ગીરના ઘાસિયા મેદાનોમાં ફરીથી જોવા મળશે 'સ્થાનિક ઘાસોની પ્રજાતિ', વન વિભાગે ભારતના આ પ્રોજેક્ટની કરી શરૂઆત
400 હેક્ટર વિસ્તારમાં જંગલી ગણાતા કુવાડીયાના છોડને આધુનિક ઢબે દૂર કરીને મૂળ ગીરના ઘાસનું વાવેતર કરવાનું શરૂ થયું છે.

Published : December 31, 2025 at 4:32 PM IST
જુનાગઢ : જિલ્લામાં ભારતનો પ્રથમ અને સૌથી મોટો ગીર ગ્રાસ લેન્ડ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. 400 હેક્ટર વિસ્તારમાં જંગલી ગણાતા કુવાડીયાના છોડને આધુનિક ઢબે દૂર કરીને મૂળ ગીરના ઘાસનું વાવેતર કરવાનું શરૂ થયું છે. જે ગીરમાં જોવા મળતા હરણ, રોજ, ચિંકારા, ચોશીંગા, નીલગાય અને માલધારીના પશુઓ માટે આશીર્વાદ સમાન બનશે. જેને કારણે જંગલનો રાજા સિંહ જંગલમાં રહીને પોતાનો ખોરાક પ્રાપ્ત કરશે, તો નવા પ્રોજેક્ટથી તૃણાહારી પ્રાણીઓને પણ જંગલમાં જ ખોરાકની વ્યવસ્થા માટે પ્રોજેક્ટ ગ્રીન ગ્રાસ લેન્ડ મહત્વનો બનશે.
ભારતનો પ્રથમ પ્રોજેક્ટ ગ્રીન ગ્રાસલેન્ડ ગીરમાં થશે શરૂ
ગીર એશિયામાં એકમાત્ર સિંહોના અંતિમ ઘર રૂપે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઘાસિયા મેદાનો ગિરનાર તૃણાહારી પ્રાણીઓ માટે જીવન નિર્વાહન અને પોષણ કડીનું સૌથી મોટું અને સબળ માધ્યમ બની રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે ગીરના ઘાસિયા મેદાનોમાં છોડનું આક્રમણ એટલી હદે વધી ગયું છે. આજે ગીરમાં ઘાસિયા મેદાનોની જગ્યા પર કુવાડીયાનો છોડ જોવા મળે છે. જેને કારણે ગીરના જંગલ વિસ્તારમાં તૃણાહારી અને માલધારીઓના દુધાળા પશુઓ માટે ઘાસચારાનો વિકટ પ્રશ્નો ઉભો થયો છે, તેમાંથી બહાર નીકળવા માટે વન વિભાગે દેશના પ્રથમ અને સૌથી મોટા પ્રોજેક્ટ ઓપરેશન ગીર ગ્રાસલેન્ડ શરૂ કર્યું છે.
જેમાં કુવાડીયાના જંગલી છોડને દૂર કરીને તેની જગ્યા પર પહેલા જોવા મળતા સ્થાનિક ઘાસોના બીજોનું વાવેતર કરીને ફરીથી એક વખત ગીરના ઘાસિયા મેદાનો વાસ્તવિક રીતે સ્થાનિક ઘાસથી લીલા જોવા મળે તે માટેના પ્રયાસો વન વિભાગે શરૂ કર્યા છે.
ઘાસીયા મેદાનો ગીરની પોષણ કડી
ગીર સિંહની સાથે સાત થી આઠ જાતના તૃણાહારી પ્રાણીઓની સાથે ગિરના નેસમાં રહેતા માલધારીઓના પશુધન માટે પણ ઘાસિયા મેદાનો જીવન નિર્વહન માટે એકમાત્ર આધાર હતું, પરંતુ ધીમે ધીમે આ ઘાસિયા મેદાનોની જગ્યા પર જંગલી એવા કુવાડિયા ના છોડે આક્રમક રીતે સમગ્ર ગીર જંગલમાં પોતાનું વર્ચસ્વ ઉભું થયું હતું. જેને કારણે જંગલમાં રહેતા તૃણાહારી પ્રાણીઓના અસ્તિત્વ પર ખૂબ મોટો ખતરો આવી શકે છે, આવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ગીરના જીવન માટે ઘાસિયા મેદાનો મૂળભૂત રીતે આધાર સ્તંભ માનવામાં આવતા હતા. જેને કારણે હવે ગીરમાં ઓપરેશન ગ્રીન ગ્રાસલેન્ડ અંતર્ગત જંગલી કુવાડિયાને દૂર કરવાનું અભિયાન શરૂ થયું છે. જેમાં 400 હેક્ટર વિસ્તારમાં કુવાડીયાને દૂર કરીને અહીં સ્થાનિક ઘાસોનું વાવેતર કરવામાં સફળતા મળી છે.

ગીરની ફળદ્રુપ જમીનને પુષ્કળ નુકસાન
ગીર જંગલની ફળદ્રુપ માનવામા આવતી જમીનને કુવાડિયાના જંગલી છોડ દ્વારા ખૂબ મોટું નુકસાન થતું હતું. જેને કારણે તૃણાહારી પ્રાણીઓ માટે જંગલમાં ખોરાક ઓછો થતાં તે કેટલાક કિસ્સામાં જંગલની બહાર નીકળી જતા હતા. જેની પાછળ પાછળ સિંહ પણ શિકાર માટે કેટલાક કિસ્સામાં જંગલની બહાર જેવા મળતા હતા. આ સમસ્યાનું નિરાકરણ પણ પ્રોજેક્ટ ગીર ગ્રાસલેન્ડમાં શક્યતાઓ જોવા મળી રહે છે.

ગીર જંગલમાં જ તૃણાહારી પ્રાણીઓ માટે કે જેમાં હરણ, નીલગાય, રોજ, ચોશીંગા, ચિંકારા અને માલધારીના પશુઓ માટે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક લીલો ઘાસચારો અને ચરિયાણ ઉપલબ્ધ બનશે. જેને કારણે તૃણાહારી જંગલી પ્રાણીઓ અને માલધારીઓના માલ ઢોરને જંગલમાં જ ખોરાક મળી શકે છે.

જેથી સિંહોને તેમનો ખોરાક શોધવા માટે જંગલની બહાર નીકળવું નહીં પડે, તે દ્રષ્ટિએ પણ પ્રોજેક્ટ ગ્રીન ગ્રાસલેન્ડ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. જેમાં આજે 400 હેક્ટર જંગલ વિસ્તારમાં કુવાડીયાની જગ્યા પર ગીરના સ્થાનિક ઘાસોનું વાવેતર કરવામાં સફળતા પણ મળી છે.

પહેલા કુવાડીયાના નિયંત્રણ અને મળી હતી નિષ્ફળતા
છેલ્લા કેટલાક વર્ષથી સતત આક્રમક રીતે જંગલ વિસ્તારમાં વધી રહેલા કુવાડિયાના છોડને નિયંત્રિત કરવા માટે વન વિભાગે કેટલાક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ગ્રાસ લેન્ડ રિવાઇવલ મિશન અંતર્ગત નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જેમાં આધુનિક મશીનોનો ઉપયોગ કરીને વન વિભાગના કર્મચારી અને ગીર જંગલમાં રહેતા માલધારીઓના યુવકોનો સહયોગ લઈને કુવાડીયાનો છોડ ફૂલ અને બીજ અવસ્થાએ પહોંચે તે પૂર્વે જ તેને જમીનને સમાંતર કાપીને તેના અસ્તિત્વને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


જેમાં ખૂબ ઝડપથી સફળતા મળતા વન વિભાગે જે જગ્યા પર વર્ષો પહેલા ગીરનું સ્થાનિક ઘાસ કે છે. તૃણાહારી પ્રાણીઓ માટે આહાર કડીના રૂપમાં જોવા મળતું હતું. તેને નવેસરથી ઉત્પાદિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. જેમાં વન વિભાગના કેટલાક કર્મચારીઓ સ્થાનિક માલધારી અને ખેડૂતોનો સહયોગ મેળવીને આ પ્રોજેક્ટને આજે સફળ બનાવવામાં આવી રહ્યો છે. જે આવનારા દિવસોમાં સમગ્ર ગીર વિસ્તારમાં ક્રમશઃ આગળ વધારવાનું વન વિભાગનો પાયલેટ પ્રોજેક્ટ પણ શરૂ થયો છે. જે જંગલમાં જોવા મળતા તૃણાહારી પ્રાણીઓની સાથે ગીરના નેસોમાં વસવાટ કરતા માલધારીઓના પશુધન માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો...

