રાજકોટમાં 450 રેપિડો રીક્ષા ચાલકોનું ભાડા વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન
ડ્રાઇવર યુનિયનના જણાવ્યા અનુસાર, કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડાના દરોમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે.

Published : May 5, 2026 at 9:15 PM IST
રાજકોટ: રાજકોટ શહેરના રસ્તાઓ પર દોડતી રેપિડો બાઇક ટેક્સીના ડ્રાઇવરોએ હવે કંપનીની 'શોષણખોરી' સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને ભાડાના દરમાં થઈ રહેલા અન્યાય મુદ્દે આજે રાજકોટ રેપિડો ડ્રાઇવર યુનિયન દ્વારા આક્રમક વલણ અપનાવી કંપનીને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. જો આજદીન સુધીમાં ડ્રાઇવરોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો સમગ્ર શહેરમાં રેપિડોની સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરવાની અને ભવ્ય વિરોધ રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ડ્રાઇવર યુનિયનના જણાવ્યા અનુસાર, કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડાના દરોમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. ડ્રાઈવરોનો આરોપ છે કે જે સેવામાં ડ્રાઇવરને યોગ્ય વળતર મળવું જોઈએ, ત્યાં માત્ર નજીવી રકમ પધરાવી દેવામાં આવે છે. જ્યારે ખરેખર ન્યાયી દર રૂ.12 આસપાસ હોવો જોઈએ. મોંઘવારીના આ જમાનામાં પેટ્રોલના ભાવ અને મેન્ટેનન્સ સામે કંપની દ્વારા અપાતું વળતર અપૂરતું હોવાથી ડ્રાઇવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે યોજાયેલી બેઠકમાં ડ્રાઈવરોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની એકતા પ્રદર્શિત કરી હતી. યુનિયને જાહેર કર્યું છે કે કંપની પાસે માંગણીઓ સ્વીકારવા માટે 5 તારીખ સુધીનો જ સમય છે જો ડેડલાઈન સુધીમાં ભાવ વધારો નહીં થાય, તો તમામ ડ્રાઇવરો એપ લોગ-આઉટ કરી કામગીરી બંધ કરી દેશે. આ આંદોલન દરમિયાન જો કોઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સર્જાય કે મુસાફરોને હાલાકી પડે, તો તેની સંપૂર્ણ જવાબદારી રેપિડો કંપનીના મેનેજમેન્ટની રહેશે.
રાજકોટમાં હજારો લોકો રોજિંદા પરિવહન માટે રેપિડો પર નિર્ભર છે. જો ડ્રાઇવરો સામૂહિક હડતાળ પર ઉતરશે, તો નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે કંપની ડ્રાઇવરોની માંગ સામે નમે છે કે પછી રાજકોટના રસ્તાઓ પર 'ચક્કાજામ'ની સ્થિતિ સર્જાય છે.
મનુભાઈ નામના ડ્રાઈવરે કહ્યું કે, કંપનીએ અમારું ભાડું ઘટાડીને 12 રૂપિયા કરી નાખ્યું છે અને પહેલા 15.60 રૂપિયા ભાડું હતું. એમાંથી ઘટાડીને આટલું કર્યું છે એ બદલ અમે બધા ભેગા થયા છીએ. અમારે રેપિડો કંપનીને એટલું જ કહેવું છે કે આજની તારીખમાં નિર્ણય નહીં લેવાય તો કાલથી રેપિડો બંધ. અમે તમામ 450 કેપ્ટન અહીં ભેગા થયા છીએ. તમામ રેપિડો ડિલીટ કરી દઈશું અને આગામી દિવસોમાં તમામ ચાલુ નહીં કરીએ. જો ભાવ વધારો ન થાય તો અમારે ઓનલાઈન રિક્ષા નથી ચલાવવી. સરકાર માન્ય 18 રૂપિયા છે છતાં અમે 15 રૂપિયાએ કિલોમીટર દીઠ રેપિડોમાં ચલાવીએ છીએ, તો પણ કંપનીએ અત્યારે 12 રૂપિયા કરી નાખ્યા. હજી અમારે કેટલું સહન કરવાનું. અમારા રોજિંદા ધંધામાં જો આવું થશે તો અમે નહીં ચલાવીએ.
આ પણ વાંચો:

