10મું પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક: પોસ્ટ ઓફિસમાં 23757 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર
ભારતીય ટપાલ વિભાગે GDS શેડ્યુલ-IIનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં BPM, ABPM અને ડાક સેવકની કુલ 23757 જગ્યાઓ માટે 21 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.

Published : August 30, 2026 at 9:24 PM IST
હૈદરાબાદ: 10મું પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક આવી છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સંચાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગ દ્વારા GDS શેડ્યુલ-II, જુલાઈ 2026 માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત દેશભરમાં કુલ 23,757 જગ્યાઓ ભરવામાં આવશે.
સત્તાવાર જાહેરનામું 20 ઓગસ્ટ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2026 છે.

કચ્છ સહિત ગુજરાતમાં 499 જગ્યાઓ
આ ભરતી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે કચ્છ સહિત ગુજરાતના ઉમેદવારો માટે પણ સારા સમાચાર છે. ગુજરાત પોસ્ટલ સર્કલ માટે કુલ 499 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાત સર્કલ માટે નિયત સ્થાનિક ભાષા ગુજરાતી છે. તેથી ગુજરાતના ઉમેદવારોએ ધોરણ 10 સુધી ગુજરાતી ભાષાનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

મળતી માહિતી મુજબ ઉમેદવારો 31 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે, પરંતુ સત્તાવાર પોર્ટલ મુજબ છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2026 છે, તેથી ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર ધ્યાન આપવું.
શૈક્ષણિક લાયકાત શું છે?
આ ભરતી માટેની સૌથી મહત્વની બાબત એ છે કે તેના માટે માત્ર ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.
- ઉમેદવારે ભારત સરકાર / રાજ્ય સરકાર / કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવું ફરજિયાત છે.
- ઉમેદવારે સ્થાનિક ભાષાનું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ. એટલે કે તેણે ધોરણ 10 સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. ગુજરાત માટે ગુજરાતી ભાષા ફરજિયાત છે.
- કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
- સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર ગણાશે નહીં.
ઉંમર મર્યાદા અને છૂટછાટ
આ ભરતી માટે ઉંમર મર્યાદા 18થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

SC/ST ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટ મળવાપાત્ર છે. સંયુક્ત કેટેગરી માટે વધારાની જોગવાઈઓ પણ લાગુ પડશે.
પગાર ધોરણ કેટલું મળશે?
આ એક મહત્વનો મુદ્દો છે કે GDSને નિયમિત સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવતા નથી, પરંતુ તેમને સમય-સંબંધિત ભથ્થું (Time Related Continuity Allowance - TRCA) ચૂકવવામાં આવે છે. જાહેર કરાયેલા પગાર ધોરણ મુજબ નીચે પ્રમાણે છે.
- બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) માટે: ₹12,000 થી ₹29,380 સુધી
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) / ડાક સેવક માટે: ₹10,000 થી ₹24,470 સુધી
- આ ઉપરાંત નિયમ મુજબ અન્ય ભથ્થાં પણ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા - કોઈ પરીક્ષા નથી

ઉમેદવારો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. પસંદગી સંપૂર્ણપણે મેરિટના આધારે થશે. ઉમેદવારના ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોએ 15 દિવસની અંદર સંબંધિત યુનિટ ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે. જો દસ્તાવેજો ખોટા હશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે.
અરજી ફી કેટલી?
તમામ પોસ્ટ માટે અરજી ફી ₹100 (માત્ર એકસો રૂપિયા) નક્કી કરવામાં આવી છે. નોટિફિકેશનમાં મુક્તિ આપવામાં આવેલી કેટેગરીના ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારોએ પોતાની લાયકાત અને ફીની સ્થિતિ ચકાસી લેવી.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

પાત્ર ઉમેદવારો સત્તાવાર India Post GDS Online Engagement પોર્ટલ પરથી અરજી કરી શકે છે.
નોંધ: એક ઉમેદવારને માત્ર એક જ વાર રજીસ્ટ્રેશન કરવાની મંજૂરી છે. એક કરતા વધુ અથવા ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન / અરજીઓ સખત રીતે પ્રતિબંધિત છે અને તેના કારણે ઉમેદવારી રદ થઈ શકે છે.
આ ભરતી એવા ઉમેદવારો માટે એક મોટી તક છે જેઓ ધોરણ 10 પછી સરકાર સાથે જોડાયેલી પોસ્ટ ઓફિસની નોકરી શોધી રહ્યા છે. દેશમાં 23,757 અને ગુજરાતમાં 499 જગ્યાઓ સાથે પાત્ર ઉમેદવારોએ સમયસર અરજી કરવી જોઈએ.
ઉપયોગી લિંક
નોંધ - ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in ની નિયમિત મુલાકાત લેતા રહે.
આ પણ વાંચો...

