જામનગર: ન્યૂ જામનગર સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત, સ્થાનિક મહિલાઓએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
સોસાયટીની મહિલાઓએ રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચક્કાજામ કર્યો હતો.

Published : May 31, 2026 at 2:57 PM IST
જામનગર : શહેરમાં વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતા સામે ફરી એકવાર જનતાનો આક્રોશ સામે આવ્યો છે. જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક આવેલી 'ન્યૂ જામનગર સોસાયટી'ના રહીશો છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પાણી, રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, આખરે કંટાળીને સોસાયટીની મહિલાઓએ રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચક્કાજામ કર્યો હતો.
ન્યૂ જામનગર સોસાયટીના રહીશ કવિતાબેન મોહિતભાઈ બારિયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં રહે છે, પરંતુ સરકાર અને કોર્પોરેશન દ્વારા તેમને હજી સુધી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. આ વિસ્તારમાં પીવાના પાણીની કોઈ કાયમી લાઈન નથી. સરકાર દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે પણ માત્ર 10 મિનિટ માટે જ આપવામાં આવે છે. આટલા ઓછા સમયમાં પૂરતું પાણી મેળવવું સ્થાનિકો માટે અશક્ય બની ગયું છે.
કવિતાબેને વધુમાં જણાવ્યું હતું કે "અમે અગાઉ ઘણી વખત આ બાબતે રજૂઆતો કરી ચૂક્યા છીએ, પરંતુ વહીવટી તંત્ર કે અમારા નેતાઓ તરફથી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, કોઈ નક્કર કામગીરી થઈ નથી."
સ્થાનિક મહિલાઓનો આરોપ છે કે, આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમની સમસ્યાઓ સાંભળવા પણ તૈયાર નથી. ચૂંટણી સમયે મોટા-મોટા વાયદા કરનારા નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી.
આ સમગ્ર મામલે જામનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ કમિશ્નર ભાવેશ જાનીએ જણાવ્યું કે, "આ વિસ્તારમાં ટૂંક સમયમાં જ રોડનું કામ શરુ થશે. ભૂગર્ભ ગટરનું કામ બાકી હોવાથી રોડનું કામ શરુ થયું નથી."
જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખાના એન્જીનીયર નરેશ પટેલે જણાવ્યું કે, "આ વિસ્તારમાં મેજર પાણીની પાઇપ લાઈન નાખવામાં આવશે જેથી ટૂંક સમયમાં જ પાણીનો પ્રશ્નનો ઉકેલ આવી જશે."
આખરે રસ્તો રોકવા મજબૂર બન્યા સ્થાનિકો
મહિલાઓએ જણાવ્યું કે, જ્યારે તમામ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે તેઓ મીડિયા અને આંદોલનનો સહારો લેવા મજબૂર બન્યા છે. તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે તેઓએ આજે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. જો આગામી દિવસોમાં રસ્તા, ગટર અને પૂરતા પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો...

