PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલને દંડ: સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીની HCમાં દલીલ, ‘દંડ સાથેના અવલોકનો પણ રદ કરો’
સિનિયર એડવોકેટ ડો. અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી કે, સિંગલ જજના ચુકાદામાં કેજરીવાલ સામે કરવામાં આવેલા અવલોકનો અને ₹25 હજારનો દંડ રદ થવા જોઈએ.

Published : September 1, 2026 at 10:13 PM IST
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે થયેલા કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા ફટકારવામાં આવેલા ₹25 હજારના દંડના આદેશને રદ કરવાની માગ કરવામાં આવી છે. આ મામલે કેજરીવાલ તરફથી કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ ડો. અભિષેક મનુ સિંઘવીએ હાઈકોર્ટ સમક્ષ મહત્વની દલીલો કરી હતી.
કેજરીવાલ તરફથી સિનિયર એડવોકેટ ડો. અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી હતી કે સિંગલ જજના ચુકાદામાં કેજરીવાલ સામે કરવામાં આવેલા અવલોકનો અને ₹25 હજારનો દંડ બંને રદ થવા જોઈએ. તેમના જણાવ્યા મુજબ, આ અવલોકનો અયોગ્ય, બિનજરૂરી અને કાયદાકીય રીતે ટકી શકે તેવા નથી.
સિંઘવીએ દલીલ કરી હતી કે, આ એક અત્યંત વિચિત્ર કેસ છે. સિંગલ જજના ચુકાદામાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જે ડિગ્રીને લઈને વિવાદ છે, તે યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ હતી અને તમામ બાબતો સ્પષ્ટ થઈ ગયા બાદ પણ કેજરીવાલે કેસ લડવાનું ચાલુ રાખ્યું હતું.
જોકે, કેજરીવાલ તરફથી આ બંને બાબતોનો વિરોધ કરવામાં આવ્યો હતો. સિંઘવીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, આજે પણ સંબંધિત ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, કેજરીવાલ આ પિટિશનમાં અરજદાર પણ નહોતા. તેઓ કેસમાં પ્રતિવાદી હતા. તેથી કેજરીવાલે કેસને આગળ ચલાવ્યો હોવાનો સિંગલ જજનો અભિપ્રાય યોગ્ય નથી, તેવી દલીલ કરવામાં આવી હતી.
સિંઘવીએ વધુમાં રજૂઆત કરી હતી કે, જે RTIના આધારે આ મામલે માહિતી સામે આવી હતી, તે RTI પણ કેજરીવાલ દ્વારા કરવામાં આવી નહોતી. આમ છતાં કેજરીવાલ સામે ₹25 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. તેથી માત્ર દંડ જ નહીં, પરંતુ દંડ ફટકારતી વખતે સિંગલ જજે કરેલા અવલોકનો પણ રદ થવા જોઈએ, કારણ કે તેનો કોઈ યોગ્ય આધાર નથી તેવી દલીલ કરવામાં આવી હતી.
કેજરીવાલ તરફથી વધુમાં જણાવાયું હતું કે, સમગ્ર મામલામાં તેઓ મૂળ અરજદાર નહોતા. CIC દ્વારા સુઓમોટો કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જ્યારે કેજરીવાલે RTI હેઠળ ડિગ્રી અંગે કોઈ માહિતી માગી નહોતી. તેઓ તો આ કેસમાં પ્રતિવાદી તરીકે જોડાયેલા હતા.
આથી સિંઘવીએ દલીલ કરી હતી કે, જ્યારે કેજરીવાલ અરજદાર જ નહોતા, ત્યારે તેમના દ્વારા કેસ ચાલુ રાખવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવા સંજોગોમાં તેમના પર ₹25 હજારનો દંડ કરવો અયોગ્ય અને બિનજરૂરી છે. સાથે જ દંડ માટે કરવામાં આવેલા અવલોકનો પણ રદ કરવા જોઈએ.કેજરીવાલ તરફથી થયેલી આ દલીલો બાદ કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવા માટે સમયની માગ કરવામાં આવી હતી. જેને પગલે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:

