સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ સાથે 4 લાખનું વળતર ચૂકવવા આદેશ, જામનગરની પોક્સો કોર્ટનો ચુકાદો
જામનગરની એક સગીરાને ભોળવીને તેની સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

Published : June 3, 2026 at 8:44 PM IST
જામનગર: જામનગરની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે એક સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે આ કેસના આરોપીને ગુનેગાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કાયદાના આકરા વલણથી સમાજમાં નરાધમો પર એક મજબૂત દાખલો બેસશે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત એવી છે કે, જામનગરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતા સુરેશ ઉર્ફે સૂરિયો મગનભાઈ વાઘેલા નામનો શખ્સ 16 વર્ષ અને ૬ મહિનાની એક સગીરાનો પીછો કરતો હતો. સગીરા જ્યારે શાળાએ કે કારખાનામાં મજૂરી કામે જતી, ત્યારે આરોપી તેની પાછળ જઈને મિત્રતા કરવા માટે સતત દબાણ કરતો હતો.
ધીમે-ધીમે આરોપીએ 'માતાજીના સમ' ખાઈને ભોળી સગીરાનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ તેણે સગીરાને લગ્નની ખોટી લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ કાર્યવાહી અને કોર્ટ ટ્રાયલ
આ સગીરા સાથે બનેલી અમાનવીય ઘટના અંગે જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ IPC કલમ 363, 366, 376(2)(N) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ ચકચારી કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના સ્પે. જજ આર.પી. મોગેરા સમક્ષ ચાલવા પર આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ (DGP) ભારતીબેન વાદીએ પીડિતાના પક્ષે ધારદાર અને ન્યાયસંગત દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ 17 મહત્ત્વના સાક્ષીઓ તપાસ્યા હતા અને ગુનાને સાબિત કરતા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.
અદાલતનો આકરો ચુકાદો
સરકારી વકીલની સચોટ દલીલો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જજ આર.પી. મોગેરાએ આરોપી સુરેશ ઉર્ફે સૂરિયાને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને થયેલા શારીરિક અને માનસિક આઘાતના વળતર રૂપે રૂપિયા 4 લાખ ચૂકવવાનો પણ ઐતિહાસિક હુકમ કર્યો છે. કોર્ટના આ કડક વલણ અને ન્યાયથી પીડિત પરિવારને આશ્વાસન મળ્યું છે અને કાયદાનો ડર ગુનેગારોમાં વધુ મજબૂત થશે.

