ETV Bharat / state

કારના બે ટુકડા થઈ ગયા: શિવરાત્રીના મેળામાંથી પરત ફરતા યુવાનોની કારનો રાજકોટમાં અકસ્માત, યુવતી સહિત 3નાં મોત

રાજકોટના જેતલસર ઓવરબ્રિજ પર વહેલી સવારે જૂનાગઢ મેળાથી પરત ફરતા યુવાનોની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા તેના બે ટુકડા થઈ ગયા હતા.

જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત
જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 15, 2026 at 5:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

રાજકોટ: જેતપુર નજીક આવેલા જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી એક કાર પુલની દીવાલ અને ડિવાઈડર સાથે એટલી પ્રચંડ ગતિએ અથડાઈ હતી કે ગણતરીની પળોમાં જ કારના બે ટુકડા થઈ ગયા હતા. જેતપુર તરફ આવી રહેલી સફેદ કારમાં સવાર એક યુવતી સહિત ચાર યુવાનો જુનાગઢ મહાશિવરાત્રિનો મેળો માણીને પરત ફરી રહ્યા હતા. ત્યારે કાળ ભેટ્યો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે કારના પાર્ટ્સ રોડ પર દૂર સુધી વિખેરાઈ ગયા હતા અને કાર પડીકું વળી ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે તાત્કાલિક પહોંચીને ક્લિયર કરાવ્યો હતો.

જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત (ETV Bharat Gujarat)

અકસ્માતમાં સ્થળ પર જ 2નાં મોત
આ ગંભીર અકસ્માતમાં ભોગ બનનાર હતભાગીઓની વિગતો અત્યંત આઘાતજનક છે. કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી નવાગઢના રહેવાસી 20 વર્ષીય અરુણ પ્રફુલ્લભાઈ વાળા અને રાયડી ગામની 21 વર્ષીય મુસ્કાનબેન હરેશભાઈ બગડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે આ બંનેના પ્રાણ પંખેરું ત્યાં જ ઊડી ગયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનો, જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીષ (અમિત) ચનાભાઈ પરમાર ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જયદીપ કિશોરભાઈ ચૌહાણનું પણ દુઃખદ અવસાન થતા મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે. હાલ ચોથા યુવક અમીષ પરમારની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં યુવતી સહિત 3નાં મોત
અકસ્માતમાં યુવતી સહિત 3નાં મોત (ETV Bharat Gujarat)

બ્રિજની પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ કાર
ઘટનાની જાણ થતા જ જેતપુર DYSP રોહિતસિંહ ડોડીયા અને તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અને DySP ના જણાવ્યા અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ 'ઓવરસ્પીડ' હોવાનું અનુમાન છે. ગાડી સીધી બ્રિજની પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી અને અન્ય કોઈ વાહન સાથે અકસ્માત થયો ન હોવાથી, ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રબળ શક્યતા છે.

જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત
જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત (ETV Bharat Gujarat)

પોલીસે ક્રેનની મદદથી કારના અવશેષો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે જેતપુર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત
જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત (ETV Bharat Gujarat)
જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત
જેતલસર ઓવરબ્રિજ પર કારનો અકસ્માત (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ડિજિટલ યુગમાં લોકો ચિત્રકારોને ભૂલ્યા, અમદાવાદના પેઇન્ટરોએ કહ્યું- અમારા હાથ કપાઈ ગયા, અમે છેલ્લી પેઢી..
  2. સેવા પરમો ધર્મ: મહાશિવરાત્રીએ 20 હજારથી વધુ શિવભક્તો માટે મુસ્લિમ સમાજ દ્વારા પ્રસાદ અને શરબતની વ્યવસ્થા