ETV Bharat / state

મહેસાણામાં ONGCની પાઇપલાઇનમાં લીકેજથી ખેતરમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું, ઘઉંનો ઊભો પાક બરબાદ

ONGCના ટેકનિકલ અધિકારીઓ અને ફાયર સેફ્ટીની ટીમ કનોડા ગામે દોડી આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનો વાલ્વ બંધ કરાવીને ઓઇલનું પ્રેશર કંટ્રોલમાં લીધું હતું.

ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ
ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 24, 2026 at 3:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

મહેસાણા: ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો તેના તેલ અને કુદરતી ગેસના ભંડારો માટે જાણીતો છે, પરંતુ ઘણીવાર આ જ સંપત્તિ સ્થાનિક ખેડૂતો માટે મુસીબતનું કારણ બની જતી હોય છે. બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં હાલમાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) ની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીકેજ થવાના કારણે એક ખેડૂતની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કનોડા ગામના મહિલા ખેડૂત સુષ્માબેન પટેલના ખેતરના સર્વે નંબર 359 માંથી ONGCની ક્રૂડ ઓઇલ સપ્લાય કરતી પાઇપલાઇન પસાર થાય છે. અચાનક આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભારે પ્રેશર સાથે કાળું ક્રૂડ ઓઇલ જમીનની બહાર આવવા લાગ્યું હતું. જોતજોતામાં જ હજારો લીટર ક્રૂડ ઓઇલ આખા ખેતરમાં નદીના પાણીની જેમ ફરી વળ્યું હતું.

ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ (ETV Bharat Gujarat)

મોંમાં આવેલો કોળિયો છીનવાયો: ખેડૂતને લાખોનું નુકસાન
સુષ્માબેને શિયાળુ પાક તરીકે પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંનો પાક બિલકુલ તૈયાર થઈ ગયો હતો અને ટૂંક સમયમાં જ તેની લણણી કરવાની હતી. પરંતુ તે પહેલાં જ ઓઇલ લીકેજ થતાં સમગ્ર ખેતર કાળા તળાવમાં ફેરવાઈ ગયું હતું. તૈયાર ઘઉંનો પાક ઓઇલમાં ડૂબી જવાથી સંપૂર્ણપણે બળી ગયો છે. મોંઘા ભાવના બિયારણો, રાસાયણિક ખાતર અને રાત-દિવસ જાગીને કરેલી સિંચાઈની મહેનત ONGCની પાઈપલાઈન લીક થતા નિષ્ફળ ગઈ છે.

ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ
ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ (ETV Bharat Gujarat)

આ ઘટના અંગે પીડિત ખેડૂતે બાબુભાઈ પટેલે ભારે હૈયે અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, "અમે મહામહેનતે ખેતરમાં ઘઉંનો પાક તૈયાર કર્યો હતો. પાક લેવા માટે મોટો ખર્ચ કર્યો હતો અને હવે જ્યારે પાક ઘરે લાવવાનો સમય આવ્યો ત્યારે ONGCની લાઇન ફાટતાં બધું જ બરબાદ થઈ ગયું છે. આ સીધી રીતે કંપનીની બેદરકારી છે. પાઇપલાઇનની સમયસર જાળવણી ન થવાના કારણે અમને આર્થિક ફટકો પડ્યો છે. ઓઇલના કારણે અમારી જમીન પણ બગડી ગઈ છે. સરકારે અને ONGCના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરીને અમને અમારા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવું જોઈએ."

ONGC પક્ષેથી લેવાયેલા પગલાં અને પ્રતિક્રિયા
ઘટનાની જાણ થતાં જ ONGCના ટેકનિકલ અધિકારીઓ અને ફાયર સેફ્ટીની ટીમ કનોડા ગામે દોડી આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનો વાલ્વ બંધ કરાવીને ઓઇલનું પ્રેશર કંટ્રોલમાં લીધું હતું.

ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ
ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ (ETV Bharat Gujarat)

ONGCના સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "પાઇપલાઇન લીકેજની માહિતી મળતા જ રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ખેતરમાં ભરાયેલું ક્રૂડ ઓઇલ સક્શન મશીન (પંપ) દ્વારા પાછું ખેંચી લેવાની પ્રક્રિયા ચાલુ છે. ખેડૂતના પાક અને જમીનને થયેલા નુકસાન અંગે મહેસૂલ અને ખેતીવાડી વિભાગ દ્વારા પંચક્યાસ (સર્વે) કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ કંપનીના ધારાધોરણો મુજબ ખેડૂતને યોગ્ય અને સંતોષકારક વળતર ચૂકવવાની ખાતરી આપવામાં આવે છે."

ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ
ખેતરમાં ક્રૂડ ઓઈલ લીકેજ (ETV Bharat Gujarat)

જમીનની ફળદ્રુપતા પર લાંબા ગાળાની અસરનો ખતરો
આ ઘટના માત્ર એક સીઝનના પાક પૂરતી સીમિત નથી. કૃષિ નિષ્ણાતોના મતે, જમીનમાં ક્રૂડ ઓઇલ ભળવાથી જમીનની ફળદ્રુપતા અને તેનું ભૌતિક બંધારણ ખોરવાઈ જાય છે. ઓઇલયુક્ત જમીનમાં આગામી બે થી ત્રણ વર્ષ સુધી નવો પાક લેવો અત્યંત મુશ્કેલ બની જાય છે. કનોડા ગામના અન્ય ખેડૂતોમાં પણ આ ઘટનાને લઈને ડરનો માહોલ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે ONGC તેમના વિસ્તારમાંથી પસાર થતી તમામ પાઇપલાઇનોનું સઘન ચેકિંગ કરે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો:

  1. મહેસાણા: પુનાસણ ગામના ખેતરમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગે એલર્ટ જાહેર કર્યું
  2. માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ, રમણીકભાઈ વામજાની આગાહી