જામનગર: મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, 15 જૂને ગાંધીનગરમાં યોજાશે ભવ્ય 'ટ્રેક્ટર રેલી'
હાઈટેન્શન વીજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતો દ્વારા એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published : June 12, 2026 at 2:15 PM IST
જામનગર : જિલ્લાના મોટી બાણુંગર ગામે ખેતીની જમીનમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતો દ્વારા એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂત અગ્રણીઓએ સરકાર સામે બાયો ચડાવતા "હવે તો એક જ ધૂન, 15 જૂન" ના નારા સાથે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે.
આ મહાસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પાલ આંબલીયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન નેતા પાલ આંબલીયાએ સભાને સંબોધતા કહ્યું કે, "ખેડૂતો પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. વીજ લાઈનના વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓને નિર્દયતાથી ઢસડવામાં આવી છે "જે રીતે બહેન-દીકરીઓને ઢસડવામાં આવી છે, ખેડૂતના ઘરના તાળાં તોડવામાં આવ્યા છે અને જગતના તાતને ટૂંપો દેવાનો પ્રયત્ન થયો છે, તે અત્યંત નિંદનીય છે. આ મામલે અમે રાજ્યના ડીજીપી (DGP)ને રૂબરૂ મળીને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસની માંગ કરી છે.
5 મુખ્ય મુદ્દાઓ સાથે 15 જૂને ગાંધીનગર કૂચ
ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને આગામી 15 જૂનના રોજ ગાંધીનગરમાં એક વિશાળ અને શાંતિપૂર્ણ ‘ટ્રેક્ટર રેલી’ યોજશે. આ આંદોલન મુખ્યત્વે નીચેના પાંચ મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે:
- જમીન માપણી અને કાપણી: જમીન માપણીમાં થયેલી વિસંગતતાઓ દૂર કરી યોગ્ય ન્યાય આપવો.
- દેવા માફી: આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ખેડૂતો અને પશુપાલકોના તમામ દેવા સંપૂર્ણ માફ કરવા.
- એમ.એસ.પી. (MSP) ગેરંટી કાયદો: ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોના પોષણક્ષમ ભાવ નક્કી થાય અને MSPનો કાયદાકીય ગેરંટી વાળો નિયમ બને.
- ખાતરના ભાવમાં ઘટાડો: સબસિડી ઓછી કરીને ખાતરના ભાવ ત્રણ ગણા વધારી દેવાયા છે, તેમાં તાત્કાલિક રાહત આપવી.
- 8 કલાક સળંગ વીજળી: ખેડૂતોને ખેતી માટે સળંગ ૮ કલાક વીજળી પૂરી પાડવી, મીટર પ્રથા નાબૂદ કરવી અને હોર્સ પાવર (HP) આધારિત વીજ પુરવઠો આપવો
મોટી બાણુંગરની આ મહાસભાએ સાબિત કરી દીધું છે કે હાઈટેન્શન લાઈનનો આ વિરોધ હવે માત્ર સ્થાનિક રહ્યો નથી, પરંતુ તે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. ખેડૂત સંગઠનો હવે 15 જૂનની આરપારની લડાઈ માટે સજ્જ બન્યા છે.
આ પણ વાંચો...

