ETV Bharat / state

જન્માષ્ટમી પર દ્વારકા જવાનું વિચારો છો? તો દર્શનનો નવો સમય જાણી લો

દેવભૂમિ દ્વારકામાં 4 સપ્ટેમ્બરે શ્રાવણ વદ આઠમના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

દેવભૂમિ દ્વારકામાં 4 સપ્ટેમ્બરે શ્રાવણ વદ આઠમના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે
દેવભૂમિ દ્વારકામાં 4 સપ્ટેમ્બરે શ્રાવણ વદ આઠમના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 31, 2026 at 5:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

દેવભૂમિ દ્વારકા: દ્વારકાધામમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આગામી 4 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ શ્રાવણ વદ આઠમના દિવસે દ્વારકાધામમાં જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ ઉજવાશે. દ્વારકાધીશની નગરીમાં જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જન્માષ્ટમી પર્વને લઈને શ્રી દ્વારકાધીશ મંદિર તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ મહત્વની માહિતી આપી છે.

તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ (Etv Bharat Gujarat)

જન્માષ્ટમીના દિવસે ભગવાનના દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને આખા દિવસનું ખાસ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

સવારથી બપોર સુધીના દર્શનનો સમય

  • જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થશે.
  • સવારે 6 થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન થશે.
  • સવારે 8 થી 9 વાગ્યા સુધી ખુલ્લા પડદે શ્રીજીના સ્નાનના દર્શન ભક્તો કરી શકશે.
  • સવારે 9 થી 9:45 વાગ્યા સુધી મંદિરમાં ભીતર પૂજા હોવાથી દર્શન બંધ રહેશે.
  • 9:45 થી 10 વાગ્યા સુધી દર્શન ફરી ખુલ્લા રહેશે.
  • 10 થી 10:15 દરમિયાન દર્શન બંધ રહેશે.
  • 10:15 થી 10:45 સુધી દર્શન ચાલુ રહેશે.
  • સ્નાન ભોગ અને શૃંગાર ભોગના કારણે 15 મિનિટ દર્શનમાં વિરામ રહેશે.
  • સવારે 11 વાગ્યે શૃંગાર આરતી અને દર્શન થશે.
  • બપોરે 12 થી 12:30 સુધી રાજભોગ દરમિયાન દર્શન બંધ રહેશે.
  • 12:30 થી 1 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે
  • બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

મધરાત્રે થશે જન્મોત્સવની મુખ્ય આરતી

સાંજે 5 વાગ્યે ઉથાપન દર્શન સાથે ફરી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. ત્યારબાદ સાંજના ભોગ અને આરતીના કાર્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. રાત્રે 9 વાગ્યા સુધી દર્શન કર્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે.

જોકે, જન્માષ્ટમીની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ મધરાત્રે ઉજવાશે. રાત્રે 12 વાગ્યાથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની વિશેષ આરતી શરૂ થશે. મધરાત્રિ 12 વાગ્યાથી રાત્રે 2:30 વાગ્યા સુધી ભક્તો માટે જન્મોત્સવના વિશેષ દર્શન ખુલ્લા રહેશે. આ સમયે હજારો ભક્તો નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ સાથે જન્મોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ રાત્રે 2:30 વાગ્યાથી મંદિર બંધ રહેશે.

તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને દર્શનના બદલાયેલા સમયનું ખાસ ધ્યાન રાખવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, જેથી ભીડમાં કોઈને તકલીફ ન પડે અને તમામ ભક્તો સરળતાથી દર્શન કરી શકે.

આ પણ વાંચો...

  1. દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર, અધિક માસ દરમિયાન 17 લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા
  2. દ્વારકા: દિવાળી વેકેશનમાં ભક્તોની મેદની, 6 દિવસમાં 4.46 લાખથી વધુ દર્શનાર્થીઓ