ETV Bharat / state

જુનાગઢ: સાત મહિનાથી ફરાર ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા રાજસ્થાનના અજમેરથી ઝડપાયો

પોલીસની પકડમાં આવેલા ધીરેન કારીયા પર ગુજરાત અને દિલ્હીમાં મળીને કુલ 61 જેટલા ગુનાઓ નોંધાયા છે.

જુનાગઢ: સાત મહિનાથી ફરાર ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા રાજસ્થાનના અજમેરથી ઝડપાયો
જુનાગઢ: સાત મહિનાથી ફરાર ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા રાજસ્થાનના અજમેરથી ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 9:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: પાછલા સાત મહિનાથી જુનાગઢ પોલીસની ચોપડે GUJCTOC ગુનામાં ગેંગ લીડર તરીકે ફરાર રહેલા ગુજરાતના ટોપ-25 લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને આજે રાજસ્થાનના અજમેર નજીકથી પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. ધીરેન કારીયા પરપ્રાંતિય દારૂના વેપાર સાથે સંકળાયેલો હતો. દમણ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિતના વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા ધીરેન કારીયા અને તેની ટોળકીના આઠ સભ્યો સામે પોલીસે GUJCTOCનો ગુનો નોંધ્યો હતો, જેમાં આજે મુખ્ય આરોપી ધીરેન કારીયા પોલીસની પકડમાં આવ્યો છે.

સાત મહિના બાદ લિસ્ટેડ આરોપી પોલીસની પકડમાં

પાછલા સાત મહિનાથી GUJCTOCનો મુખ્ય આરોપી અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દમણથી પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ધીરેન કારીયા સામે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 60 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. તેને પકડવા માટે જુનાગઢ પોલીસે એક મહિના પહેલાં માહિતી આપનારને રોકડ ઈનામની જાહેરાત કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે આજે ધીરેન કારીયાને રાજસ્થાનના અજમેર જિલ્લાના આદર્શનગર વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મળી છે.

જુનાગઢ: સાત મહિનાથી ફરાર ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા રાજસ્થાનના અજમેરથી ઝડપાયો (ETV Bharat Gujarat)

ગેંગના આઠ આરોપીઓ અગાઉ પોલીસ પકડમાં

ધીરેન કારીયાની ગેંગના આઠ આરોપીઓ અગાઉ પોલીસની પકડમાં આવી ચૂક્યા છે, જેમની સામે સંગઠિત અપરાધના ગુનાઓ નોંધાયા છે. પકડાયેલા આ આરોપીઓમાં ધીરેન કારીયાના એક પુત્રને પણ ટોળકીના સભ્ય તરીકે અટકાયત કરવામાં આવી હતી. જોકે, મુખ્ય આરોપી અને ટોળકીનો લીડર ધીરેન કારીયા પોલીસની પકડથી ફરાર રહ્યો હતો, જેને હવે પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ધીરેન કારીયા પર ગુજરાત અને દિલ્હીમાં કુલ 61 ગુનાઓ

પોલીસની પકડમાં આવેલા ધીરેન કારીયા પર ગુજરાત અને દિલ્હીમાં મળીને કુલ 61 જેટલા ગુનાઓ નોંધાયા છે. મોટા ભાગના ગુનાઓ પરપ્રાંતિય દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંબંધિત છે, તેમજ દિલ્હીમાં બોગસ પાસપોર્ટના એક કેસમાં પણ તેની સામે ફરિયાદ નોંધાઈ છે. ધીરેન કારીયા સામે જુનાગઢ સહિત રાજકોટ, દ્વારકા, જામનગર, અમદાવાદ, મોરબી, પોરબંદર, અમરેલી, કચ્છ, ભાવનગર અને દિલ્હીમાં 61 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આજે તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પરપ્રાંતિય દારૂની હેરાફેરી માટે અટકાયત કરવામાં આવી છે. જુનાગઢની A અને C ડિવિઝન તેમજ વિસાવદરમાં તેની સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે, જેમાં તે ફરાર હતો.

આ પણ વાંચો: