જામનગર: નેપાળી યુવકની હત્યાનો આરોપી પકડાયો, પોલીસે તપાસ તેજ કરી
આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published : May 2, 2026 at 2:30 PM IST
જામનગર : શહેર A ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા પ્રણામી નગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે બનેલી હત્યાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે એક નેપાળી શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા આરોપીએ હત્યાં પાછળનું કારણ જણાવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા પ્રણામી નગરના પાછળના ભાગે એક યુવકની ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ નેપાળી મૂળના તપેન્દ્ર તરીકે થઈ હતી. તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જિલ્લા એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
પત્ની વિશેની ટિપ્પણી બની હત્યાનું કારણ
પોલીસની સઘન તપાસ દરમિયાન એલ.સી.બી.ની ટીમે શંકાના આધારે રામ બહાદુર ઉર્ફે રાકેશ જોગીભાઈ ક્ષેત્રી નામના શખ્સની અટકાયત કરી હતી. આરોપી રામ બહાદુર પણ મૂળ નેપાળનો વતની છે અને લાંબા સમયથી જામનગરમાં રહી મજૂરી કામ કરે છે. પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, મૃતક તપેન્દ્ર અને આરોપી રામ બહાદુર મિત્રો હતા અને સાથે બેસતા હતા. જોકે, તપેન્દ્ર અવારનવાર આરોપીની પત્ની વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો.

આ બાબતે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. ઘટનાના દિવસે ફરી એકવાર આ જ મુદ્દે તકરાર થતા ઉશ્કેરાયેલા રામ બહાદુરે એક મોટો પથ્થર ઉપાડી તપેન્દ્રના માથામાં ઝીંકી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જામનગર Dysp જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. આ કેસમાં સાયન્ટિફિક પુરાવા અને નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે."
આ પણ વાંચો...

