આવતીકાલે શનિવારે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરતી મેળો, લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીમાં નોકરીની તક
આવતીકાલે 15 નવેમ્બરના રોજ જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સવારે 10:30 વાગ્યાથી વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Published : November 14, 2025 at 8:04 AM IST
જુનાગઢ: લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોડાઈને કારકિર્દી બનાવવા માંગતા બેરોજગાર યુવાનો માટે રોજગાર કચેરીએ મોટી તક પુરી પાડી છે. આવા તમામ ઉમેદવારો માટે આવતીકાલે 15 નવેમ્બરના રોજ જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સવારે 10:30 વાગ્યાથી વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી કંપનીના લાઈફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં વિવિધ પદો પર ભરતી કરવાનું આયોજન છે. જેમાં લઘુતમ શૈક્ષણિક મર્યાદા SSC થી લઈને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કોઈપણ ઉમેદવાર રુબરુમાં અથવા તો અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન એપ્લિકેશન કરીને રોજગાર મેળામાં સામેલ થઈ શકે છે.
બેરોજગારો માટે રોજગારીની તક
15 નવેમ્બરે સવારે 10:30 કલાકે સરદાર બાગ સ્થિત આવેલ જિલ્લા રોજગાર કચેરી ખાતે વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેરોજગાર યુવાનો પોતાની કારકિર્દી લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં શરૂ કરવા માગતા હોય તેવા ઉમેદવારો માટે ખાસ ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ભરતી મેળામાં ખાનગી વીમા કંપની HDFC લાઇફ ઇન્શ્યોરન્સ અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપનીમાં ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ, સેલ્સ મેનેજર અને પાર્ટનર જેવા વિવિધ પદો પર બેરોજગાર અને ફ્રેશર ઉમેદવારોની ભરતી કરવા માટે કંપનીના અધિકારીઓ આવી રહ્યા છે.
આ ભરતી મેળામાં સામેલ થવા માગતા બેરોજગાર યુવાનો પાસેથી SSC થી લઈને સ્નાતક કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત ઈચ્છનીય માનવામાં આવી છે. ઉમેદવારનો અનુભવ અને તેની શૈક્ષણિક લાયકાતને ધ્યાને રાખીને તેની પસંદગી અને પગાર ધોરણ નક્કી કરવામાં આવશે. રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત થનાર તમામ ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. તેમજ જિલ્લા રોજગાર કચેરી ખાતે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. જે ઉમેદવાર પોતાની ઉમેદવારી અનુબંધમ પોર્ટલ અંતર્ગત કરવા માંગતા હોય તેમણે તેમની અરજી http:| |anubandhm.gujarat.gov.in પર કરીને રોજગાર ભરતી મેળામાં આવી શકે છે.

