ETV Bharat / state

સોરઠ પંથકના રાવણાની વધતી માંગ, દિલ્હી સહિતના વેપારીઓના ખરીદી માટે વંથલીમાં ધામા

સોરઠ પંથકના રાવણા એટલે કે કાળા જાંબુની માંગ ભારતના અન્ય રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે, બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ ખરીદી માટે વંથલી આવ્યા છે.

સોરઠ પંથકના રાવણાની વધતી માંગ
સોરઠ પંથકના રાવણાની વધતી માંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 1, 2026 at 3:05 PM IST

5 Min Read
Choose ETV Bharat

વંથલી, જુનાગઢ: વંથલી પંથકના રાવણા એટલે કેરી પછીનું બીજું એવું ફળ કે જેની માંગ ભારતના અન્ય રાજ્યોની સાથે વિદેશમાં પણ જોવા મળે છે. રાવણા રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ થાય છે, પરંતુ જે ગુણવત્તા અને ખાસિયત સોરઠ પંથકના રાવણામાં જોવા મળે છે, તે પ્રકારનો સ્વાદ, કદ અને મીઠાશ ભારતના અન્ય રાજ્યોમાં થતા રાવણામાં જોવા મળતી નથી.

તેથી જ સોરઠ પંથકના આ રાવણના સ્વાદ માટે દેશભરના વેપારીઓ છેક જુનાગઢ સુધી ખેંચાઈ આવે છે. દિલ્હી, હિમાચલ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ખાસ રાવણાની ખરીદી કરવા માટે વંથલી આવતા હોય છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ બજાર ભાવો પણ ખૂબ સારા રહેતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળે છે.

સોરઠ પંથકના રાવણાની વધતી માંગ (Etv Bharat Gujarat)

કેરી પછી સોરઠની શાન એટલે રાવણા

સોરઠની શાન એટલે કેસર કેરી અને કેરીના સમયમાં સોરઠ પંથકને વધુ એક ફળ તરીકે સમગ્ર વિશ્વ અને ભારતમાં પ્રસિદ્ધિ અપાવી છે તેવા રાવણા, સોરઠ પંથકની એક વિશેષ અને અલગ ઓળખ આજે પણ ઊભી કરે છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે રાવણાની પરંપરાગત ખેતી સોરઠ પંથકમાં થતી જોવા મળે છે. ગીર કાંઠાના હિરણ અને ઓઝત નદીના કાંઠામાં પરંપરાગત રીતે એક સદી કરતા પણ વધારે સમયથી ફળ પાક તરીકે ખેડૂતો પોતાની આંબાવાડીમાં કેરીની સાથે રાવણાની સિઝન પણ મેળવતા હોય છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણાના બજાર ભાવો ખૂબ સારા રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

સોરઠ પંથકના રાવણાની વધતી માંગ
સોરઠ પંથકના રાવણાની વધતી માંગ (Etv Bharat Gujarat)

ગરમીને કારણે રાવણાની સિઝન ટૂંકી

આ વર્ષે ગરમીને કારણે રાવણાની સિઝન 15 થી 25 દિવસની ધારવામાં આવી રહી છે. સામાન્ય રીતે કેરીની સાથે રાવણાની સિઝન પણ 45 થી 50 દિવસ સુધી જોવા મળતી હોય છે, પરંતુ ગરમીને કારણે એક સાથે રાવણામા પાક આવી જતા સિઝન વહેલી પૂરી થાય તેવી પણ શક્યતાઓ છે. આજે વંથલી બજારમાં દરરોજ 6,000 કરતાં પણ વધારે રાવણાની ડાલી વેચાણ માટે આવી રહી છે.

વંથલીના રાવણાની ડિમાન્ડ વધી
વંથલીના રાવણાની ડિમાન્ડ વધી (Etv Bharat Gujarat)

50 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધીનો ભાવ

એક ડાલીમાં 8 થી 10 કિલો રાવણા ભરવામાં આવતા હોય છે, જેના સરેરાશ અંદાજ મુજબ પ્રતિ દિવસ વંથલી ખાતે 55 થી 60 હજાર કિલો રાવણા વેચાણ માટે આવતા હોય છે. આ વર્ષે રાવણાના બજાર ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધીની આસપાસ જોવા મળે છે. જે ગત વર્ષ કરતાં 50 થી 80 રૂપિયા વધારે પણ માનવામાં આવે છે. એક્સપોર્ટ કોલેટીના રાવણા કે જે વિદેશમાં નિકાસ થાય છે, તે 250 રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધના ભાવે વેચાઈ રહ્યા છે.

આ વર્ષે રાવણાના બજાર ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધીનો ભાવ
આ વર્ષે રાવણાના બજાર ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધીનો ભાવ (Etv Bharat Gujarat)

દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રથી ખરીદી કરવા આવતા વેપારી

સોરઠ પંથકના રાવણાની બોલબાલા એટલી હદે જોવા મળે છે કે, રાવણાની આ સિઝન દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી પણ જથ્થાબંધ વેપારીઓ બે મહિના સુધી સતત વંથલીમાં રોકાઈને રાવણાની ખરીદી કરતા હોય છે. દિલ્હી થી રાવણાની ખરીદી કરવા માટે આવેલા રાજીવ ગુપ્તાએ ઈ ટીવી ભારત સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પંજાબ અને રાજસ્થાન કરતાં પણ સોરઠના વંથલી પંથકના રાવણાની વિશેષ ઓળખ છે, ઠળિયો નાનો અને પલ્પ સૌથી વધારે હોવાની સાથે રાવણાની મીઠાશ અને તેનો જાંબુડિયો પડતો કાળો રંગ અને પ્રત્યેક રાવણાની સાઈઝ ખૂબ સારી હોવાને કારણે તેઓ પાછલા 15 વર્ષથી રાવણાની ખરીદી માટે વંથલી આવી રહ્યા છે.

આજે વંથલી બજારમાં દરરોજ 6,000 કરતાં પણ વધારે રાવણાની ડાલી વેચાણ માટે આવી રહી છે.
આજે વંથલી બજારમાં દરરોજ 6,000 કરતાં પણ વધારે રાવણાની ડાલી વેચાણ માટે આવી રહી છે. (Etv Bharat Gujarat)

પ્રતિ દિવસ 8 થી 10 ટન રાવણાની ખરીદી

અહીં પ્રતિ દિવસ 8 થી 10 ટન રાવણાની ખરીદી કરવામાં આવે છે, ત્યાર બાદ તેમના જ લોકો દ્વારા ખરીદ કરાયેલા રાવણાને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરીને તેના બોક્સ તૈયાર કરવામાં આવે છે, અને અહીંથી જ વાતનુકુલિત ટેમ્પો માં તૈયાર થયેલા રાવણા એક એક કિલોના બોક્સમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, યુપી, પંજાબ અને ભારતના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે જ્યાં તેની હોલસેલ બજારમાં ફરી એક વખત સ્થાનિક વેપારીઓ ખરીદી કરતા હોય છે જેને કારણે આવા રાજ્યોમાં આ રાવણા જે તે દિવસના બજાર કિંમતે વહેંચાતા હોય છે

પાછલા ઘણા વર્ષથી રાવણાની ખેતી સાથે સંકળાયેલા દિલીપભાઈ મકડીયાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી, અને તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે રાવણાની સિઝન ગત વર્ષની સરખામણીએ 15 થી 20 દિવસ ઓછી માનવામાં આવે છે, પરંતુ આ વખતે ગત વર્ષ કરતાં પ્રતિ કિલો બજાર ભાવમાં 50 થી લઈને 80 રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે, જેને કારણે ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વખતે રાવણામાંથી સારી એવી આવક થવાની શક્યતા જોવાઈ રહી છે, તો બીજી તરફ વંથલીમાં જથ્થાબંધ વેપારી સુરેશભાઈ મોટવાણી એ પણ આ વખતે રાવણાની ખૂબ સારી આવક થઈ રહી છે, અને તેને કારણે દિલ્હીથી આવેલા વેપારીઓ અને અન્ય સ્થાનિક ખેડૂતોને પણ સારા બજાર ભાવ મળતા તેઓ પણ રાવણાની ખરીદી કરી રહ્યા છે.

આ વર્ષે ગરમીને કારણે રાવણાની સિઝન 15 થી 25 દિવસની ધારવામાં આવી રહી છે
આ વર્ષે ગરમીને કારણે રાવણાની સિઝન 15 થી 25 દિવસની ધારવામાં આવી રહી છે (Etv Bharat Gujarat)

રાવણા ભારતનું એક વિશેષ ફળ

ફળોની દ્રષ્ટિએ રાવણા એટલે જાંબુ પર નજર કરીએ તો તે ભારત નું જ સૌથી પ્રાચીન અને મૂળભૂત ફળ હોવાનું જોવા મળે છે રાવણા ની ખેતી અને તેના ઇતિહાસ સાથે જૂનાગઢનું નામ પણ ખૂબ જ નજીકથી જોડાયું છે પ્રાચીન હિન્દુ ભૂગોળ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ભારત ને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવતુ હતુ જેનો સીધો મતલબ જાંબુના વૃક્ષોની ભૂમિ એવો કરવામાં આવતો હતો પરંપરાગત રીતે જાંબુના વૃક્ષો અનેક સદી ઓથી ગિરનારની તળેટી અને સમગ્ર સોરઠ પંથકની કૃષિ ઉપજાવ ભૂમિમાં જોવા મળતું ફળનું વૃક્ષ છે બૌદ્ધ કાલીન સમયમાં પણ એવો ઇતિહાસ જોવા મળે છે કે જ્યારે બોધ સાધુઓ પોતાના પરિભ્રમણ અને પ્રવાસ દરમિયાન રાવણા ના ફળ ને ભારતના અન્ય ભાગો અને વિદેશ માં લઈ ગયા હતા જેને કારણે રાવણાના વૃક્ષો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જૂનાગઢમાં જોવા મળે છે જુનાગઢ નો ઈતિહાસ પણ બોધ કાલીન સમય સાથે ખૂબ જ મનમેળ ધરાવે છે

પ્રતિ દિવસ વંથલી ખાતે 55 થી 60 હજાર કિલો રાવણા વેચાણ માટે આવે છે
પ્રતિ દિવસ વંથલી ખાતે 55 થી 60 હજાર કિલો રાવણા વેચાણ માટે આવે છે (Etv Bharat Gujarat)

નવાબના સમયમાં રાવણા

જે રીતે કેરીના ઇતિહાસ સાથે પણ જુનાગઢના નવાબનું નામ જોડાયેલું છે, બિલકુલ તેવી જ રીતે રાવણાની પરંપરાગત ખેતી પણ નવાબના સમયમાં ખૂબ જ પ્રોત્સાહક માનવામાં આવતી હતી. નવાબના શાસનકાળ દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને તેનુ ઉત્પાદન સારી બાબત માનવામાં આવતી હતી, ગીર અને વંથલી નજીકની હિરણ અને ઓઝત નદીના કાંઠે આવેલી ફળદ્રુપ જમીન કેરીની સાથે રાવણા વૃક્ષોને ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે, જેને કારણે આજે પણ ઓઝત અને હિરણ નદીના કાંઠે રાવણા થતા જોવા મળે છે.

રાવણાના ઔષધીય ગુણો

રાવણાના ઔષધીય ગુણો વિશે આયુર્વેદિક હોસ્પિટલના વૈદ હરિઓમ ગુપ્તાએ ઈટીવી ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આયુર્વેદમાં રાવણાને અમૃત સમાન ગણવામાં આવ્યું છે, ડાયાબિટીસમાં રાવણાના ઠળિયાનું ચૂર્ણ ખૂબ જ અક્સીર ચરક સંહિતાના સમયથી માનવામાં આવે છે. વધુમાં આજના સમયે જોવા મળતા બ્લડ સુગર માટે પણ રાવણાના ઠળિયાનો પાવડર સૌથી સારા ઈલાજ તરીકે આયુર્વેદમાં સૂચવવામાં આવ્યો છે. પાચનતંત્ર માટે પણ રાવણાને સારું મનાયું છે તે પેટની બીમારી દૂર કરવાની સાથે લીવરને પણ તંદુરસ્ત અને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. રાવણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, રાવણામાં વિટામીન સી અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે લોહીને શુદ્ધ કરવાની સાથે શરીરને એકદમ તંદુરસ્ત અને ખડતલ રાખવામાં પણ મદદ કરે છે.

  1. ગુણોનો ખજાનો કાળા જાંબુ: જૂનાગઢની આયુર્વેદિક યુનિ.ના અધ્યાપક પાસેથી જાણો જાંબુના સેવનના ફાયદાઓ
  2. શું તમે જાણો છો કે 100 ગ્રામ જાંબુ ખાવાથી શું મળે છે? ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન - Jabu Benefits