ETV Bharat / state

નવરાત્રિ માત્ર ઉત્સવ નહીં, ગુજરાતની ઓળખનું વૈશ્વિક મંચ! CM ભૂપેન્દ્ર પટેલ સામે 700થી વધુ કલાકારોએ ગરબા-રાસથી જમાવ્યો રંગ

ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે.

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 12, 2026 at 8:30 AM IST

6 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિને માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત, પ્રવાસન અને સ્થાનિક રોજગારને વેગ આપતું વૈશ્વિક મંચ ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 23 વર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે ગરબાની વૈશ્વિક ઓળખ, સ્વચ્છતા, મહિલા સુરક્ષા અને ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, સુરેન્દ્રનગર અને ચોરવાડથી આવેલા વિશાળ રાસ મંડળો સહિત 700થી વધુ કલાકારોની પ્રસ્તુતિઓ અને વિદેશી મહેમાનોની સહભાગિતાએ મહોત્સવને ભક્તિ, લોકકળા અને ઉત્સાહના રંગોથી રંગી દીધો હતો.

ગરબાને વૈશ્વિક મંચ મળવાથી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી- CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનની શરૂઆત નવરાત્રિની શુભેચ્છાઓ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદ્યશક્તિની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો પ્રારંભ ગુજરાત માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા સમર્પણનાં 23 વર્ષ પૂર્ણ થયાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકે લાંબા સમય સુધી સેવા આપનાર નેતા તરીકે વડાપ્રધાનનું યોગદાન ગૌરવની બાબત છે.

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ (ETV Bharat Gujarat)

મુખ્યમંત્રીએ કહ્યું કે, વિઝનરી નેતૃત્વ અને વિકાસમાં જનભાગીદારીને જોડવામાં આવે તો કેવાં પરિણામો મેળવી શકાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. નવરાત્રિ સદીઓથી ઉજવાતી પરંપરા છે, પરંતુ તેને વૈશ્વિક ઓળખ અપાવવાના પ્રયાસોથી ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે.

ગરબાથી લઈને રણોત્સવ સુધી, ઉત્સવોને વિકાસ સાથે જોડવાની વાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ભાષણમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની આર્થિક ક્ષમતાને વૈશ્વિક મંચ આપવા સાથે રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને પણ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો થયા છે. કચ્છ રણોત્સવ, સાપુતારા ફેસ્ટિવલ અને માધવપુરના મેળા જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકપરંપરાઓને વધુ વ્યાપક ઓળખ મળી છે. તેમણે ગરબાને ગુજરાતની આગવી મિરાત અને સોગાત ગણાવતાં કહ્યું કે, નવરાત્રિ સાથે પ્રવાસન, સ્થાનિક વેપાર અને હસ્તકલાને જોડવાથી ઉત્સવનો લાભ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચે છે. તેમના મતે, આવા ઉત્સવો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ નાના વેપારીઓ, હસ્તકલા કારીગરો અને સ્થાનિક રોજગાર માટે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

700થી વધુ કલાકારોએ ગરબા-રાસથી જમાવ્યો રંગ (ETV Bharat Gujarat)

યુનેસ્કોની ઓળખથી ‘વોકલ ફોર લોકલ’ સુધી

મુખ્યમંત્રીએ ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળવાનો ઉલ્લેખ કરતાં ગુજરાતની લોકપરંપરાની વૈશ્વિક ઓળખ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, નવરાત્રિ જેવા ઉત્સવોમાં હસ્તકલા કારીગરો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓને સ્થાન આપવાથી ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ સાકાર થઈ શકે છે. ઉત્સવ દરમિયાન સ્થાનિક ઉત્પાદનોને બજાર મળે તો નાના વેપારીઓ અને કારીગરોની આવક તથા આજીવિકાને ટેકો મળી શકે છે. આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને આર્થિક પ્રવૃત્તિઓને જોડવાની વિચારધારા નવરાત્રિને વિશાળ સામાજિક અને આર્થિક મહત્ત્વ આપે છે.

યાત્રાધામોના વિકાસ સાથે સ્વચ્છતાનો સંદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને દેશનાં વિવિધ યાત્રાધામોના વિકાસનો ઉલ્લેખ કરતાં અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી મંદિર, સોમનાથ અને દ્વારકા સહિતનાં ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓ માટેની સુવિધાઓ વધારવાના પ્રયાસોની વાત કરી હતી. તેમણે કાશી વિશ્વનાથ અને કેદારધામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ (ETV Bharat Gujarat)

તાજેતરમાં યોજાયેલા અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ સ્વચ્છતાને મહત્ત્વ આપ્યું હતું. તેમણે કહ્યું કે, સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાની પ્રેરણા મળી છે અને નવરાત્રિ દરમિયાન પણ જાહેર ગરબા સ્થળો, પાર્ટી પ્લોટ, સોસાયટી અને શેરીઓમાં સ્વચ્છતા જાળવવી જોઈએ. ઉત્સવની ઉજવણી સાથે આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાની જવાબદારી પણ દરેક નાગરિકે નિભાવવી જોઈએ.

વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે વિકસિત અને આત્મનિર્ભર ગુજરાત બનાવવાની અપીલ

મુખ્યમંત્રીએ નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની આરાધના અને ગરબાની રમઝટ સાથે સમાજ તરીકે કેટલીક જવાબદારીઓ નિભાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. તેમણે સાંસ્કૃતિક વારસાનું ગૌરવ જાળવવા, યાત્રાધામોની પવિત્રતા જાળવવા અને વારસાનું સંરક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ માતા-બહેનો અને દીકરીઓના સન્માન તથા સુરક્ષાને સામાજિક જવાબદારી ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ગુજરાત બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરતાં તેમણે નવરાત્રિ દરમિયાન સૌએ સાથે મળીને આ દિશામાં આગળ વધવાની વાત કરી હતી. ભાષણના અંતે તેમણે માતા અંબાજીને આ સંકલ્પો પાર પાડવાની શક્તિ આપવા પ્રાર્થના કરી હતી.

‘સાત-આઠ દિવસની પ્રેક્ટિસ પછી CM સામે પર્ફોર્મન્સ’

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવમાં કલાકારો માટે મુખ્યમંત્રીની હાજરીમાં પર્ફોર્મન્સ આપવાનો અનુભવ વિશેષ રહ્યો હતો. સુરેન્દ્રનગરથી આવેલા શક્તિપરા માલધારી રાસ મંડળના નિલેશ ભરવાડે જણાવ્યું હતું કે, તેમના ગ્રુપના અંદાજે 700થી 800 કલાકારોએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાથે મળીને ગરબા કર્યા હતા. આ પર્ફોર્મન્સ માટે તેઓ છેલ્લા સાતથી આઠ દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. નિલેશ ભરવાડે જણાવ્યું કે, કાર્યક્રમમાં ભાગ લઈને તેમને ખૂબ આનંદ થયો હતો અને ગરબા રમવાનો ઉત્સાહ પણ વિશેષ હતો. તેમના પ્રતિભાવમાં સરકારી વ્યવસ્થા અને આયોજનો અંગે સંતોષ વ્યક્ત થયો હતો. મોટી સંખ્યામાં કલાકારો એકસાથે પરંપરાગત નૃત્ય રજૂ કરે ત્યારે આવા મહોત્સવો લોકકળા અને સામૂહિક ભાગીદારીને મંચ પૂરો પાડે છે.

‘સાત-આઠ દિવસની પ્રેક્ટિસ પછી CM સામે પર્ફોર્મન્સ’
‘સાત-આઠ દિવસની પ્રેક્ટિસ પછી CM સામે પર્ફોર્મન્સ’ (ETV Bharat Gujarat)

ચોરવાડના 700 કલાકારો તલવાર રાસ રજૂ કરવા પહોંચ્યા

ચોરવાડથી આવેલા તલવાર રાસના ગ્રુપના મનોજ રામજી પંડિતે પણ વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, તેમના ગ્રુપના આશરે 700 લોકો કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કલાકારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સારી હતી અને કાર્યક્રમમાં ભાગ લઈને સૌને ખૂબ મજા આવી હતી.

મનોજ પંડિતે આવતા વર્ષે પણ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. વિવિધ વિસ્તારોમાંથી આવતા કલાકારોને એક જ મંચ પર પરંપરાગત રાસ રજૂ કરવાની તક મળે છે, જે ગુજરાતની લોકકળાની વિવિધતાને દર્શાવે છે.

ભરતનાટ્યમમાં ‘આયિગિરિ નંદિની’ની પ્રસ્તુતિ

નૃત્ય કલા કેન્દ્રની અનિતા નાગરાજને જણાવ્યું હતું કે, નવરાત્રિના પ્રથમ દિવસે વાઇબ્રન્ટ ગુજરાતના મંચ પર ભરતનાટ્યમ શૈલીમાં ‘આયિગિરિ નંદિની’ની પ્રસ્તુતિ કરવાની તક મળતાં તેઓ ખૂબ ખુશ છે. તેમણે આ અનુભવને આશીર્વાદ સમાન ગણાવ્યો હતો અને આ પ્રકારના મંચ પર પ્રદર્શન કરવાની તક આપવા બદલ ગુજરાત ટૂરિઝમ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

અનિતા નાગરાજને પોતાના નિવેદનમાં નૃત્ય કલા કેન્દ્રના લાંબા સમયના કાર્યક્રમોમાં ભાગ લેવાના અનુભવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, સંસ્થાને વિવિધ કાર્યક્રમોમાં પ્રસ્તુતિ કરવાની તક મળી છે અને દરેક મંચ તેમના માટે યાદગાર રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ (ETV Bharat Gujarat)

સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિને આગળ વધારવાનો સંદેશ

નૃત્ય કલા કેન્દ્ર સાથે છેલ્લા 17 વર્ષથી જોડાયેલી માર્ગી મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થાએ દેશ અને વિદેશમાં અનેક સ્થળોએ પર્ફોર્મન્સ આપ્યાં છે. તેમણે સંસ્થામાંથી મળતા સેવાભાવના સંસ્કારને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, પરિવાર અને સંસ્થા બંનેમાંથી મળતી સેવા અને સમર્પણની ભાવના તેમને ભારતીય સંસ્કૃતિ અને દેશનું નામ આગળ વધારવા પ્રેરણા આપે છે. માર્ગી મિશ્રાએ જણાવ્યું હતું કે, સંસ્થાનું વિઝન આ ભાવનાને આગળ લઈ જઈને વિવિધ મંચો પર ભારતીય સંસ્કૃતિની ઓળખને વધુ મજબૂત બનાવવાનું છે.

વિદેશી મહેમાનો માટે પણ નવરાત્રિ એક આધ્યાત્મિક અનુભવ

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવમાં વિદેશથી આવેલા મહેમાનોએ પણ ભાગ લીધો હતો. સ્પેનિશ ભાષામાં વાત કરનાર એક મહેમાને ગુજરાતી અનુવાદમાં જણાવ્યું હતું કે, આ સુંદર ઉત્સવમાં હાજર રહીને તેઓ ખૂબ ખુશ છે. સમુદ્ર પાર કરીને અહીં માતાજીની ભક્તિમાં નૃત્ય કરવું તેમના જીવનનું એક સપનું હતું. તેમણે નવરાત્રિને આશીર્વાદ સમાન અનુભવ ગણાવ્યો હતો.

અંગ્રેજીમાં વાત કરનાર અન્ય એક મહેમાને જણાવ્યું હતું કે, નવરાત્રિ તેમના માટે દિવ્ય માતા સાથે જોડાવાનો અને ભારતની સંસ્કૃતિને નજીકથી અનુભવવાનો અવસર છે. ભારત સાથે સાચા અર્થમાં જોડાવું અને માતાજીના પ્રેમનો અનુભવ કરવો તેમનું સપનું હતું, જે આ મહોત્સવમાં ભાગ લઈને સાકાર થતું હોય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

‘નવરાત્રિની રાહ લાંબા સમયથી જોતા હતા’

અમદાવાદ વાઇબ્રન્ટ નવરાત્રિના કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપનાર હેતવી મંડાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની હાજરીમાં પ્રસ્તુતિ આપવાનો અનુભવ ખૂબ સરસ રહ્યો હતો. તેમણે કહ્યું કે, નવરાત્રિની રાહ તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા અને ગરબા ક્લાસની શરૂઆત પણ અગાઉથી કરી દીધી હતી. નવરાત્રિને લઈને કલાકારોમાં રહેલો ઉત્સાહ અને તૈયારી કાર્યક્રમના માહોલમાં જોવા મળ્યો હતો. બીજી તરફ, ચંખના વ્યાસે પણ નવરાત્રિના પ્રથમ દિવસે કાર્યક્રમમાં ભાગ લેવાનો અનુભવ સારો રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમના મતે, અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે, વિવિધ પ્રસ્તુતિઓ થાય છે અને કલાકારોને સાથે મળીને ઉત્સવ માણવાની તક મળે છે.

ગરબા, લોકકળા અને ભક્તિનો સંગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનમાં સાંસ્કૃતિક વિરાસત, સ્વચ્છતા, પ્રવાસન અને સ્થાનિક રોજગાર સાથે નવરાત્રિને જોડવાનો સંદેશ મુખ્ય રહ્યો હતો. બીજી તરફ, સુરેન્દ્રનગર અને ચોરવાડથી આવેલા મોટા રાસ મંડળો, ભરતનાટ્યમ રજૂ કરનાર કલાકારો, નૃત્ય કલા કેન્દ્ર સાથે જોડાયેલા કલાકારો અને વિદેશી મહેમાનોના પ્રતિભાવોએ મહોત્સવના વિવિધ રંગો રજૂ કર્યા હતા.

આ રીતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવમાં માતાજીની આરાધના સાથે ગુજરાતની લોકકળા, શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક પરંપરાને એક જ મંચ પર રજૂ કરવાની તક મળી હતી. કલાકારો માટે આ માત્ર પર્ફોર્મન્સ નહીં, પરંતુ પોતાની કળા રજૂ કરવાનો અને નવરાત્રિના ઉત્સાહને સૌ સાથે વહેંચવાનો અવસર બન્યો હતો.

આ પણ વાંચો: