ETV Bharat / state

જુનાગઢના ગણેશનગરના સ્થાનિકોને વનવિભાગની નોટિસ, રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા આપ્યો 48 કલાકનો સમય

1984થી ચાલતો આવતો ગણેશ નગરના સ્થાનિક રહેવાસીઓનો મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, જાણો શું છે સમગ્ર મામલો ?

જુનાગઢના ગણેશનગરના સ્થાનિકોને વનવિભાગની નોટિસ
જુનાગઢના ગણેશનગરના સ્થાનિકોને વનવિભાગની નોટિસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 20, 2026 at 8:21 PM IST

5 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: વર્ષ 1984થી જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલા ગણેશ નગરના સ્થાનિક રહેવાસીઓનો મામલો આજે ફરી એક વખત શહેરમાં ચર્ચાતો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા 83 કરતા વધારે રહીશોના ઘર અને મકાનો વન વિભાગ અને અભયારણ્ય રેન્જમાં આવતા હોવાથી વન વિભાગે તમામ આસામીઓને 12મી જૂનના દિવસે નોટિસ ફટકારીને તેમના રહેણાંકના આધાર પુરાવા વન વિભાગને રજૂ કરવાની તાકીદ કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં રહેતા અને નોટિસ મળેલા 83ની સાથે અન્ય 100 કરતા વધારે, સ્થાનિકોએ વન વિભાગને 286 પેઈજની અત્યાર સુધીની તમામ દસ્તાવેજો સાથેની નકલ વન વિભાગને સુપ્રત કરી છે.

ગણેશ નગરના સ્થાનિક રહેવાસીઓ ફરી ચિંતામાં

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલા ગણેશ નગર વિસ્તારમાં ફરી એક વખત ગેરકાયદેસર મકાનોને લઈને મામલો ચર્ચામાં જોવા મળી રહ્યો છે. 1984થી લઈને આજ દિન સુધી સમગ્ર મામલો વન વિભાગ નગરપાલિકા ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા વહીવટી તંત્ર અને બંધાળા ગ્રામ પંચાયતની વચ્ચે સતત ફરતો જોવા મળી રહ્યો છે. જેને લઈને પાછલા 42 વર્ષથી ગણેશ નગરના સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરને પોતાનું કહી શકતા નથી. અગાઉ વર્ષ 2007માં બીલખા તાલુકાના બંધાળા ગામમાં વન વિભાગને જમીન આપ્યાના પુરાવા સ્થાનિકોએ વન વિભાગને રજૂ કર્યા છે, જેના પર વન વિભાગ વિચાર વિમર્શ કરી રહ્યું છે.

1984થી ચાલતો આવતો ગણેશ નગરના સ્થાનિક રહેવાસીઓનો મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો (Etv Bharat Gujarat)

નગરપાલિકા અને મહાનગરપાલિકા બાદ પણ સમસ્યા જેમની તેમ

મહાનગરપાલિકા બનતા પૂર્વે જુનાગઢ નગરપાલિકા વિસ્તારમાં પણ ગણેશ નગર ના સ્થાનિક રહેવાસીઓને નગરપાલિકા દ્વારા જે તે સમયે સરકારી નિયમ અને ધારા ધોરણ મુજબ જમીન રહેણાંક હેતુ માટે ફાળવી હતી તેના બદલામાં બીલખા તાલુકાના બંધાળા નજીક વન વિભાગ ને 11 ગુંઠા એટલે કે 10 વિઘા જમીન ગણેશ નગરની ગિરનાર દક્ષિણ ડુંગર રેંજની દુબળી બીટની જમીનના બદલામાં જમીન આપવામાં આવી હતી. અહીં આજે પાંચ વીઘામાં વન વિભાગે વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે, અને અન્ય પાંચ વીઘા જમીન આજે પણ ખાલી છે, ત્યારે ફરી એક વખત વન વિભાગે 12મી જૂનના દિવસે ફરી એક વખત 83 જેટલા સ્થાનિક રહીશોને નોટિસ આપીને તેમની પાસે રહેણાંક મકાનના આધાર પુરાવા અને દસ્તાવેજ હોય તો રજૂ કરવાની 48 કલાકની તાકીદ કરી હતી.

ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલું ગણેશ નગર, જુનાગઢ
ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલું ગણેશ નગર, જુનાગઢ (Etv Bharat Gujarat)

1980ના વન અધિનિયમ હેઠળ કાર્યવાહી

1980ના વન અધિનિયમ કાયદા અન્વયે જમીનના બદલામાં જમીન મળે તો અભયારણ્ય વિસ્તારની જમીન વન વિભાગ સરકારી નિયમ અનુસાર ત્યાં ભોગવટો ધરાવતા લોકોને આપી શકે, આવી એક માત્ર જોગવાઈ 1980માં કરવામાં આવેલા વન અધિનિયમ માં રાખવામાં આવી છે, તે અંતર્ગત બિલખા તાલુકાના બંધાળા ગામની જમીન વન વિભાગ ને આપવામાં આવી છે જેની અવેજીમાં મનપદ દ્વારા ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલા ગણેશ નગર ના સ્થાનિક રહીશોને તેમના મકાનની જમીન આપી છે

રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા આપ્યો 48 કલાકનો સમય
રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા આપ્યો 48 કલાકનો સમય (Etv Bharat Gujarat)

આજે સ્થાનિકો મળ્યા વન વિભાગના અધિકારીને

આજે ગણેશ નગર ના સ્થાનિક રહેવાસીઓ વન વિભાગના ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી સુહાગીયાને મળ્યા હતા, અને 1984થી લઈને આજ દિન સુધી સ્થાનિક રહેવાસીઓ દ્વારા જુનાગઢ નગરપાલિકા અને ત્યારબાદ મહાનગરપાલિકાને ભરેલી તમામ વેરા અને અન્ય આર્થિક લેવડ દેવડની પહોંચ અને દસ્તાવેજની સાથે 45 વર્ષથી થયેલા પત્ર વ્યવહાર કે જેમાં બંધાળા ગ્રામ પંચાયત જિલ્લા કલેકટર નગરપાલિકા અને ત્યાર બાદ મહાનગરપાલિકા અને વન વિભાગ ની કચેરીઓ વચ્ચે સમગ્ર મામલામાં જે પત્ર વ્યવહાર થયો છે, તેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાને ભરવામાં આવેલી રકમની પહોંચ બંધાળા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને આપવામાં આવેલી જમીનના નકશા અને તેની વિગતો સહિત પાછલા 45 વર્ષમાં ગણેશ નગરના સ્થાનિક રહેવાસીઓનો મામલો છે, તેના તમામ દસ્તાવેજી પુરાવા સાથેની એક આખી ફાઈલ આજે વન વિભાગને આપવામાં આવી છે.

વનવિભાગે ગણેશનગરના સ્થાનિકોને રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા આપ્યો 48 કલાકનો સમય
વનવિભાગે ગણેશનગરના સ્થાનિકોને રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા આપ્યો 48 કલાકનો સમય (Etv Bharat Gujarat)

વન વિભાગના અધિકારીએ આપી વિગતો

ગિરનાર ડુંગર દક્ષિણ રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીપી સુહાગીયાએ આપેલી વિગતો અનુસાર ગિરનાર ડુંગર દક્ષિણે દુબળી બીટ વિસ્તારમાં આવેલ અભયારણ્યમાં ગણેશ નગર ના કેટલાક સ્થાનિકો આજે તેમને મળ્યા હતા તેમના દ્વારા 83 પરિવારોને તેમના રહેણાંક મકાનો કાયદેસર છે કે કેમ તેને લઈને આધાર પુરાવા આપવા માટે તાકીદ કરતી નોટિસ વન વિભાગ એ પાઠવી હતી. ત્યારબાદ આજે કેટલાક લોકો તેમને મળ્યા છે અને 284 86 પેજ ની એક ફાઈલ કે જેમાં પત્ર વ્યવહારના દસ્તાવેજો છે તે એમને આપ્યા છે હાલ વન વિભાગ તેનું ક્રોસ વેરીફીકેશન કરી રહી છે, ત્યારબાદ સમગ્ર મામલામાં કોઈ નિરાકરણ આવી શકે છે.

શું કહ્યું સ્થાનિકોએ ?

ગણેશ નગરમાં પાછલા 45 વર્ષથી રહેતા મેપાભાઈ કટારીયાએ ઇટીવી ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ 45 વર્ષથી ગણેશ નગરમાં રહે છે, ત્યારે 12 મી જુન 2026ના દિવસે વન વિભાગે ફરી એક વખત નોટિસ પાઠવીને તેમના મકાન અને તેમના ભોગવટા વાળી જમીન તેમની માલિકીની છે. તેવો પુરાવો આપવાની તાકીદ કરી છે. ત્યારે આજે અમે વન વિભાગને અમારા સહિત તમામ વિસ્તારની ફાઈલ પુરાવા રૂપે આપી છે. વન વિભાગ 1984થી સમગ્ર મામલામાં કેટલાક વર્ષોના સમયાંતરે આ પ્રકારની નોટિસ આપીને શું સાબિત કરવા માંગે છે, તે તેમને સમજાતું નથી.

અન્ય એક સ્થાનિક કાંતિભાઈએ પણ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, અને જણાવ્યું હતું કે, તેઓ પણ પાછલા 40 વર્ષથી ગણેશ નગર વિસ્તારમાં રહેશે જૂનાગઢ નગરપાલિકા અને ત્યાર બાદ મહા નગરપાલિકાના તમામ કરવેરાઓ તેમની પાસેથી વસુલે છે. હાલ તેમની પાસે ભોગવટાની જે જમીન છે, તેના તમામ પૈસા તેમણે નગરપાલિકા અને મહાનગરપાલિકાને સમ્યાન્તરે આપ્યા છે. આ પહેલા પણ વર્ષ 2007માં આ જ પ્રકારે વન વિભાગ ની નોટિસ મળી હતી, ત્યાર બાદ કલેક્ટર અને કમિશનર રજૂઆત કરાતા સમગ્ર મામલો ઠંડો પડ્યો હતો, પરંતુ ફરી એક વખત આ મામલો 2026માં ચર્ચામાં આવ્યો છે. જેથી સરકાર અમારી આ રજૂઆત ને કાયમી ધોરણે સાંભળી અને પૂર્ણ કરે તેવી અમારી માંગ છે.

ગણેશ નગર વિસ્તારના સ્થાનિક જીગ્નેશ મારુ એ પણ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગે 12મી જુન 2026ના દિવસે બે દિવસની સમય મર્યાદામાં આધાર પુરાવા રજૂ કરવાની નોટિસ તેમને પાઠવી છે.વર્ષ 1993માં જુનાગઢ નગરપાલિકા દ્વારા જમીનના પૈસા નગરપાલિકા માં સ્થાનિક લોકોએ ભરી આપ્યા છે, જેટલી જમીન જે સ્થાનિકો પાસે હતી તેના સરકારી નિયમ મુજબ થતા પૈસા પણ તેમના દ્વારા નગરપાલિકાને ચૂકવી દેવામાં આવ્યા છે. 1980ના વન અધિનિયમ અંતર્ગત ગણેશ નગરની જમીનના બદલામાં બંધાળા નજીક 10 વીઘા જમીન વન વિભાગને આપી છે,અને આ તમામ ઠરાવો પણ આજે તેમના દ્વારા વન વિભાગ ને આપવામાં આવેલા છે.જેમાં 1984થી લઈને આજ દિન સુધી કરવામાં આવેલી તમામ રજૂઆતો વેરા પહોંચ પૈસા ભરવામાં આવેલી નકલો બંધાળા ગ્રામ પંચાયતના ઠરાવ અને વન વિભાગને આપેલી જમીનના નકશા સહિત તમામ સરકારી દસ્તાવેજો આજે અમે વન વિભાગના અધિકારીઓને સુપ્રત કર્યા છે, અને અમે આશા રાખીએ છીએ કે 1984થી ચાલતા આવતા ગણેશ નગરના સ્થાનિક રહેવાસીનો આ પ્રશ્ન હવે કાયમી ધોરણે નિકાલ આવે.

  1. JUDA 10મી ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકારની ગ્રીન સિગ્નલ, જૂનાગઢમાં વિકાસને મળશે નવી દિશા
  2. જુનાગઢના માણાવદરમાં દબાણ હટાવો કામગીરી, મામલતદારે ગેરકાયદે દબાણકર્તાઓ સામે લીધું બુલડોઝર એક્શન