ETV Bharat / state

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય, ઘેડ વિસ્તારમાં પાણી; 9 માર્ગો હજુ બંધ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળિયા, કેશોદ અને માણાવદર પંથકમાં અતિભારે વરસાદ અને પૂર બાદ હવે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે.

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય
જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 8, 2026 at 9:05 AM IST

|

Updated : July 8, 2026 at 10:18 AM IST

2 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળિયા, કેશોદ અને માણાવદર પંથકમાં 4 અને 5 જુલાઈ દરમિયાન પડેલા અતિભારે વરસાદ અને પૂર બાદ હવે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. વરસાદ રોકાતા જ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જિલ્લા પંચાયત હસ્તકના 9 માર્ગો બંધ છે જ્યારે ઘેડ વિસ્તારમાં હજુ પણ સામાન્ય પાણી જોવા મળી રહ્યું છે.

વરસાદ બાદ જૂનાગઢ જિલ્લાની સ્થિતિ પૂર્વવત

4 અને 5 જુલાઇના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા, મેંદરડા અને માણાવદર તાલુકામાં અતિ ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જીલ્લાના ચાર તાલુકામાં અતિ ભારે વરસાદને કારણે શનિવાર અને રવિવારના દિવસે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગ વાહન વ્યવહાર માટે બાધિત થયો હતો. માંગરોળ નજીક શેરીયાજ ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 40 ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું. વરસાદ રોકાયા બાદ યુદ્ધના ધોરણે ગાબડાને પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને સાંજ સુધીમાં પોરબંદર સોમનાથ રાષ્ટ્રીય કોસ્ટલ ધોરીમાર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય રાજ્યના કેટલાક ધોરીમાર્ગો કે જે અતિ ભારે વરસાદને કારણે બંધ થયા હતા તે પણ હવે પૂર્વવત થઈ રહ્યા છે.

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય (ETV Bharat Gujarat)

જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, 4 અને 5 જુલાઇએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો જેને કારણે ખેતીના પાક અને માંગરોળ તાલુકામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ હતી. માંગરોળ નજીક શેરીયાજ ગામ પાસે નદીના ભારે પ્રવાહને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૂટી ગયો હતો અને રાજ્યના કેટલાક ધોરીમાર્ગો પર વરસાદી પાણી ફરી વળતા બે દિવસ સુધી કેટલાક માર્ગો બંધ થયા હતા. વરસાદ રોકાઈ ગયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે અસરગ્રસ્ત તાલુકાના તમામ ધોરીમાર્ગો વાહન વ્યવહાર માટે પૂર્વવત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના 9 માર્ગો પર આજે પણ પુલ પરથી પાણી વહી રહ્યું છે જેને કારણે તેને બંધ રાખવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લામાં વરસાદ બાદની તમામ વિપરીત પરિસ્થિતિ ઓ હવે પૂર્વવત થઈ રહી છે.

વરસાદ બાદ જૂનાગઢ જિલ્લાની સ્થિતિ પૂર્વવત
વરસાદ બાદ જૂનાગઢ જિલ્લાની સ્થિતિ પૂર્વવત (ETV Bharat Gujarat)

ઘેડ વિસ્તારના કેટલાક ગામોમાં પાણી

માંગરોળ અને કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં આજે પણ કેટલાક ગામોમાં પૂરનું પાણી જોવા મળી રહ્યું છે પણ તેનું પ્રમાણ ખૂબ જ સામાન્ય હોવાથી એક બે દિવસમાં ઘેડના ગામોમાં જે પાણી ભરાયું છે તે પણ દૂર થવાની પૂરી શક્યતા છે. આ સિવાય જિલ્લામાં હવે વરસાદે વિરામ લીધો છે જેને કારણે વરસાદ બાદની તમામ સ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય
જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

Last Updated : July 8, 2026 at 10:18 AM IST