જેતપુર-રાજકોટ હાઇવે પર ભયાનક અકસ્માત, મચ્છીના કન્ટેનર નીચે દટાઈ જતા 1 રાહદારી અને 1 બાઈક સવારનું મોત
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ભાદર નદીના પુલ નજીક મચ્છી ભરેલા કન્ટેનર, બસ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત.

Published : March 3, 2026 at 3:59 PM IST
રાજકોટ: જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ભાદર નદીના પુલ નજીક એક ખૂબ જ ભયાનક અકસ્માત થયો છે. મચ્છી ભરેલી ભારે લોડવાળી ટ્રક, બસ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં મચ્છી ભરેલા કન્ટેનરનું લોક ખુલી જતા કન્ટેનર પાછળ આવતી બસ સાથે અથડાયું અને પછી કન્ટેનર નીચે પલટીને પડી ગયું. આ કન્ટેનર નીચે પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર અને એક રાહદારી દબાઈ જતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મૃતકોમાં ગોંડલના રહેવાસી કરણ નિલેશભાઈ દાણીધારિયા અને જેતપુરના સરધારપુર ગામના 45 વર્ષીય ભાભલુભાઈ વાસુરભાઈ લાલુનો છે. કરણભાઈ હોળીના તહેવાર માટે પોતાના ભાણેજનાં ઘરે આંટો મારવા જેતપુર આવ્યા હતા. પરત ગોંડલ જતી વખતે આ અકસ્માતમાં તેમનું અકાળે મૃત્યું થયું હતું.
અકસ્માત બાદ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચીને ક્રેન મંગાવીને કન્ટેનર ઉઠાવીને બંને મૃતકોના મૃતદેહને જેતપુરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

હાલ પોલીસે હેવી લોડવાળી ટ્રકના ચાલકને અટકાયતમાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના સમયે આવા અકસ્માતથી બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો:

