વિસાવદરના હસનાપૂરના ખેડૂતોનો પ્રશ્ન વિધાનસભામાં ગાજ્યો, MLA ગોપાલ ઈટાલીયાએ કહ્યું ‘સહાયથી કેમ વંચિત રાખવામાં આવ્યા?
ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના ગૃહમાં બજેટ અને પૂરક બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Published : February 24, 2026 at 3:56 PM IST
ગાંધીનગર: વિસાવદર તાલુકાના હસનાપૂર ગામને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન છતાં ગામના ખેડૂતોને સરકારની સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો મુદ્દો હવે વિધાનસભા સુધી પહોંચ્યો છે.
હસનાપૂર ગામના ખેડૂતોનો દાવો છે કે, તેમણે સમયસર પાક નુકસાનના વળતર માટે ફોર્મ ભર્યા હતા, છતાં પણ તેમને સહાય મળતી નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, નિષ્ફળ પાકના કારણે આર્થિક સંકટ ઊભું થયું છે અને વળતર ન મળતાં મુશ્કેલી વધુ વધી છે.
આ મુદ્દે વિસાવદરના ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના ગૃહમાં બજેટ અને પૂરક બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે સરકારને સીધો સવાલ કર્યો કે જ્યારે તમામ ખેડૂતોએ નિયમ મુજબ અરજી કરી છે, ત્યારે હસનાપૂર ગામને સહાયથી કેમ વંચિત રાખવામાં આવ્યું?
ઇટાલિયાએ વધુમાં યાદ અપાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં ‘મુખ્યમંત્રી ખેડૂત સહાય યોજના’ શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ કુદરતી આપત્તિથી પીડિત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવાનો હતો. તેમણે માંગ કરી કે આ યોજના અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે અને હસનાપૂર સહિતના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.
ધારાસભ્યે ખાસ માંગણી કરી કે, જે ખેડૂત ભાગે ખેતી રાખે છે અથવા ભાડે જમીન લઈને ખેતી કરે છે, તેમને પણ વળતર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે પાકનું નુકસાન તેમની પર પણ એટલું જ અસરકારક છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે અને હસનાપૂર ગામના ખેડૂતોને સહાય મળે છે કે નહીં. ખેડૂતોની નજર હવે તંત્રના નિર્ણય પર ટકેલી છે.
આ પણ વાંચો:

