એસટી ડ્રાઈવરની નોકરી સાથે પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવાનું કામ કરે છે સમીર દિવાન, સરકારે કરી કાર્યની સરાહના
ખેડા જિલ્લાના એસટી ડ્રાયવરે પર્યાવરણની રક્ષા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે, તેમણે પેડલ રિક્ષા ચલાવી ગામોમાં ક્લાયમેટ ચેન્જ અંગે જાગૃતિ અભિયાન ચલાવે છે

Published : August 29, 2026 at 6:15 PM IST
|Updated : August 29, 2026 at 6:43 PM IST
ખેડા: કહેવાય છે કે જો મનમાં કશુંક સકારાત્મક કરવાની ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોય,તો રસ્તો મળી જ રહેતો હોય છે. આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે, ખેડા જિલ્લાના માતર ગામના વતની સમીર દિવાને. વ્યવસાયે એસ.ટી. વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ આજે પર્યાવરણ પ્રેમીઓ અને સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.
નોકરી બાદ જન-જાગૃતિનું કામ
આજના સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર બની ગયા છે, ત્યારે સમીર દિવાન આ ગંભીર વિષય પર જમીની સ્તરે કામ કરી રહ્યા છે. તેઓ ખેડા એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર તરીકેની પોતાની રોજિંદી સત્તાવાર ફરજ પૂરી કર્યા બાદ આરામ કરવાને બદલે એક અનોખા મિશન પર નીકળી પડે છે. તેઓ પેડલ રીક્ષા ફેરવીને સામાન્ય લોકો અને રાહદારીઓ વચ્ચે જાય છે અને તેમને ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો તેમજ તેનાથી બચવાના ઉપાયો વિશે સરળ ભાષામાં માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. સ્કૂલોમાં જઈ વિદ્યાર્થીઓને તેમજ ગામમાં જાહેર સ્થળોએ કાર્યક્રમ કરવા સાથે જ ગામોમાં વિદ્યાર્થીઓ સાથે રેલી પણ યોજી ગ્રામજનોને જાગૃત કરે છે.
2013ની ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાની ઘટનાએ સમીરભાઈને બગાડતા પર્યાવરણની ગંભીરતા બાબતે વિચારતા કરી દીધા. જે બાદ તેમણે પોતે પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ બાબતે કંઈક કરવાનું નક્કી કર્યું. જેને લઈ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. લોકોને જાગૃત કરવા તેમણે ક્લાયમેટ રથ એટલે કે પેડલ રીક્ષા બનાવી છે. જેમાં ક્લાયમેટ ચેન્જની અસરો અને તેના ઉપાયો અંગે માહિતી દર્શાવાઈ છે. પોતાની નોકરીના સમય બાદ તેઓ પેડલ રીક્ષા લઈ નજીકનાં ગામોમાં જઈ જાહેર સ્થળોએ લોકોને તેમજ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી ક્લાયમેટ ચેન્જની ગંભીર અસરો અને પર્યાવરણ રક્ષણના મહત્વ વિશે જાણકારી આપે છે. તેઓ આ સમગ્ર કામગીરી પોતાના ખર્ચે કરે છે. કોઈની પાસેથી કોઈપણ પ્રકારની અપેક્ષા રાખતા નથી. અત્યાર સુધી તેઓ આવી ત્રણ પેડલ રીક્ષા બદલી ચુક્યા છે.

વેસ્ટમાંથી બેસ્ટ 50 હજાર કચરાપેટીઓનું વિતરણ
સમીર દિવાનનું પર્યાવરણ પ્રત્યેનું યોગદાન માત્ર જાગૃતિ પૂરતું સીમિત નથી, પણ નક્કર કામગીરીમાં પણ દેખાય છે. સમીરભાઈએ "વેસ્ટમાંથી બેસ્ટ"નો ઉત્તમ પ્રયોગ કરીને નકામી ચીજવસ્તુઓ (વેસ્ટેજ) માંથી આશરે 50 હજાર જેટલી કચરાપેટીઓ (ડસ્ટબિન) તૈયાર કરી છે. આ કચરાપેટીઓનું તેમણે જુદી-જુદી શાળાઓ અને જાહેર સ્થળો પર વિનામૂલ્યે વિતરણ કર્યું છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોમાં કચરો યોગ્ય જગ્યાએ નાખવાની ટેવ કેળવાઈ.

ઉમદા કામગીરી બદલ અનેક સન્માન
સામાન્ય માનવી દ્વારા કરવામાં આવતા આ અસાધારણ સેવાકાર્યની ગૂંજ રાજ્યના ઉચ્ચ સ્તર સુધી પહોંચી છે. હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીર દિવાનની આ ઉમદા અને સરાહનીય કામગીરીની વિશેષ નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ સમીર દિવાનને પત્ર પાઠવીને તેમના આ અદભુત પ્રયાસોને હૃદયપૂર્વક બિરદાવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી તરફથી મળેલી આ શાબાશી માત્ર સમીરભાઈ માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે કામ કરતા દરેક નાના-મોટા વ્યક્તિ માટે પ્રોત્સાહક છે. આ ઉપરાંત સમીરભાઈને 2024માં ગુજરાત સરકાર દ્વારા ક્લાયમેટ ચેન્જ એવોર્ડ તેમજ એસટી વિભાગ દ્વારા પણ એવોર્ડ સહિત અનેક નાના મોટા સન્માન આપી તેમની આ ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી છે.

એસટી વિભાગ પણ તેમની આ કામગીરીને બિરદાવી રહ્યું છે. તેમજ ગૌરવ અનુભવે છે. તેમની સાથે કામ કરતા કર્મચારીઓ પણ તેમની આ કામગીરીમાં સાથ સહકાર આપે છે. સમીર દિવાન જેવા કર્મયોગીઓ આપણને એ શીખવે છે કે, દેશ કે પર્યાવરણની સેવા કરવા માટે કોઈ મોટા હોદ્દાની જરૂર નથી હોતી,બસ એક શુદ્ધ ભાવના અને અવિરત મહેનત જ કાફી છે.

ક્લાયમેટ ચેન્જ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ
આ બાબતે સમીર દિવાને જણાવ્યુ હતુ કે, 'હું સવારે પાંચ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી એસટી વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ પુર્ણ કર્યા બાદ સામાજીક પ્રવૃત્તિઓ જેવી કે જન જાગૃતિની સાયકલ છે, ક્લાયમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા વિશે, અને વેસ્ટેજ ચીજોમાંથી કચરાપેટીઓ બનાવીને વિનામૂલ્યે વિતરણ કરૂ છું. માર્ગ સલામતીની એક સાયકલ આવી છે બીજી.જેથી ટ્રાફિકમાં અવેરનેસ આવે એના માટેની પ્રવૃત્તિ કરૂ છું. 2013માં ઉત્તરાખંડમાં જે લેન્ડ સ્લાઈડની ઘટનાઓ ઘટી પછી હાલના ભારતના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી. એ વખતે બગડતું પર્યાવરણ જોઈ અને મેં સમાજ માટે કઈક કરવાની મારી વૃત્તિ જાગી એટલે મે ક્લાયમેટ ચેન્જની જાગૃતિ માટેનો આ પ્રોજેક્ટ બનાવ્યો. હું જાગૃતિ માટેના કાર્યક્રમોમાં નજીકની સ્કૂલોમાં શાળાઓ, કોલેજો,જાહેર સ્થળોએ આ જનજાગૃતિની સાયકલ લઈ જઈને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરૂ છું. વેસ્ટેજ ચીજોમાંથી કચરા પેટી બનાવી જાહેરમાં વિનામૂલ્યે વિતરણ કરૂ છું.

પર્યાવરણને બચાવવાની પહેલ
વિદ્યાર્થિની શબનુર બાનુએ જણાવ્યું હતું કે, સમીરભાઈ અમને પર્યાવરણ વિશે માહિતી આપવા આવ્યા હતા. એમણે અમને ઘણી બધી માહિતી આપી કે, આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ. આપણે પર્યાવરણની સુરક્ષા માટે શું શું કાર્યો કરવા જોઈએ એની ઘણી બધી માહિતી એમણે આપી. એવું પણ કહ્યું કે, મિથેન વાયુને લીધે આપણા પર્યાવરણને ઘણું બધુ નુકસાન થાય છે. આપણી જિંદગી નુકસાનમાં મુકાઈ જાય છે. આ બધુ ન થાય એના માટે એમણે કેટલીક વાતો રજૂ કરી. અમે સફળ રેલી પણ કાઢી જેનાથી ગામના લોકો પણ જાગૃત થાય. સમીરભાઈએ ખુબ જ સારી માહિતી આપી એટલા માટે ખૂબ આભાર.

વિભાગનું નામ રોશન કર્યું છે અમને ગૌરવ છે : ડેપો મેનેજર
ખેડા ડેપો મેનેજર ફિરોઝ મલેકે જણાવ્યું હતું કે, અમારા ડ્રાયવર સમીરભાઈની પ્રસંશનીય કામગીરી ખૂબ જ સરસ છે કે, તેમની ફરજ કર્યા પછી તે પોતાનો ટાઈમ આપી ક્લાયમેટ ચેન્જ વેસ્ટમાંથી બેસ્ટ કચરાપેટી બનાવી વિતરણ કરે છે. અત્યાર સુધીમાં પચાસ હજાર જેટલી કચરા પેટી વિતરણ કરી છે. તાલુકામાં ક્લાયમેટ ચેન્જ વિશે તેમણે પોતાની પેડલ વાળી સાયકલ બનાવીને ગામડાઓમાં, સ્કૂલોમાં જઈને દરેકને પર્યાવરણ વિશે સમજાવે છે. અમારા ખેડા ડેપો તરફથી અમારા કર્મચારીઓ તરફથી એમને સાથ સહકાર મળે છે. તેમની સામાજિક પ્રવૃત્તિઓ સાથે ખેડા ડેપોનું પણ તેમનું કામ ખૂબ સારૂ અને સરસ છે. ફરજ પછી પણ હાજર થઈ સારૂ કામ કરે છે. એમને સરકાર તરફથી ઘણા ઈનામો મળ્યા છે. અમારા એસટી તરફથી પણ એમને એવોર્ડ મળેલા છે. આવી રીતે અમારા નડીયાદ વિભાગનું નામ રોશન કર્યુ છે. અમારા ખેડા ડેપોનું પણ નામ રોશન કર્યુ છે. હું એવુ ઈચ્છું છું કે, આગળ પણ એ આવી સારી પ્રવૃત્તિઓ કરતા રહી નડીયાદ વિભાગ અને ખેડા ડેપોનું નામ રોશન કરતા રહે એવા એમને અભિનંદન આપું છું.
આ પણ વાંચો

