AAP અને કોંગ્રેસ બાદ ભારતીય કિસાન સંઘે પણ જૂનાગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ
સતત વરસાદની ઘટને પગલે જૂનાગઢમાં દુષ્કાળની સ્થિતિ, AAP અને કોંગ્રેસ બાદ ભારતીય કિસાન સંઘે પણ કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી.

Published : September 2, 2026 at 7:29 PM IST
જૂનાગઢ: સતત વરસાદની ઘટ અને ચોમાસામાં ચિંતાજનક સ્તરે પહોંચેલું વરસાદનું પ્રમાણ હવે ધીમે ધીમે રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે AAPના ધારાસભ્ય અને કાર્યકરોએ કલેક્ટર ઓફિસમાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. તેવી જ રીતે કોંગ્રેસે પણ કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી, ત્યારે આજે ભારતીય કિસાન સંઘે પણ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને જૂનાગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જિલ્લો રાજ્ય સરકાર જાહેર કરે તેવી માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, કિસાન સંઘની માંગ
પાછલા બે દાયકાનું આ વર્ષનું ચોમાસુ સૌથી નબળું રહેવાના અત્યાર સુધીના અંદાજો ખેડૂતો, રાજકીય પક્ષો અને કિસાન સંઘને પણ હવે ચિંતામાં મૂકી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સાથે રાખીને જૂનાગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યાર બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે પણ ખેડૂતોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપીને જૂનાગઢ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સાથે સૌની યોજનાથી જળાશયો ભરવાની અને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ત્યારે આજે ભારતીય કિસાન સંઘે પણ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને મળીને રાજ્ય સરકાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેમજ પશુપાલકો માટે અલગથી ઘાસચારાની વ્યવસ્થા થાય તેવી માંગ સાથેનું આવેદનપત્ર રાજ્ય સરકારને આપ્યું છે.
રાજ્ય સરકાર તેમના પરિપત્રનો કરે અમલ
ભારતીય કિસાન સંઘે આજે આપેલા આવેદનપત્રમાં રૂપાણી સરકાર વખતે કૃષિ વિભાગ દ્વારા કેવા કિસ્સામાં વરસાદ ન પડે ત્યારે કોઈ પણ પ્રાંત કે પ્રદેશને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની મર્યાદાઓ નિર્ધારિત કરી હતી. જે મુજબ ચાર અઠવાડિયામાં સતત વરસાદ વગરના કોરા જાય અને આ ચાર અઠવાડિયામાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાય, આવી સ્થિતિમાં જે તે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેને આજે કિસાન સંઘે ફરીથી રાજ્ય સરકારને યાદ કરાવી છે.

વધુમાં વરસાદ નથી, જેથી ઘાસચારાની સમસ્યા પણ ખૂબ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં સરકાર પશુઓ માટેના ખાણદાણમાં પણ રાહત આપે અને તેમાં પણ સરકાર સબસિડી સાથેનું ખાણદાણ પશુપાલકોને પૂરું પાડવામાં આવે તેવી માંગ આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. જેમાં ભારતીય કિસાન સંઘના મંત્રી મનસુખભાઈ પટોડિયા, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ બુહા, ખેડૂત જે. કે. કાગડા અને દેવદાન સિસોદિયા પણ સાથે રહ્યા હતા અને તેમણે તેમની રજૂઆત રાજ્ય સરકારને કલેક્ટર મારફતે કરી છે.
આ પણ વાંચો...

