ધારણ કરી લીધું છે.

આઝાદીના અમૃત મહોત્સવ અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં જ્યારે આપણે મંગળ પર પાણી શોધવાની વાતો કરીએ છીએ, ત્યારે ચીખલા ગામની આ તસ્વીર તંત્ર માટે શરમજનક છે. તંત્રના બહેરા કાને આ ગ્રામજનોનો આક્રોશ ક્યારે પહોંચશે તે જોવું રહ્યું. આશા રાખીએ કે આ અહેવાલ બાદ 'AC' ચેમ્બરમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ જાગશે અને કાગળ પર ચાલતી યોજનાને ખરા અર્થમાં લોકોના ઘર સુધી પહોંચાડશે અને લોકોની તરસ છિપાવશે.

આ પણ વાંચો:

Last Updated : May 15, 2026 at 9:29 AM IST