ETV Bharat / state

ગુજરાતમાં 1 વર્ષમાં 187 લાંચિયા અધિકારીઓ ઝડપાયા, લાંચ લેવાના સૌથી વધુ કેસ ગૃહ વિભાગમાં

ગૃહમાં આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 187 અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 18, 2026 at 4:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે ભ્રષ્ટાચાર મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા જોવા મળી. કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ રાજ્યમાં લાંચ લેતા અધિકારીઓ સામે થયેલી કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી.

ગૃહમાં આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 187 અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આ કાર્યવાહી ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કરવામાં આવી હોવાનું જણાવાયું.

કયા વિભાગમાં કેટલા લાંચિયા અધિકારીઓ ઝડપાયા?
વિભાગવાર આંકડાઓ પર નજર કરીએ તો ગૃહ વિભાગના 63 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. મહેસૂલ વિભાગના 27 અને પંચાયત વિભાગના 17 અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 10 અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 7 અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયા હોવાનું ગૃહમાં ખુલાસો થયો.

માત્ર 37 કર્મચારીઓ સામે ગુનો સાબિત થયો
આ 187 કેસોમાંથી 37 કર્મચારીઓ સામે ગુનો સાબિત થયો છે. એટલે કે, તેમની સામે કોર્ટમાં પુરાવા આધારે દોષ સાબિત થતા સજા અથવા આગળની કાનૂની કાર્યવાહી થઈ છે. જ્યારે 101 કર્મચારીઓ નિર્દોષ સાબિત થયા હોવાનું સરકારે ગૃહમાં જણાવ્યું. બાકી રહેલા કેસોમાં તપાસ અથવા ટ્રાયલ પ્રક્રિયા ચાલુ હોવાનું પણ સ્પષ્ટ કરાયું.

વિપક્ષ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે દોષિત સાબિત થવાની ટકાવારી ઓછી કેમ છે? શું તપાસ પ્રક્રિયામાં ખામી છે કે પુરાવા એકત્ર કરવાની પદ્ધતિમાં પડકારો છે? તેના જવાબમાં સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો કે ભ્રષ્ટાચાર સામે કડક નીતિ અપનાવવામાં આવી છે અને કોઈ પણ અધિકારીને છોડવામાં આવશે નહીં.

આંકડાઓ એક તરફ સરકારની સક્રિય કામગીરી દર્શાવે છે, તો બીજી તરફ કાનૂની પ્રક્રિયામાં પડકારોની પણ ઝલક આપે છે. હવે જોવું રહ્યું કે ભવિષ્યમાં દોષિત ઠરાવાની સંખ્યા વધે છે કે નહીં અને તંત્રમાં પારદર્શિતા કેટલા અંશે મજબૂત બને છે.

આ પણ વાંચો:

  1. GUJARAT BUDGET: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઇ, જુઓ સરકારની નવી યોજનાઓ
  2. GUJARAT BUDGET: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઇ, જુઓ સરકારની નવી યોજનાઓ
  3. GUJARAT BUDGET: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇ, જુઓ સરકારની નવી યોજનાઓ
  4. જૂનાગઢ: પ્રેમી સાથે મળી માતાની હત્યા કરનાર પુત્રી અને તેના પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી