ગોંડલમાં છેડતીખોરને ભારે પડી મસ્તી: નશામાં ધૂત યુવકે યુવતીઓની છેડતી કરતા પરિવારે જાહેરમાં 'ચખાડ્યો મેથીપાક'
ગોંડલ શહેરના વ્યસ્ત ગણાતા જેતપુર રોડ પર હવા મહેલની સામે એક નશાખોર યુવકે અર્ટિગા કારમાં સવાર યુવતીઓની છેડતી કરતા મામલો ગરમાયો હતો.

Published : January 6, 2026 at 3:54 PM IST
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક યુવકે નશાની હાલતમાં બબાલ મચાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
ગોંડલ શહેરના વ્યસ્ત ગણાતા જેતપુર રોડ પર હવા મહેલની સામે એક નશાખોર યુવકે અર્ટિગા કારમાં સવાર યુવતીઓની છેડતી કરતા મામલો ગરમાયો હતો. જોકે, આ વખતે છેડતીખોર શખ્સને યુવતીઓએ જબરો પાઠ ભણાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે એક પરિવાર પોતાની અર્ટિગા કારમાં પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બાઈક પર સવાર એક નશામાં ધૂત યુવકે કારમાં સવાર યુવતીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી છેડતી શરૂ કરી હતી. યુવક નશામાં એટલો ચકચૂર હતો કે તેણે જાહેર રસ્તા પર જ યુવતીઓની મર્યાદા લોપવાનો પ્રયાસ કર્યો હતો.
સામાન્ય રીતે આવી ઘટનાઓમાં ડરના માર્યા લોકો મૌન રહેતા હોય છે, પરંતુ આ કિસ્સામાં યુવતીઓએ અપ્રતિમ હિંમત દાખવી હતી. છેડતીથી કંટાળેલી યુવતીઓ અને તેમના પરિવારે કાર થોભાવી નશાખોર યુવકને રંગેહાથ પકડી લીધો હતો.
રસ્તા પર જ યુવતીઓએ આ શખ્સને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જાહેરમાં જ યુવકને ફટકારાતો જોઈ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોના ટોળા વચ્ચે પોતાની પોલ ખુલી જતાં અને મેથીપાક મળતા જ નશાખોર યુવક ભાનમાં આવી ગયો હતો.
યુવતીઓ અને પરિવારનો રોષ જોઈ છેડતીખોર શખ્સ ગભરાઈ ગયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ તે પોતાનું બાઈક ઘટનાસ્થળે જ મૂકીને પગપાળા ભાગી છૂટ્યો હતો. લાંબો સમય સુધી પરિવાર ત્યાં હાજર રહ્યો હતો કે રખેને તે શખ્સ પરત આવે, પરંતુ તે દેખાયો ન હતો. છેવટે પરિવાર પોતાની અર્ટિગા કાર લઈને રવાના થયો હતો.
આ ઘટનાને પગલે ગોંડલના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, રાત્રિના સમયે નશાખોર તત્વોનો આતંક વધી રહ્યો છે, જેના કારણે સભ્ય પરિવારોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. લોકોએ માગ કરી છે કે પોલીસ આવા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ દીકરી સાથે આવી ઘટના ન બને.
આ પણ વાંચો:
- બનાસ નદીમાં વર્ષોથી જીવના જોખમે શિક્ષણની સફર કરતા વિદ્યાર્થીઓ, ખાતમુહૂર્ત કરીને તંત્ર બ્રિજ બનાવવાનું ભૂલ્યું?
- બનાસકાંઠામાં રીંછની પજવણી, વાહન ચાલકે હોર્ન મારીને રીંછની પાછળ કાર દોડાવી, વીડિયો વાયરલ
- રાજકોટ-જેતપુર હાઇવે પર મગફળી ભરેલા ટ્રકનું દોરડું તૂટી જતા રસ્તા પર કોથળાનો ઢગલો, 7 KM સુધી ટ્રાફિક જામ

