ETV Bharat / state

અમદાવાદ: રોડના બન્ને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તક્તિ લગાવવી ફરજિયાત, જાણો કેમ લેવાયો નિર્ણય

અમદાવાદ શહેરમાં ઝડપથી વિકાસકાર્યોના કામ ચાલી રહ્યા છે. દરરોજ નવા રસ્તા બની રહ્યા છે. AMC દ્વારા વિકાસકાર્યો વચ્ચે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રોડના બન્ને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તક્તિ લગાવવી ફરજિયાત
રોડના બન્ને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તક્તિ લગાવવી ફરજિયાત (AI Generated)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 25, 2026 at 4:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઝડપથી વિકાસકાર્યોના કામ ચાલી રહ્યા છે. દરરોજ નવા રસ્તા બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિકાસકાર્યો વચ્ચે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા શહેરમાં નવા રોડ બનાવતી વખતે રોડના બન્ને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ તક્તિમાં કામ કરનાર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર સહિત કામની જરૂરી વિગતો જાહેર કરવાની રહેશે.

રોડના બન્ને છેડે પથ્થરની તક્તિ લગાવવી ફરજિયાત

રોડ્ઝ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે,અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સીલર પરેશ લાખાણીની મ્યુનિસિપિલ કાઉન્સીલર વિનોદ પટેલના ટેકા સાથેની દરખાસ્ત આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. હવે નવા રોડ બનાવતી વખતે રોડના બન્ને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તક્તિ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે.

રોડના બન્ને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તક્તિ લગાવવી ફરજિયાત (ETV Bharat Gujarat)

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, રોડ રિસરફેસિંગની કામગીરીમાં પારદર્શિતા આવે તેમજ જાહેર જનતાની જાણકારી વધે તે હેતુથી આ નિયમ લાવવામાં આવ્યો છે. ખાસ કરીને દરેક રોડનું કામ શરૂ થાય તેમજ પૂર્ણ થાય તે બે જગ્યાએ આ તક્તિ લગાવવામાં આવશે. આ તક્તિમાં ક્યા રોડ અને ક્યા વોર્ડનું કામ છે અને કોન્ટ્રાક્ટરનું નામ અને નંબર ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ કેટલું છે તેમજ AMCની વેબસાઇટનો નંબર આ પાંચ વિગત તક્તિમાં લગાવવામાં આવશે.

1. રોડની વિગત, ક્યા ઝોન તથા ક્યા વોર્ડમાં કામગીરી કરવામાં આવી છે તથા કામગીરી પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ.

2. ગેરન્ટી/ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડની વિગત

3. કોન્ટ્રાક્ટરનું નામ.

4. કોન્ટ્રાક્ટરનો ફોન નંબર.

5. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટોલ-ફ્રી નંબર

ઉપર મુજબની વિગતો મુજબ, રોડ શરૂ થયેલ જગ્યા અને રોડ પૂર્ણ થવાની જગ્યાએ તકતિની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વેબસાઇટ પર ફરજિયાત મુકવાનું રહેશે, તેની ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી કરીને જ તેના ફાઇનલ બિલનું પેમેન્ટ કરવાનું રહેશે. જો કામની સમય મર્યાદામાં ફેરફાર થયો હોય તો તે સુધારાની તકતિ પણ ફાઇનલ બિલના પેમેન્ટ પહેલા મુકવાની રહેશે.

વધુમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, જો આની ઉપર કોઇ તક્તિ નહીં લાગે, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી નહીં કરે તો પ્રથમ રનિંગ બિલનું પેમેન્ટ નહીં થાય. ફાઇનલ પેમેન્ટ કરતા પહેલા પણ તક્તિ છે કે નહીં તે સ્થળ પર ચકાસણી કરવામાં આવશે અને કૂલ મળીને આ ડિફેક્ટ લાયબેલિટી પીરિયડ છે ત્યા સુધી તેની હયાતી કમ્પલસરી છે. આમ કરવાથી ચોક્કસ માનવું છે કે કોન્ટ્રાક્ટરોમાં એક જાતની કામ સારૂ કરવાની ઇચ્છા જાગશે અને લોકોને પણ પ્રોપર જાણકારી મળી રહેશે.

આ પણ વાંચો: