હોળી પર્વે જુનાગઢમાં બે મિત્રો વચ્ચે રમાઈ 'લોહીની હોળી', જાણો શું હતો સમગ્ર મામલો ?
હોળીના દિવસે મજાક મજાકમાં બે મિત્રો બાખડયા દરમિયાન એક મિત્રએ બીજાએ મિત્રને છરી મારી દેતા તેનું મોત નીપજ્યું હતું.

Published : March 4, 2026 at 2:23 PM IST
|Updated : March 4, 2026 at 2:29 PM IST
જુનાગઢ: હોળીના દિવસે જુનાગઢમાં મજાક કરવા જેવી બાબતમાં બે મિત્રો કડીયાવાડ વિસ્તારમાં બાખડી પડ્યા હતા. જેમાં મૃતક રાસીષ સોલંકીને તેના જ મિત્ર રોનક ચૌધરી દ્વારા છરી મારી દેતા ખૂબ જ ગંભીર હાલતમાં રાશિષને રાજકોટ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતાં પોલીસે રાશિષને મોતને ઘાટ ઉતારનાર તેના આરોપી મિત્ર રોનક ચૌધરીને ઝડપી પાડ્યો છે
હોળીના દિવસે મિત્રના હાથે મિત્રની હત્યા
હોળીનો તહેવાર જુનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં મિત્રતા પર કલંક લગાડતા કિસ્સા સાથે સમાપ્ત થયા હોળીનો તહેવાર મજાક મસ્તી અને પ્રેમ ભાવનો તહેવાર હોય છે, પરંતુ આ જ દિવસે બે મિત્રો રાશિષ સોલંકી અને રોનક ચૌધરી વચ્ચે સામાન્ય બાબતમાં શહેરના કડિયાવાડ વિસ્તારમાં મજાક મજાકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, અને ત્યાર બાદ બંને મિત્રો વચ્ચે ખૂબ જ ઉગ્ર વાતાવરણ ઊભું થતાં રોનક ચૌધરીએ તેની પાસે રહેલી છરી વડે મૃતક રાશિષ સોલંકીના પગના ભાગે મરણતોલ ઈજા કરતા ખૂબ જ ગંભીર હાલતમાં રાશિષને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતા જુનાગઢ એ ડિવિઝન પોલીસે રાશિષ સોલંકીના મોતની ઘટનામાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને પકડ્યો
હોળીના દિવસે હત્યા જેવી ઘટના ઘટતા પોલીસ પણ ખૂબ જ સતર્કતા સાથે ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરતાં સમગ્ર મામલામાં પોલીસને એક પછી એક કડી તુરંત મળતી સામે આવી, મૃતક અને જીવલેણ હુમલો કરનાર બંને યુવાનો એક બીજાના મિત્ર હતા. મૃતક રાશિષ સોલંકી જુનાગઢ તાલુકાના જામકા ગામનો અને રોનક ચૌધરી જુનાગઢના ભાડાના મકાનમાં રહેતા બંને મિત્રો હતા. હોળીના દિવસે કડીયાવાડ વિસ્તારમાં બંને મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને મજાક-મજાકમાં મામલો ઉગ્ર બન્યો અને ખૂબ જ ઉશ્કેરાટમાં રોનકે તેના મિત્ર રાશિષની હત્યા કરી નાખી.
હાલ પોલીસ પકડમાં રહેલા રોનક ચૌધરીની જુનાગઢ એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે, એક મિત્રએ કયા કારણોસર અન્ય એક મિત્રને છરી મારીને ગંભીર ઇજા કરી તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. તો વધુમાં બંને મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો કઈ રીતે ઉગ્ર બન્યો તેમજ સમગ્ર મામલામાં અન્ય કોઈ પ્રકરણો કારણભૂત છે કે કેમ તે દિશામાં પણ જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ અનિરુદ્ધસિંહ ગોહિલ તપાસ કરી રહ્યા છે.

