ETV Bharat / state

જામનગરમાં વસ્તી ગણતરી તાલીમમાં મોટું કૌભાંડ, ગેરહાજર કર્મચારીઓની ‘બોગસ સહી’ કરી હાજર બતાવાયા

જામનગરમાં વસ્તી ગણતરી માટેની તાલીમમાં ગેરહાજર કર્મચારીઓની બોગસ સહી કરીને હાજર બતાવ્યા, જાગૃત શિક્ષકે પુરાવા સાથે ખોલી પોલ.

જામનગરમાં વસ્તી ગણતરી તાલીમમાં મોટું કૌભાંડ
જામનગરમાં વસ્તી ગણતરી તાલીમમાં મોટું કૌભાંડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2026 at 3:42 PM IST

2 Min Read
Choose ETV Bharat

જામનગર : રાજ્યના જામનગર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાષ્ટ્રીય મહત્વના ગણાતા વસ્તી ગણતરીના કાર્યમાં જ ગંભીર બેદરકારી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. શહેરમાં આયોજિત વસ્તી ગણતરીની તાલીમ દરમિયાન ગેરહાજર રહેલા કર્મચારીઓની 'બોગસ સહી' કરીને તેમને કાગળ પર હાજર દર્શાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકા (JMC)ના વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, જામનગરની પ્રખ્યાત એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે વસ્તી ગણતરી સંદર્ભે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જામનગર મહાનગરપાલિકા હેઠળના અનેક કર્મચારીઓ અને શિક્ષકોને ફરજ સોંપવામાં આવી હતી. જોકે, આક્ષેપ છે કે ચાર્જ ઓફિસરના અંગત અને લાગવગ ધરાવતા કેટલાક કર્મચારીઓ એકપણ દિવસ આ મહત્વપૂર્ણ તાલીમમાં હાજર રહ્યા નહોતા. આમ છતાં, ચાર્જ ઓફિસરની મહેરબાનીથી હાજરી પત્રકમાં આ ગેરહાજર કર્મચારીઓની બોગસ સહીઓ કરીને તેમને નિયમિત હાજર બતાવી દેવામાં આવ્યા હતા.

જામનગરમાં વસ્તી ગણતરી તાલીમમાં મોટું કૌભાંડ, ગેરહાજર કર્મચારીઓની ‘બોગસ સહી’ કરી હાજર બતાવાયા (Etv Bharat Gujarat)

શિક્ષકે પુરાવા સાથે પોલ ખોલી

આ સમગ્ર ગેરરીતિ અને કૌભાંડનો ભાંડો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના જ એક જાગૃત શિક્ષકે ફોડ્યો છે. આ શિક્ષક દ્વારા જામનગરના મ્યુનિસિપલ કમિશનરને એક વિગતવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત માત્ર આક્ષેપો પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે હાજરી પત્રકની નકલ અને અન્ય મજબૂત પુરાવાઓ પણ જોડવામાં આવ્યા છે. લેખિત રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, અંદાજે ૧૦ જેટલા શિક્ષકો તાલીમ દરમિયાન સંપૂર્ણપણે ગેરહાજર હતા, તેમ છતાં સત્તાવાર હાજરી પત્રકમાં તેમની સહીઓ મોજૂદ છે. રાષ્ટ્રીય સ્તરની અતિ મહત્વની કામગીરીમાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલી આ ગંભીર બેદરકારીએ હવે મોટો વિવાદ જગાવ્યો છે.

જામનગરમાં વસ્તી ગણતરી તાલીમમાં મોટું કૌભાંડ, ગેરહાજર કર્મચારીઓની ‘બોગસ સહી’ કરી હાજર બતાવાયા (Etv Bharat Gujarat)

તંત્ર એક્શન મોડમાં: તપાસના આદેશ

આ કૌભાંડ બહાર આવતા જ સ્થાનિક રાજકારણ અને વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે. સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે, "આ સમગ્ર મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. વસ્તી ગણતરી જેવા રાષ્ટ્રીય કાર્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. અમે આ મામલે તટસ્થ તપાસ કરાવીશું અને જે પણ દોષિત જણાશે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આ મામલે કેટલી ઝડપથી તપાસ પૂરી કરે છે અને કાગળ પર 'હાજરી' પુરાવનારા લાગવગ ધરાવતા કર્મચારીઓ તથા તેમને છાવરનારા ચાર્જ ઓફિસર સામે કેવા પગલાં લેવાય છે.

આ પણ વાંચો...

  1. જામનગર: મનપા કચેરીમાં સર્વર ડાઉનથી જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન, 20 દિવસનું વેઇટિંગ
  2. જામનગર મહાનગરપાલિકા: જેલમાંથી પોલીસ બંદોબસ્ત વચ્ચે પદાધિકારીઓની વરણીમાં હાજર રહ્યા બે કોર્પોરેટરો