જુનાગઢ પોલીસે ગાંજા સાથે એક રીક્ષા ચાલકને પકડી પાડ્યો, પૂર્વ બાતમીને આધારે મળી સફળતા
પી.આઇ એ. બી. ગોહિલ સહિત A ડિવિઝનની ટીમે શાલીમાર કોલોનીમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે રીક્ષા ડ્રાઇવરને પકડી પાડ્યો છે.

Published : February 26, 2026 at 10:55 AM IST
જુનાગઢ : જિલ્લા પોલીસને આજે સફળતા મળી છે. શહેરના સુખના ચોક વિસ્તારમાં આવેલ શાલીમાર કોલોનીમાંથી શાકીર સોરઠિયા નામના રીક્ષા ડ્રાઇવર પાસેથી 8220નો 164.16 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે એનડીપીએસ એક્ટ નીચે કાર્યવાહી શરૂ કરી છે, તો અન્ય એક કિસ્સામાં ધોરણ 10ની પરીક્ષા આપનાર કિશોરી પરિવાર સાથે મન મોટાવ થતા જુનાગઢથી રાજકોટ પહોંચી ગઈ હતી. જેને જુનાગઢ પોલીસે રાજકોટથી શોધી કાઢીને પરિવારને સોંપી દીધી છે.
8000 કરતા વધારેના ગાંજા સાથે રીક્ષા ચાલક પકડાયો
જુનાગઢ પોલીસે આજે શહેરના સુખના ચોક વિસ્તારમાં આવેલ શાલીમાર કોલોનીમાં રહેતા શાકીર સોરઠીયા નામના રિક્ષા ડ્રાઇવરના ઘરે પૂર્વ બાતમીને આધારે રેડ કરતા રિક્ષા ડ્રાઇવરના ઘરમાંથી 164.16 ગ્રામ ગાંજો પકડી પાડીને શાકીર સોરઠીયાની અટકાયત કરી છે. જુનાગઢ શહેરમાં નશાકારક પદાર્થ ગાંજાની હેરાફેરી અને તેના વેચાણને લઈને A ડિવિઝન પોલીસ મથકને પૂર્વ બાતમી મળી હતી. જેને આધારે પી.આઇ એ.બી.ગોહિલ સહિત A ડિવિઝનની ટીમે શાલીમાર કોલોનીમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે રીક્ષા ડ્રાઇવરને પકડી પાડ્યો છે.
ઘરેથી ગુમ કિશોરીને શોધી કઢાઈ
અન્ય એક કિસ્સામાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષની કિશોરી કે જે ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહી હતી. પરીક્ષાને કારણે ઘરમાં માતા-પિતાએ કિશોરીને અભ્યાસમાં ધ્યાન આપવાની વાત કરતા કિશોરીને ખોટું લાગી ગયું હતું અને ઘરેથી કોઈને કહ્યા વગર તે નીકળી ગઈ હતી. ઘરમાં પુત્રી જોવા ન મળતા તેના પરિવારજનોએ પોલીસ મથકમાં તેમની પુત્રી ગુમ થઈ છે, તે બાબતની જાણ આપી હતી.

જુનાગઢ C ડિવિઝન પોલીસ મથકની ટીમ અને ટેકનિકલ સોર્સને આધારે જૂનાગઢના ગાધીગ્રામથી ગુમ થયેલી કિશોરી રાજકોટની ગોંડલ ચોકડી નજીક પી.ડી માલવીયા કોલેજ ખાતે હોવાની વિગતો પ્રાપ્ત થતા જુનાગઢ પોલીસની સાથે ગુમ થયેલી કિશોરીના પિતા અને કાકા સાથે રાજકોટ પહોંચી હતી. જ્યાં યુવતી મળી આવતા તેને જુનાગઢ લાવીને પરિવારને સોંપી દીધી હતી.
આ પણ વાંચો...

