જુનાગઢમાં આયુષ્ય મેળાનું આયોજન, વિદ્યાર્થીઓએ ઔષધિઓમાંથી બનાવી 17 જેટલી રેસીપી
ગુજરાતની ત્રણ કોલેજના 45 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને 17 જેટલી રેસીપી તૈયાર કરી હતી.

Published : February 27, 2026 at 4:30 PM IST
જુનાગઢ : આયુર્વેદિક કોલેજ ખાતે ત્રણ દિવસના આયુષ્ય મેળાનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢની સાથે ગુજરાતમાં આવેલી કેટલીક આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સામેલ થયા હતા અને ખાસ વસંતઋતુમાં ખાઈ શકાય તેવી આયુર્વેદિક ઔષધિઓ સાથેની રેસીપી ગુજરાતની ત્રણ કોલેજના 45 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને 17 જેટલી રેસીપી તૈયાર કરી હતી.
આ રેસીપીમાં ખાસ વસંત ઋતુને ધ્યાને રાખીને તળ્યા કે બાફ્યા વગરની વાનગી બનાવવામાં આવી હતી. આ 17 વાનગીઓને આગામી દિવસોમાં ગુજરાતની આયુર્વેદિક કોલેજની વેબસાઈટ પર પણ લોકો વાંચી જોઈ અને ઘરે બનાવી શકે તે માટે પ્રસિદ્ધ પણ કરવામાં આવશે.
આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બનાવી રેસીપી
જુનાગઢ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય ખાતે 3 દિવસ આયુષ મેળાનું આયોજન થયું હતું. જેમાં આયુર્વેદની દ્રષ્ટિએ અને આરોગ્ય સાથે ખૂબ જ નજીકથી સંબંધ ધરાવતા વિવિધ વિષયોને લઈને આયુર્વેદનો અભ્યાસ કરતા ભાવિ તબીબો અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા અધ્યાપકો દ્વારા આયુર્વેદના દ્રષ્ટિકોણથી વિવિધ વાનગી પણ બનાવી હતી. જેમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજના 45 જેટલા વિદ્યાર્થીઓએ એક સાથે ભાગ લઈને 17 જેટલી વાનગી બનાવી હતી. જેમાં આયુર્વેદની દ્રષ્ટિએ તેમજ વર્તમાન સમય અને વાતાવરણને અનુકૂળ પ્રત્યેક શરીર માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે તેવી વાનગી બનાવીને પીરસી હતી.

વસંત ઋતુને ધ્યાને રાખીને બની વાનગી
આયુર્વેદનું તબીબી શાસ્ત્ર ઋતુચક્રને આધીન બનાવવામાં આવ્યું છે. જેથી આયુર્વેદમાં ઋતુ અનુસાર ખોરાક ખાવાની પણ ભલામણ કરવામાં આવી છે, ત્યારે હાલ વસંત ઋતુ ચાલી રહી છે. આયુર્વેદમાં વસંત ઋતુને કફની ઋતુ તરીકે માનવામાં આવે છે. જેથી આ ઋતુ દરમિયાન કફનો ઉપદ્રવ ન કરે તેમજ જે વ્યક્તિમાં કફનું પ્રમાણ જોવા મળે છે, તેનું શમન થાય તેવી ખાદ્ય ચીજોની બનાવટ કરવામાં આવી હતી. જેમાં બ્લોસમ બાઈટ, છત્રોરી, ચંપા ધ અગ્નિ લિગ્નાઇટ, ટીમ, ત્રિદોષા, તડકા, વસંત રસાયણ, પથિયા, ગ્રીન બાઈટ, સત્તુ, મોરીગા, બાઈટ બાજરા, પાલક, કબાબ, કુલત્થ, ઉત્તપમ, રસમ, પાનકમ, યવસુપ, યવ, ચાઉમીન, પનાક અને મેથી ધાણા, સુપ જેવી 17 જેટલી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી.


અધ્યાપકો અને વિદ્યાર્થીનો પ્રતિભાવ
જુનાગઢ આયુર્વેદિક મહાવિદ્યાલયના વૈદ્ય ક્રિષ્નાબેન માકડીયાએ ETV ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતમાં, લોકોના આરોગ્ય અને તેમાં પણ ઋતુચક્રને ધ્યાને રાખીને આ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હોવાનું જણાવ્યું. જેમાં વસંત ઋતુમાં બાફેલું કે તળેલું ખાવાની મનાઈ હોય છે. જેથી આ ઋતુમાં શેકેલા ખોરાકને શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી તમામ સ્પર્ધકો આ પ્રકારના ઋતુચક્રના નિયમને ધ્યાને રાખીને તમામ રેસીપીઓ બનાવી હતી, તો સ્પર્ધામાં ભાગ લેનાર કોલેજની વિદ્યાર્થીની ખુશી પટેલે પણ કોલેજ દ્વારા આપવામાં આવેલા વિષય અને ખાસ કરીને વસંત ઋતુને ધ્યાને રાખીને ડેઝર્ટ, ભોજન અને સુપ તૈયાર કર્યુ હતું.
આ પણ વાંચો...

