જુનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 31 કરોડથી વધારેના નવા કામોને મંજૂરી અપાઈ
આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા વિવિધ 11 મુદ્દાઓને લઈને સમગ્ર કમિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ચર્ચા વિચારણાને અંતે 11 મુદ્દાને મંજૂર રાખવામાં આવ્યા છે.

Published : April 16, 2026 at 6:34 PM IST
જુનાગઢ : આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 11 જેટલા મુદ્દાઓને કમિટીએ ચર્ચાને અંતે મંજૂર કર્યા છે. જેમાં અંદાજિત 31 કરોડ 21 લાખના નવા કામોને મંજૂરી પણ આપવામાં આવી છે. શહેરમાં હોકર્સ ઝોનના નિયમો વોટર હાર્વેસ્ટિંગ કીટ અને નરસિંહ મહેતા સરોવરમાં સ્ટેન્ડિંગ લાઇબ્રેરીની સાથે પ્રી-વેડિંગ શૂટિંગ થાય તે માટે નિયમો અને તેના દર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક
આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેનું અધ્યક્ષ પદ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકરે સંભાળ્યું હતું. આજની આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા વિવિધ 11 મુદ્દાઓને લઈને સમગ્ર કમિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ચર્ચા વિચારણાને અંતે 11 મુદ્દાને મંજૂર રાખવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં 31 કરોડ અને 21 લાખના વિકાસના વિવિધ કામોને મંજૂરી પણ આપવામાં આવી છે.
આજની આ બેઠક ખાસ એટલા માટે માનવામાં આવે છે કે તેમાં જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં હોકર્સ ઝોન નરસિંહ મહેતા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગ અને સ્ટેન્ડિંગ લાઇબ્રેરીની સાથે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને પ્રાધાન્ય આપીને લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે દિશામાં કોર્પોરેશને ઠરાવ કરીને આ 11 મુદ્દાઓને મંજૂરી આપી છે.

નરસિંહ મહેતા સરોવરમાં પ્રી વેડિંગ
નરસિંહ મહેતા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગને લઈને પણ હવે માર્ગ મોકળો થયો છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એમપી થિયેટર અને તળાવના અન્ય સ્થળો પર કોઈ વ્યક્તિ કાર્યક્રમ કે લગ્નનું કોઈ શૂટિંગ કરવા ઇચ્છતો હશે તે તમામ લોકો માટે નવા દરોની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં તળાવમાં એમપી થિયેટરનો કોઈપણ સંસ્થા કે સંગઠન કાર્યક્રમ માટે ઉપયોગ કરવાનું વિચારતા હશે તો તેવા વ્યક્તિઓએ પ્રત્યેક ત્રણ કલાકના 4000ના દરથી તેમજ નરસિંહ મહેતા સરોવરમાં લગ્ન પૂર્વેનું પ્રી-વેડિંગ શૂટિંગ કરાવવા માગતા પ્રત્યેક લોકોએ ત્રણ કલાકના 5000 રૂપિયા અને વધારાની પ્રત્યેક કલાક માટે 1000નો દર સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે.


સ્ટેન્ડિંગ લાઇબ્રેરી અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ
નરસિંહ મહેતા સરોવરમાં સવારે અને દિવસ દરમિયાન આવતા પ્રત્યેક વ્યક્તિ પોતાના વાંચન શોખને પૂરો કરી શકે તે માટે તળાવમાં સ્ટેન્ડિંગ લાઇબ્રેરીની મંજૂરી અને તેના એમઓયુ કરવાને લઈને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે. એમ.ઓ.યુ થયા બાદ વિધિવત રીતે નરસિંહ મહેતા સરોવરમાં સ્ટેન્ડિંગ લાઇબ્રેરીની પણ શરૂઆત થશે, વધુમાં આગામી ચોમાસાને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા પર અન બ્રેકેબલ વોટર હાર્વેસ્ટિંગ કીટ પણ ફીટ કરવામાં આવશે, તેવું આયોજન પણ આજની બેઠકમાં નક્કી થયું છે, વધુમાં જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે. આવા વિસ્તારમાં પણ ભરાયેલું વરસાદી પાણી વોટર હાર્વેસ્ટિંગ કીટ મારફતે સીધું જમીનમાં ઉતરે તે પ્રકારનું આયોજન પણ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે.
આ પણ વાંચો...

