જુનાગઢ: કરિયાણાની દુકાનમાં કામ કરતાં પિતાની પુત્રીને ધો.12માં 95 પર્સન્ટાઈલ, 3 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ
જૂનાગઢની સરસ્વતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પુષ્ટિ બાટવિયાએ ત્રણ વિષયમાં 100 માંથી 100 એટલે કે A1 ગ્રેડ મેળવીને ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે.

Published : May 4, 2026 at 7:13 PM IST
જુનાગઢ: આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 92.69% તો જૂનાગઢ જિલ્લાનું પરિણામ 89.12% જાહેર થયું છે ત્યારે જૂનાગઢની સરસ્વતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પુષ્ટિ બાટવિયાએ ત્રણ વિષયમાં 100 માંથી 100 એટલે કે A1 ગ્રેડ મેળવીને ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. પુષ્ટિ તેની આ સફળતાને માતા-પિતા પરિવાર અને શાળાના શિક્ષકોને સમર્પિત કરી રહી છે તો બીજી તરફ પુષ્ટિના પિતા નવનીત ભાઈ બાટવીયા દાણાપીઠમાં આવેલી કરિયાણાની એક દુકાનમાં વાણોતર તરીકે નોકરી કરે છે. એકદમ સામાન્ય આર્થિક પરિસ્થિતિ છતાં પણ પુષ્ટિએ ખૂબ સારો અને ઉજવળ દેખાવ કરીને પરિવાર અને જૂનાગઢનું નામ રોશન કર્યું છે.
સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓની અસામાન્ય પ્રતિભા
આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સમગ્ર બોર્ડનું પરિણામ 92.69 ટકા જૂનાગઢ જિલ્લાનું પરિણામ 89.12 ટકા જાહેર થયું છે. જેમાં જુનાગઢ શહેરમાં આવેલી સરસ્વતી વિદ્યાલયનું પરિણામ સામાન્ય પ્રવાહમાં 100 ટકા આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતી પુષ્ટિ બાટવિયા A1 ગ્રેડ મેળવ્યો છે. શાળાની સાત વિદ્યાર્થીનીઓ પણ A1 ગ્રેડ મેળવ્યો છે. પુષ્ટિ બાટલીયાએ સામાન્ય પ્રવાહમાં ત્રણ વિષયમાં 100 માંથી 100 ગુણ પણ પ્રાપ્ત કર્યા છે. પુષ્ટિ તેની આ સફળતાને માતા-પિતા, પરિવાર અને શાળાના શિક્ષકોને સમર્પિત કરી રહી છે. ધોરણ 12 માં ખૂબ સારું પરિણામ આવ્યા બાદ પુષ્ટિ હવે સી.એ ના અભ્યાસ તરફ નવા લક્ષ્ય સાથે આગળ વધવા માગે છે.

પુષ્ટિના પિતા કરિયાણાની દુકાનમાં વાણોતર
પુષ્ટિ બાટવીયાના પિતા જૂનાગઢની દાણાપીઠમાં આવેલી કરિયાણાની એક દુકાનમાં વાણોતર તરીકે નોકરી કરીને માત્ર મહિનાના 4000 રૂપિયા જ કમાઈ છે. આ સિવાય ઘરમાં આર્થિક રીતે મદદ કરવા માટે પુષ્ટિનો ભાઈ પણ ખાનગી નોકરી કરીને પરિવારની આવક 9000 રૂપિયા સુધી પ્રતિ મહિને પહોંચાડે છે. તેમ છતાં સામાન્ય આવક અને આર્થિક સંકળામણને કારણે પુષ્ટિના અભ્યાસમાં પરિવારે કોઈ પણ પ્રકારની ઉણપ કે ખોટ રહેવા દીધી નહિ અને તેનું પરિણામ આજે એ આવ્યું કે પૃષ્ટિ બાટલીયા 95 ટકા પર્સન્ટાઇલ મેળવવામાં સફળ રહી.

માતા જાગૃતીબેને શું કહ્યું?
પુષ્ટિ બાટવીયાના માતા જાગૃતીબેને ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારની પ્રતિ મહિને 9000ની મર્યાદિત આવક છે. તેમાં ઘર ચલાવવું, બાળકોના અભ્યાસનો ખર્ચ અને અન્ય ખર્ચને પહોંચી વળવું. આજે આ મોંઘવારીના સમયમાં ખૂબ મુશ્કેલ છે તેમ છતાં તેમણે પોતાની દીકરી અભ્યાસ કરવા માટે તૈયાર હતી. જેથી તેમણે તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો કરીને પણ તેની દીકરીને વધુ અભ્યાસ માટે આગળ વધવાની પ્રેરણા આપી. પુષ્ટિ અભ્યાસમાં સારી હોવાથી શાળાએ તેને ફ્રી સીટમાં એડમિશન આપ્યું હતું. જેથી શાળાની ફીનો પ્રશ્ન શરૂઆતના દિવસોમાં જ હલ થઈ ગયો હતો. પરંતુ વર્ષ દરમિયાન અન્ય ખર્ચ અને અભ્યાસ સાથે નાની મોટી જરૂરિયાતો ઊભી થતી હોય છે. તેમાં પરિવારે અનેક બાંધછોડ કરીને એક માત્ર અભ્યાસને કેન્દ્રસ્થાને રાખીને પુષ્ટિને ભણાવવામાં મદદ કરી.

પુષ્ટિના પિતા નવનીત ભાઈ જૂનાગઢની ગંજ બજાર ધાણાપીઠમાં આવેલી કરિયાણાની એક દુકાનમાં વાણોતર તરીકે નોકરી કરે છે. એક મહિનાના 4000 ફિક્સ પગારથી પાછલા 15 વર્ષથી કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે. પુત્રી અભ્યાસમાં હોંશિયાર હોવાને કારણે તેમણે તેના અભ્યાસમાં પરિવારની આવક બાધારૂપ ન બને તે માટે પાછલા ચાર પાંચ વર્ષથી સતત મહેનત કરી રહ્યા હતા. નવનીતભાઈની સાથે તેમનો પુત્ર પણ ખાનગી નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરી રહ્યો છે. જેથી પુષ્ટિના અભ્યાસમાં જે ખર્ચ થાય છે તેને પહોંચી વળવા અને મહિને ઘર ચલાવવા માટે જે આર્થિક જરૂરિયાત ઊભી થાય છે તેમાં બાધછોડ કરીને પણ અભ્યાસ ન અટકે તે માટે પરિવારે સંકલ્પ લીધો હતો. આજે પરિણામ મળ્યું છે હવે તેઓ તેની દીકરી પુષ્ટિને ચાર્ટર્ડ એકાઉન્ટ બનાવવાની ઈચ્છા પણ ધરાવે છે જેમાં પણ પરિવાર આર્થિક રીતે તમામ પ્રકારની બાધછોડ કરીને એક માત્ર અભ્યાસને ધ્યાને રાખીને દીકરીને ચાર્ટર્ડ એકાઉન્ટ બનાવવા માટે પ્રતિબધ્ધ બન્યો છે.
આ પણ વાંચો:

