સાયબર ક્રાઈમ સામે ટેક્નોલોજી આધારિત ઉકેલ માટે અમદાવાદમાં ‘કણાદ શિલ્ડ’ હેકાથોનનો પ્રારંભ
‘કણાદ શિલ્ડ’ હેકાથોનમાં 100થી વધુ ટેક સ્ટાર્ટઅપ્સ અને 1 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

Published : August 22, 2026 at 9:50 PM IST
અમદાવાદ: સાયબર ક્રાઈમના વધતા પડકારો સામે ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવાના હેતુથી અમદાવાદમાં ‘કણાદ શિલ્ડ સાયબર સિક્યુરિટી હેકાથોન 2026’નો પ્રારંભ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ અને I-HUB દ્વારા આયોજિત આ હેકાથોનનો મુખ્ય ઉદ્દેશ્ય લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી, ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમિયાને એક મંચ પર લાવી સાયબર ક્રાઈમના રિયલ ટાઈમ પડકારોના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવાનો છે. હેકાથોનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં DGP જી.એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘કણાદ શિલ્ડ’ હેકાથોનમાં 100થી વધુ ટેક સ્ટાર્ટઅપ્સ અને 1 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આમાંથી આશરે 250 જેટલા સહભાગીઓએ વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના સોલ્યુશન તૈયાર કરવા માટે હેકાથોનમાં ભાગ લીધો છે. હેકાથોનના માધ્યમથી સાયબર ક્રાઈમની તપાસ, નિવારણ અને પોલીસિંગને વધુ ટેક્નોલોજી આધારિત અને અસરકારક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સ્ટાર્ટઅપ્સને અત્યાર સુધીમાં ₹600 કરોડથી વધુનું ફંડિંગ આપવામાં આવ્યું છે અને ગુજરાતના યુવાનો જે સપનાં જોઈ રહ્યા છે તેને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સતત મદદરૂપ બનશે. તેમણે કહ્યું કે, આજના સમયમાં સાયબર ક્રાઈમ સમાજ અને જીવન સામેનો સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આવનારા 10 વર્ષમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ક્રાઈમના ગુનાઓમાં મોટો વધારો થવાની શક્યતા છે, તેથી અત્યારથી જ તેના ઉકેલો શોધવા જરૂરી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત પોલીસ પ્રો-એક્ટિવ રીતે કામ કરે છે અને આવનારી મોટી મુશ્કેલીઓને અગાઉથી ઓળખીને તેના ઉકેલ માટે કામગીરી કરે છે. આજના યુવાનો અને વિદ્યાર્થીઓ પાસે રહેલા નવા વિચારોને આગળ વધારવા માટે પ્લેટફોર્મ આપવું જરૂરી છે. હેકાથોનના માધ્યમથી યુવાનો પોતાના નાના-મોટા આઈડિયા રજૂ કરીને ગુજરાત પોલીસને સાયબર ક્રાઈમ સામે લડવામાં મદદ કરી શકશે.
હેકાથોનમાં અમદાવાદ પોલીસે ₹13.50 લાખની પ્રાઇઝ મની રાખી છે, જ્યારે સમગ્ર કણાદ શિલ્ડ ચેલેન્જમાં કુલ ₹51 લાખના ઇનામો આપવામાં આવશે. સાયબર ક્રાઈમ સામે નવા અને અસરકારક ઉકેલો આપીને પોલીસને મદદ કરનારા સહભાગીઓને ‘સુપર કોપ’ તરીકે ઓળખવામાં આવશે.
હર્ષ સંઘવીએ રાજ્યમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના નેટવર્કનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં કેટલાક CCTV કેમેરા જૂના છે તો કેટલાક નવા છે અને અલગ-અલગ ફોર્મેટમાં કાર્ય કરે છે. આવા અલગ-અલગ CCTV સિસ્ટમને એકસાથે જોડીને વધુ મજબૂત અને અસરકારક સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં પણ હેકાથોનના ટેક્નોલોજી આધારિત ઉકેલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:

