ETV Bharat / state

જુનાગઢ: ખેતરના પાળા બન્યા આ બે ગામ વચ્ચે વિવાદનું કેન્દ્ર, વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

ગત 9મી જૂન 2026ના દિવસે જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ પાડોદર ગામના ખેડૂતોએ ખેતરની ફરતે બનાવેલા પાળા દૂર કરવા તાલુકાના અધિકારીઓને આદેશ કર્યો હતો.

પાળા બન્યા આ બે ગામ વચ્ચે વિવાદનું કેન્દ્ર
પાળા બન્યા આ બે ગામ વચ્ચે વિવાદનું કેન્દ્ર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 5, 2026 at 8:03 AM IST

|

Updated : July 5, 2026 at 9:09 AM IST

4 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: કેશોદ તાલુકાના પાડોદર અને મઢડા ગામના ખેડૂતો વચ્ચે એક અચરજ પમાડે તેવો વિવાદ પાછલા કેટલાક વર્ષોથી સતત ચાલી રહ્યો છે, જેનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા મઢડા ગામના ખેડૂતોની જમીન પાડોદર ગામના ખેડૂતોએ ખેતરની ફરતે કરેલા પાળાને કારણે ચોમાસામાં નદી જેવી બની જાય છે, જેને કારણે મઢડા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

9મી જૂન 2026ના દિવસે જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા પાડોદર ગામના ખેડૂતોએ ખેતરની ફરતે બનાવેલા પાળા દૂર કરવા તાલુકાના અધિકારીઓને આદેશ કર્યો હતો. તેમ છતાં આ પાળા દૂર ન થતા આજે મઢડા ગામના ખેડૂતોની ખેતીલાયક જમીન નદી અને સરોવરમાં પરિવર્તિત થઈ ગયેલી જોવા મળે છે, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કેશોદ તાલુકાના પાડોદર અને મઢડા ગામના ખેડૂતો વચ્ચે પાળા વિવાદ (Etv Bharat Gujarat)

બે ગામના ખેડૂતો વચ્ચે વિવાદનું કારણ પાળા

કેશોદ તાલુકામાં પડેલા વરસાદને કારણે વરસાદી પાણી મધુવંતી અને સાબળી નદી માંથી પસાર થઈને પાડોદર અને મઢડા નજીકથી પસાર થતી બડોદરી નદીમાં ભળે છે, જેને કારણે બડોદરી નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય છે, જેથી મઢડા ગામના ખેડૂતોની ખેતીલાયક જમીન ચોમાસામાં સરોવર અને નદી જેવી બની જાય છે, તેની પાછળ પાડોદર ગામના ખેડૂતોએ ખેતરની ફરતે કરવામાં આવેલા માટીના પાળાને કારણ ભૂત માનવામાં આવી રહ્યા છે. મઢડા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરતા કલેક્ટરે સમગ્ર મામલામાં સર્કલ ઓફિસર, ગામના તલાટી, મામલતદાર અને પ્રાંત અધિકારીને પંચરોજ કામ કરીને રિપોર્ટ સોંપવાનું કામ સોંપ્યુ હતું. ત્યારે જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા 9 મી જૂન 2026ના દિવસે પંચ રોજકામને આધારે પાડોદર ગામના ખેડૂતો દ્વારા ખેતરની ફરતે કરેલા માટીના પાળાને તોડી નાખવાનો હુકમ કર્યો હતો. જેની અમલવારી ન થતા બે દિવસ પૂર્વે કેશોદમાં પડેલા અતિભારે વરસાદને કારણે ફરી એક વખત મઢડા ગામના ખેતરો નદી અને સરોવર સમાન બની ગયા છે, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

પાડોદરના ગામના ખેડૂતોએ કરેલા પાળાથી મઢડા ગામના ખેડૂતોના ખેતર નદી કે સરોવર જેવા બની જાય છે
પાડોદરના ગામના ખેડૂતોએ કરેલા પાળાથી મઢડા ગામના ખેડૂતોના ખેતર નદી કે સરોવર જેવા બની જાય છે (Etv Bharat Gujarat)

મધુવંતી સાબળી અને બડોદરી નદીના પાણીનો ભરાવો

પાડોદર અને મઢડા ગામના ખેડૂતોની આ સમસ્યા પાછળ મધુવંતી, સાબળી અને બડોદરી નદીને મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. આ વિસ્તારમાંથી પસાર થતી બડોદરી નદી જોનપુરથી ફંટાઈને પાડોદર સુધી આવે છે. જેમાં મધુવંતી અને સાબળી નદીનું પાણી પણ બડોદરી નદીમાં ભળે છે, જેથી એક સાથે ત્રણ નદીનું પાણી ચોમાસા દરમિયાન બડોદરી નદીથી ખેતરોને જળબંબાકાર કરી મૂકે છે. વર્ષ 2019માં આ પ્રકારે સમસ્યા સર્જાઇ હતી ત્યારે કેશોદ મામલતદાર દ્વારા ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા માટીના પાળાને તોડી નાખતા આ સમસ્યાનો જે તે સમયે કામ ચલાઉ નિરાકરણ થયું હતું, પરંતુ ફરીથી આ સમસ્યા મઢડા ગામના ખેડૂતોને પરેશાન કરી રહી છે ખેડૂતો એવું માની રહ્યા છે કે આ વિસ્તાર માંથી પસાર થતી અન્ય એક સ્થાનિક ટીલોડી નદીને ઊંડી કરીને તેમાં બડોદરી નદીનું પાણી ભેળવવામાં આવે તો આ વિવાદનો અંત આવી શકે છે.

પાડોદર અને મઢડા ગામના ખેડૂતો ખેતરની ફરતે કરેલા પાળાને લઈને વિવાદ
પાડોદર અને મઢડા ગામના ખેડૂતો ખેતરની ફરતે કરેલા પાળાને લઈને વિવાદ (Etv Bharat Gujarat)

પૂર્વ અને પશ્ચિમની જમીન પણ કારણભૂત

પાડોદર અને મઢડા ગામના ખેડૂતોની વચ્ચે ખેતરની ફરતે બનેલા માટીના પાળા વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે. તેમાં પૂર્વ અને પશ્ચિમનીની જમીનનો ભૌગોલિક આકાર પણ કારણભૂત માનવામાં આવે છે. પૂર્વની ખેતીલાયક જમીન ઊંચાઈ પર આવેલી છે, તો બીજી તરફ પશ્ચિમની ખેતીલાયક જમીન નિચાણ પર આવેલી છે. જેથી નદીના પાણીનો પ્રવાહ અકુદરતી રીતે અવરોધાય છે. જેના કારણે ખેતરની ફરતે બનેલા પાળા કુદરતી રીતે પાણીના નિકાલને અવરોધે છે, જેથી મઢડા ગામના ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે.

ખેતરના પાળાને લઈને વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ
ખેતરના પાળાને લઈને વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ (Etv Bharat Gujarat)

પાણીના નિકાલ નો કુદરતી સોર્સ લાંબડી પણ બુરાયો

પાડોદર અને મઢડા ગામના ખેડૂતો વચ્ચે ખેતરના પાળાનો જે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં આજથી વર્ષો પૂર્વે આ જ વિસ્તારમાં અસ્તિત્વમાં રહેલો લાંબડીનો પાળો પણ બુરાઈ જતા તેનું પાણી બડોદરી નદીમાં પહોંચી જાય છ, જેથી એક સાથે ત્રણ નદીનું પાણી મઢડા અને પાડોદર પાસે બડોદરી નદીમાં એકઠું થાય છે. જેને કારણે બડોદરી નદીનો કુદરતી પાણીનો પ્રવાહ ફટાઈને મઢડા ગામ તરફ જાય છે. જેથી મઢડાના ખેડૂતોને પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે, જેને ધ્યાને રાખીને કલેક્ટર દ્વારા 2જી એપ્રિલ 2026ના દિવસે બંને ગામ વચ્ચે વિવાદનું પંચરોજ કામ કરીને વિગતવાર અહેવાલ આપવાની તાકીદ કલેકટર દ્વારા કરાઇ હતી. તે અહેવાલ બાદ પાડોદર ગામમાં ખેડૂતોએ બનાવેલા માટીના પાળાને તોડી પાડવાનો આદેશ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા પ્રાંત અધિકારી કેશોદને કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ પાળા દૂર ન થતા ફરી એક વખત મઢડા ગામની ખેતીલાયક જમીન ચોમાસામાં નદી અને સરોવરમાં પરિવર્તિત થઈ ગયેલી જોવા મળે છે.

ગત 9મી જૂન 2026ના દિવસે જુનાગઢ જિલ્લા કલેકટરે પાળા તોડવા માટે કર્યો હતો હુકમ
ગત 9મી જૂન 2026ના દિવસે જુનાગઢ જિલ્લા કલેકટરે પાળા તોડવા માટે કર્યો હતો હુકમ (Etv Bharat Gujarat)

નદીને ઊંડી અને પહોળી કરવાની જરૂરિયાત

પાડોદર, અખોદર મઢડા જોનપુર જેવા ગામોનો સમાવેશ ઘેડ વિસ્તારમાં થાય છે, ત્યારે અહીંથી પસાર થતી સાબળી નદીના પ્રવાહને કુદરતી પ્રવાસ સાથે ભેળવીને પુર સંરક્ષણ દિવાલ બનાવીને નદીના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે તો પૂરનું પાણી કુદરતી વહેણ મારફતે ગામની બહાર નીકળી જાય વધુમાં બડોદરી નદી પણ છીછરી થઈ ગયેલી હોવાથી તેને ઊંડી ઉતારવામાં આવે તો પાણી સંગ્રહ કરવાની શક્તિ બડોદરી નદીની વધી જાય, જેથી પાણી નદીના કાંઠા વટાવીને ખેતરો સુધી ન પહોંચે. જો આ પ્રકારે નદીને પહોળી અને ઊંડી કરવાની સાથે નદીના કાંઠાને પુર સંરક્ષણ દિવાલ થી રક્ષિત કરવામાં આવે તો જોનપુર, મઢડા, પાડોદર અને અખોદર ગામ કે જે ચોમાસા દરમિયાન પૂરની સ્થતિ માં પાછલા ત્રણ દશકાથી સપડાઈ રહ્યા છે, તેમાંથી કાયમી ધોરણે આ ગામોનો નિકાલ થઈ શકે છે, વધુમાં મધુવંતી અને સાબળી નદીના ફંટાયેલા પાણીના પ્રવાહને પુન સ્થાપિત કરવામાં આવે તો પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે તેમ છે.

  1. 'મારોય એક જમાનો હતો કોણ માનશે' ?, જુનાગઢની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે લોકોએ ઉઠાવ્યો અવાજ
  2. પૂરના પાણી ફસાઈ ઈકો કાર અને રીક્ષા, જૂનાગઢ ફાયર બ્રિગેડે કર્યુ 19 લોકોનું રેસ્ક્યુ
Last Updated : July 5, 2026 at 9:09 AM IST